લંડનઃ હોમ ઓફિસે જણાવ્યું હતું કે, નવેમ્બરમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા 171 ગેરકાયદેસર માઇગ્રન્ટની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી 60 ટેક-અવે ડિલિવરી રાઇડર્સને યુકેમાં ગેરકાયદેસર કામ કરવા માટે દેશનિકાલ કરાશે.
સરકાર ગિગ ઇકોનોમીમાં ગેરકાયદેસર કામ કરી રહેલા લોકો સામે મોટું અભિયાન ચલાવી રહી છે. બોર્ડર સિક્યુરિટી મિનિસ્ટર એલેક્સ નોરિસે તાજેતરમાં આ સમસ્યાના ઉકેલ માટે ફૂડ ડિલિવરી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી હતી. નોરિસે જણાવ્યું હતું કે, નવેમ્બરમાં ચલાવાયેલા રાષ્ટ્રવ્યાપી અભિયાનથી એક સ્પષ્ટ સંદેશ મોકલવામાં આવ્યો છે કે જો તમે આ દેશમાં ગેરકાયદેસર કામ કરી રહ્યાં છો તો તમને પકડીને દેશનિકાલ કરી દેવાશે. અમે કોમ્યુનિટીઓમાંથી આ અપરાધ નાબૂદ કરવા કામ કરી રહ્યાં છીએ.
હોમ ઓફિસે કેટલાક કેસ જાહેર કર્યાં છે જેમાં સોલિહલના રેસ્ટોરન્ટમાંથી ઝડપાયેલા બે ચીની નાગરિક, ન્યૂહામમાંથી ઝડપાયેલા ચાર બાંગ્લાદેશી અને એક ભારતીય તેમજ નોર્વિચમાંથી ઝડપાયેલા ત્રણ ભારતીયનો સમાવેશ થાય છે. તેમાંથી 7ને દેશનિકાલ કરી દેવાયાં છે.
રાજ્યાશ્રયવાંચ્છુઓને યુકેમાં પ્રથમ 12 મહિના સુધી કામ કરવાની અથવા તો તેમની રાજ્યાશ્રયની અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી નોકરી કરવાની પરવાનગી નથી.
યુકેની સરકારે ચેતવણી આપી હતી કે ગેરકાયદે વસાહતીઓમાં રહેલાં ગુનેગારો તેમના ગંભીર ગુનાઓને છુપાવવા માટે અંધારી દુકાનોનો ઉપયોગ કરે છે. તેઓ મની લોન્ડરિંગથી માંડી ગેરકાયદે કામ કરવા સુધીના ગુના આ દુકાનો મારફતે કરે છે. હવે સ્થાનિક કોમ્યુનિટીને આવી દુકાનો દૂર કરવા વધારે સત્તાઓ આપવામાં આવી છે. સરકારે આવા ગુનેગારો પાસેથી ગયા વર્ષે 300 મિલિયન પાઉન્ડની ગુનાઇત સંપત્તિ જપ્ત કરી હતી.
ગૃહ ખાતાના જણાવ્યા અનુસાર ગૃહ પ્રધાન શબાના મહેમૂદના ગેરકાયદે ઇમિગ્રેશનના દૂષણને ડામવાની ઝૂંબેશના ભાગરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જુલાઇ 2024 સુધીમાં 50000 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. યુકેના બોર્ડર સિક્યુરિટી પ્રધાન એલેક્સ નોરિસે જણાવ્યું હતું કે આ પરિણામો સ્પષ્ટ સંદેશ આપે છે કે જો તમે આ દેશમાં ગેરકાયદે કામ કરતાં હશો તો તમારી ધરપકડ કરી તમને રવાના કરવામાં આવશે.
આ અઠવાડિયે યુકેના બોર્ડર સિક્યુરિટી , એસાયલમ એન્ડ ઇમિગ્રેશન બિલને શાહી મંજૂરી મળી જવાને પગલે તે હવે કાયદો બની જશે. આ કાયદામાં કાનુની છીંડા પૂરી દેવામાં આવ્યા છે અને જે બોસ તેમના કર્મચારીની પૂરી તપાસ કર્યા વિના તેમને કામે રાખે તો તેને પાંચ વર્ષ જેલની સજા અને દરેક કર્મચારી દીઠ 60000 પાઉન્ડનો દંડ કરવાની અને બિઝનેસ પણ બંધ કરાવી દેવાની તેમાં જોગવાઇ કરાઇ છે.

