લંડન-વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોના મહામારીની ઝડપ ઘટી રહી છે અને આર્થિક ગતિવિધિઓ ખુલી ગઈ છે ત્યારે કોરોનાના નવા વેરિએન્ટ XEએ દેખા દેતા હાહાકાર મચી ગયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યા અનુસાર નવો XE વેરિઅન્ટ કોરોનાના BA.2 વેરિઅન્ટની સરખામણીએ 9.8 ગણો વધુ ચેપી છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSCA) BA.1 અને BA.2 ઓમિક્રોન સ્ટ્રેઈન્સના મ્યુટેશનXEનો અભ્યાસ કરી રહી છે. સરકારી આંકડા મુજબયુકેમાં 22 માર્ચ સુધીમાં XEના 637 કેસ જોવાં મળ્યા હતા.
દરમિયાન, યુકેમાં કોવિડના સપ્તાહ આધારિત કેસીસ ઘટી રહ્યા છે. 5 એપ્રિલ મંગળવારે નવા 50,202 કોવિડ કેસ નોંધાયા હતા જે સંખ્યા ગત મંગળવારે 80,830ની હતી. આ ઉપરાંત, ગત મંગળવારના 303 મોતની સરખામણીએ 5 એપ્રિલે કોવિડના લીધે વધુ 368 મોત નોંધાયા છે.
બીજી તરફ, યુકેમાં 26 માર્ચે પુરાં થયેલા સપ્તાહમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 49 લાખ થઇ છે જે અગાઉના અઠવાડિયે 43 લાખ હતી. BA.2 વેરિઅન્ટના દર્દીઓની સંખ્યા સતત વધી રહી હોવાથી હોસ્પિટાલાઇઝેશન અને મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે.
દરમિયાન, તાજા સરકારી આંકડા મુજબ યુકેમાં કુલ 49,488,642 લોકોએ કોવિડ વેક્સિનના ડબલ ડોઝ અને 38,881,391 લોકોએ બૂસ્ટર ડોઝ મેળવી લીધા છે. બ્રિટિશ હેલ્થ સિક્યોરિટી એજન્સીના એક અભ્યાસમાં જણાયું છે કે હાલ ત્રણ વેરિઅન્ટ છે. જેમાં ડેલ્ટા અને બીએ.1ના કોમ્બિનેશનથી પેદા થયેલાં બે અલગ વેરિઅન્ટ XD અને XE છે. XE વેરિઅન્ટ વિશે યુકેમાં સૌપ્રથમ 19 જાન્યુઆરીએ જાણવા મળ્યું હતું. અત્યાર સુધીમાં XE વેરિઅન્ટની 600 સિકવન્સીઝ મળી છે. પ્રારંભિક અભ્યાસ અનુસાર XE વેરિઅન્ટ BA.2 ની સરખામણીમાં દસ ટકા વધારે ચેપી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાના XE વેરિઅન્ટ બાબતે ચેતવણી આપી છે કે ત્રણ નવા હાઇબ્રિડ કે રિકોમ્બિનેશન સ્ટ્રેઇન મળ્યા છે. જેમાં પ્રથમ XD, બીજો XF અને ત્રીજો વેરિઅન્ટ XEછે. પ્રથમ અને બીજો વેરિઅન્ટ ડેલ્ટા અને ઓમિક્રોનના કોમ્બિનેશનથી બનેલા છે. જ્યારે ત્રીજો ઓમિક્રોન સબ વેરિઅન્ટનો હાઇબ્રીડ સ્ટ્રેઇન છે. વિખ્યાત વાઇરોલોજિસ્ટ ટોમ પિકોકે જણાવ્યું હતું કે રિકોમ્બિનન્ટ વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ જેવા જ ખતરનાક હોઇ શકે છે. આ ત્રણે વેરિઅન્ટમાં સૌથી વધારે જોખમી વેરિઅન્ટ XD લાગે છે. આ વેરિઅન્ટના દર્દીઓ જર્મની, નેધરલેન્ડ અને ડેનમાર્કમાં મળી આવ્યા છે.


