લંડનઃ યુકેમાં છૂરાબાજીની ઘટનાઓ પર લગામ કસવા સરકાર ઇન્ટરનેટના માધ્યમથી છરા વેચતા રિટેલર્સ માટે આકરા નિયમો લાગુ કરશે. સરકારે જણાવ્યું છે કે નાઇફ ક્રાઇમથી યુવા પેઢીનું રક્ષણ કરવા અમે તમામ પગલાં લઇશું. નિયમોનું ઉલ્લંઘન કરનાર રિટેલર્સને આકરો દંડ ફટકારવામાં આવશે.
નવા નિયમો અંતર્ગત રિટેલરે તેમના પ્લેટફોર્મ પરથી મોટા જથ્થામાં છરા-ચાકૂની ખરીદી અને તમામ શંકાસ્પદ ખરીદીની જાણ પોલીસને કરવાની રહેશે. જેથી સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા તેના ગેરકાયદેસર પુનઃવેચાણને અટકાવી શકાય. 18 વર્ષથી નાનાને છરાના વેચાણ માટેની સજાની જોગવાઇ 6 મહિનાથી વધારીને 2 વર્ષ કરાશે. આ માટે વેચાણ કરનાર કર્મચારી અથવા તો કંપનીના સીઇઓને જવાબદાર ગણાશે.
આ પેનલ્ટી તાજેતરમાં પ્રતિબંધિત કરાયેલા ઝોમ્બી સ્ટાઇલના ચાકૂ સહિતના આક્રમક હથિયારોના સપ્લાય અને વેચાણ પર પણ લાગુ થશે. તે ઉપરાંત હિંસાના ઇરાદાથી ધારદાર શસ્ત્ર રાખવાને પણ અપરાધ બનાવવામાં આવશે. આ જોગવાઇ નવા ક્રાઇમ એન્ડ પોલીસિંગ બિલમાં ઉમેરાશે. આ માટે 4 વર્ષ સુધીની સજાની જોગવાઇ કરાશે.
સરકાર છરા-ચાકૂનું ઓનલાઇન વેચાણ કરતા રિટેલર્સ માટેની રજિસ્ટ્રેશન સ્કીમ પણ લાવશે જેથી ફક્ત જવાબદાર રિટેલર્સ જ તેમનું વેચાણ કરી શકે.
હોમ સેક્રેટરી ય્વેટ કૂપરે જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં ઓનલાઇન માર્કેટ પર નિયંત્રણો લાદવાના પુરતા પ્રયાસ થયાં નથી. અમે વર્ષ 2022માં ધારદાર શસ્ત્ર વડે હત્યા કરાયેલા રોનેન કાન્ડાની યાદમાં રોનેન લો લાગુ કરવા પ્રતિબદ્ધ છીએ. યુવાઓ આ પ્રકારની કરૂણાંતિકાનો ભોગ ન બને તે માટે સરકાર યોગ્ય પગલાં લે તે સારૂ કાન્ડા પરિવાર દ્વારા કરાયેલા સતત પ્રયાસોને પણ હું બિરદાવું છું.
મારા પુત્રના મોતમાં શસ્ત્રોના ઓનલાઇન વેચાણની પણ ભુમિકાઃ પૂજા કાન્ડા
રોનેન કાન્ડાની માતા પૂજા કાન્ડાએ જણાવ્યું હતું કે, 2022માં નાઇફ ક્રાઇમ અને ખોટી ઓળખને કારણે મારા પુત્રની હત્યા કરાઇ હતી. કોર્ટરૂમમાં મેં શસ્ત્રો જોયાં ત્યારે મને લાગ્યું કે મારો પુત્ર તેમનો સામનો કરી શકે તેમ નહોતો. ઓળખની ચકાસણી વિના શસ્ત્રોના ઓનલાઇન વેચાણે પણ મારા પુત્રના મોતમાં ભુમિકા ભજવી છે. એક 16 વર્ષનો સગીર કેવી રીતે ઓનલાઇન ચાકૂ ખરીદી શકે. મારા માટે આ સ્વીકાર્ય નહોતું અને તેથી જ અમારી સત્ય માટેની લડાઇનો પ્રારંભ થયો હતો. અમે સરકાર દ્વારા લેવાઇ રહેલાં પગલાંને આવકારીએ છીએ.