નાઈટ ક્લબ્સ- ઈવેન્ટ્સમાં પ્રવેશની વેક્સિન પાસપોર્ટ્સની યોજના રદ

Wednesday 15th September 2021 07:07 EDT
 
 

લંડનઃ સ્કોટલેન્ડની માફક ઈંગ્લેન્ડમાં પણ આ મહિનાથી જ નાઈટ ક્લબ્સ અને મોટા ઈવેન્ટ્સમાં પ્રવેશ માટે વેક્સિન પાસપોર્ટ્સને અમલી બનાવવાની ધારણા હતી પરંતુ, નાટ્યાત્મક પીછેહઠમાં હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે આ યોજના રદ કરાઈ હોવાને સમર્થન આપ્યું છે.

ઈંગ્લેન્ડમાં ભીડવાળા સ્થળે અને નાઈટ ક્લબ્સ સહિત મોટા ઈવેન્ટ્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વ્યક્તિએ કોવિડ વેક્સિનના બે ડોઝ લીધા હોવાના પુરાવા દર્શાવવાના હતા. જોકે, ટોરી સાંસદોના ભારે વિરોધના પરિણામે હેલ્થ સેક્રેટરીએ આ યોજના પડતી મૂકાઈ હોવાની રવિવારે જાહેરાત કરી હતી. હેલ્થ સેક્રેટરી જાવિદે બીબીસીને જણાવ્યું હતું કે,‘આપણે ખાલી કરવા ખાતર કોઈ બાબતો કરવી ન જોઈએ. મને કહેતા આનંદ થાય છે કે આપણે આ યોજનામાં આગળ વધી રહ્યા નથી.’ એક કલાક અગાઉ જ જાવિદે ટ્રેવર ફિલિપ્સને જણાવ્યું હતું કે તેઓ આ યોજનાને નકારી કાઢતા નથી અને તેના બાબતે આખરી નિર્ણય લેવાયો નથી.

ગત સપ્તાહે વેક્સિન્સ મિનિસ્ટર નાધિમ ઝાહાવીએ વેક્સિન પાસપોર્ટ પ્લાન્સને સમર્થન જાહેર કર્યું હતું. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ કોવિડ પાસપોર્ટ્સ સામે વિરોધ જુલાઈમાં પડતો મૂક્યો હતો અને ૧૮થી વધુ વયના યુવાનોને સ્પષ્ટ કહ્યું હતું કે ક્લબોમાં જવા તેમણે સપ્ટેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણપણે વેક્સિનના ડોઝ લઈ લેવા પડશે. જ્યાં ભારે ભીડ થાય છે તેવાં સ્થળો અને નાઈટ ક્લબ્સમાં પ્રવેશમાં પ્રવેશ માટે સંપૂર્ણ વેક્સિનેશનની શરત લાગુ કરવામાં આવશે તેમ પણ જ્હોન્સને જણાવ્યું હતું.

લેબર પાર્ટીએ વેક્સિન પાસપોર્ટ્સ મુદ્દે જાવિદના બેવડા ધોરણોની ભારે ટીકા કરી હતી. ડેપ્યુટી લીડર એન્જેલા રેનારે કહ્યું હતું કે કોવિડ પાસપોર્ટ્સ મુદ્દે સરકારનું વલણ શરૂઆતથી જ અસ્પષ્ટ હતું. શિયાળામાં કોરોના વાઈરસના જોખમ સામે લડવા માટે વેક્સિન પાસપોર્ટ યોજના મહત્ત્વની ગણાઈ હતી કારણકે જ્હોન્સન બીજું લોકડાઉન લાદવા ઈચ્છતા નથી અને વેક્સિનેશન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter