નાઈટિંગલ ફિલ્ડ હોસ્પિટલ ધોળો હાથીઃ પેશન્ટ્સને પાછા ધકેલ્યા

Monday 27th April 2020 02:30 EDT
 
 

લંડનઃ કોરોના મહામારી સામે જંગમાં ખાસ ExCel સેન્ટર ખાતે તૈયાર કરાયેલી ૪,૦૦૦ બેડની નાઈટિંગલ હોસ્પિટલે લંડનની અન્ય ભરચક હોસ્પિટલોના વોર્ડ્સમાંથી મોકલાયેલા અને જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા આશરે ૫૦ કોરોના વાઈરસ પેશન્ટ્સને પાછા ધકેલી દીધાં હોવાનું NHSના ડોક્યુમેન્ટ્સમાંથી જ બહાર આવ્યું છે. આ માટે નર્સીસની અછતનું કારણ અપાયું છે. નોંધવાનું તો એ છે કે આટલી મોટી હોસ્પિટલ ખાલી પડી છે અને ૨૧ એપ્રિલ સુધીમાં માત્ર ૪૦ પેશન્ટ્સની જ સારવાર કરાઈ છે.

ભારે ધામધૂમથી પ્રિન્સ ચાર્લ્સ દ્વારા વીડિયો લિન્કથી સાતમી એપ્રિલે ખુલ્લી મૂકાયેલી ૪,૦૦૦ બેડની નાઈટિંગલ હોસ્પિટલમાં લંડનની અન્ય હોસ્પિટલોમાંથી વેન્ટિલેટર્સ પર રહેલા ૩૦ પેશન્ટ્સ ટ્રાન્સફર કરાયા હતા પરંતુ, સ્ટાફના કારણોસર ટ્રાન્સફર શક્ય બની ન હતી. કોરોના પેશન્ટ્સ વધે છે ત્યારે હજારો ખાલી બેડ ધરાવતી નાઈટિંગલ ફિલ્ડ હોસ્પિટલ ધોળો હાથી પુરવાર થઈ રહી છે. ધ ગાર્ડિયન અખબારના અહેવાલ અનુસાર સામાન્યપણે અન્ય હોસ્પિટલોમાં કાર્યરત નર્સીસની ભરતી મુશ્કેલ છે. અન્ય ૨૦ પેશન્ટ્સની હાલત અતિ ગંભીર હોવાથી તેમની સારવાર પણ હાથ ધરાઈ ન હતી.

બીજી તરફ, NHS ઈંગ્લેન્ડ દ્વારા કોરોના વાઈરસ મહામારી સામે લડવા લંડન, બર્મિંગહામ, માન્ચેસ્ટર, બ્રિસ્ટોલ, હેરોગેટ, એક્સટર અને ટાયને એન્ડ વીઅર ખાતે સાત હંગામી ફિલ્ડ હોસ્પિટલ બનાવવા જાહેરાત કરી હતી. લંડન નાઈટિંગલ હોસ્પિટલમાં ડોક્ટરો સહિત ઘણા લોકો કાર્યરત છે પરંતુ, ક્રિટિકલ કેર નર્સીસ પૂરતા પ્રમાણમાં નથી. અન્ય હોસ્પિટલોમાંથી સ્પેશિયાલિસ્ટ નર્સીસ મળે તેવી શક્યતા પણ નથી. જો આ હોસ્પિટલને સંપૂર્ણ ક્ષમતાથી કામ કરવાનું થાય તો ૧૬,૦૦૦થી વધુ સ્ટાફની જરૂર પડે તેમ છે.

પૂર્વ માન્ચેસ્ટર સેન્ટ્રલ રેલવે સ્ટેશનના મુખ્ય હોલમાં ૭૫૦ કોરોના પેશન્ટ્સની સારવાર માટે તૈયાર સુવિધાનું ૨૨ એપ્રિલે ઉદ્ઘાટન કરાયું હતું જોકે, તેમાં કોઈ પેશન્ટ નથી. ૫૦૦ બેડની ક્ષમતા સાથે બર્મિંગહામ હોસ્પિટલ નેશનલ એક્ઝિબિશન સેન્ટર ખાતે તૈયાર કરાઈ છે, જેની ક્ષમતા ૧,૫૦૦ બેડ સુધી વધારી શકાય તેમ છે. એક્સટર અને ટાયને એન્ડ વીઅર સાઈટ્સ એપ્રિલના અંત અથવા મેની શરૂઆતમાં તૈયાર થશે અને આશરે ૭૦૦ બેડનો ઉમેરો થશે. આ જ પ્રમાણે, બાંધકામ હેઠળની યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઈંગ્લેન્ડ, બ્રિસ્ટોલ ખાતે ૧૦૦૦ પેશન્ટ્સ તેમજ હેરોગેટના કન્વેન્શન સેન્ટરની હોસ્પિટલ ૫૦૦ પેશન્ટ્સની દેખભાળ કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter