લંડનઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી પરિષદે પિટ રિવર્સ મ્યુઝિયમ ખાતે રાખવામાં આવેલ નાગા પૂર્વજોના 39 અવશેષ ભારત પરત મોકલી આપવા મંજૂરી આપી છે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન બ્રિટન લઇ જવાયેલા આ અવશેષોને પરત લાવવાની દિશામાં આ નિર્ણયને એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. અવશેષો ભારત પરત લઇ જવાની આ પ્રક્રિયા વર્ષના અંત સુધીમાં પૂરી થવાની સંભાવના છે. તેનાથી ફોરમ ફોર નાગા રિકન્સિલિયેશન, રિકવર રિસ્ટોર એન્ડ ડિકોલોનાઇઝ અને નાગા જનજાતીય મંડળો દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત પ્રયાસોને સફળતા હાંસલ થઇ છે. મ્યુઝિયમના નિયામકે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી કાઉન્સિલે 39 અવશેષ પરત કરવા સત્તાવાર મંજૂરી આપી છે.


