લંડનઃ ભલે કહેવાતું હોય કે નાણાથી ખુશી ખરીદી શકાતી નથી, છતાં બેન્ક એકાઉન્ટમાં આંકડાની પાછળ શૂન્ય વધતા રહે તેનો કોઈ વાંધો આપણે ઉઠાવતા નથી. નવો અભ્યાસ કહે છે કે નાણાંથી પણ ખુશી ખરીદી શકાય એ વાત સાચી છે. પરંતુ, તમે માત્ર તમારા વ્યક્તિત્વને અનુરૂપ વસ્તુ પાછળ ખર્ચ કરો ત્યારે જ તમને આ ખુશી મળી શકે. યુકેની બેંકોના ૭૬,૮૬૩ સ્પેન્ડીંગ ટ્રાન્ઝેક્શન્સના વિશ્લેષણ બાદ કેમ્બ્રીજ જજ બિઝનેસ સ્કૂલ અને કેમ્બ્રીજ યુનિવર્સિટીના સાયકોલોજી ડિપાર્ટમેન્ટના જો ગ્લેડસ્ટોન અને સાન્ડ્રા મેટઝ સહિતના સંશોધકોએ આ તારણ કાઢ્યું છે.
આ અભ્યાસમાં ગ્રાહકોને પર્સનાલિટી અને હેપીનેસ અંગેની પ્રશ્રોત્તરી ભરવા જણાવાયું હતું. પર્સનાલિટીને અનુરૂપ વસ્તુ પાછળ ખર્ચ કરનારા લોકો અન્ય કરતાં વધુ ખુશ જણાતા હતા. ખર્ચની ૧૧૨ કેટેગરીમાં ૬૨૫ લોકોના ટ્રાન્ઝેક્શન્સનું વિશ્લેષણ કરાયું હતું. છ મહિનાના સમયગાળામાં લગભગ ૫૦૦ ટ્રાન્ઝેક્શન્સ ધરાવતી બેંકોએ તેનું ૫૯ કેટેગરીમાં વિભાજન કર્યું હતું.
વાસ્તવિક ખર્ચને તેમના વ્યક્તિત્વ સાથે સરખાવતા જણાયું હતું કે સામાન્ય રીતે લોકો તેમના વ્યક્તિત્વને અનુરૂપ વસ્તુઓ પાછળ વધુ નાણાં ખર્ચે છે. વ્યક્તિત્વની ‘મુખ્ય પાંચ’ ખાસ ખાસિયતો - અનુભવ કરવા માટે મુક્ત મન, કર્તવ્યનિષ્ઠા, બહિર્મુખતા, સંમત થવાની શક્તિ અને ન્યુરોટિસીઝમ- સાથે ખર્ચની કેટેગરીની સરખામણી કરવામાં આવી હતી. ઉદાહરણ તરીકે પબમાં ભોજનને બહિર્મુખી ખર્ચ, જ્યારે પાલતુ પ્રાણીને સંમત થઈ શકાય તેવા ખર્ચની કેટેગરીમાં ગણવામાં આવ્યા હતાં. હોમ ઈન્સ્યુરન્સ, હેલ્થ અને ફીટનેસનો કર્તવ્યનિષ્ઠ લોકો માટે ખર્ચની લોકપ્રિય કેટેગરીમાં સમાવેશ થતો હતો. ન્યુરોટિક લોકોને સ્ટેશનરી પાછળના ખર્ચથી ઓછો આનંદ મળતો હતો.
ઉદાહરણ જોઈએ તો, અંતર્મુખી વ્યક્તિની સરખામણીએ અતિ બહિર્મુખ વ્યક્તિ પબ નાઈટ્સ પાછળ વર્ષે અંદાજે બાવન પાઉન્ડ વધારે ખર્ચે છે. આ જ રીતે ઓછી કર્તવ્યનિષ્ઠ વ્યક્તિની સરખામણીએ અતિ કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ હેલ્થ અને ફીટનેસ પાછળ વાર્ષિક ૧૨૪ પાઉન્ડનો વધુ ખર્ચ કરે છે.


