લંડનઃ કટ્ટર જમણેરી બ્રિટિશ રાજકીય નેતા નાથાન ગિલ પર યુરોપિયન સંસદમાં રશિયાની તરફેણમાં નિવેદનો આપવા માટે લાંચ લેવાના આરોપ મૂકાયા છે. ગયા સોમવારે 51 વર્ષીય નાથાન ગિલ લંડનની અદાલતમાં હાજર રહ્યા હતા. તેમના પર લાંચના આઠ અને લાંચ લેવા માટેના કાવતરાના એક આરોપ મૂકાયા છે.
પ્રોસિક્યુટર્સે ગિલ પર આરોપ મૂક્યો હતો કે યુરોપિયન યુનિયન સંસદના પૂર્વ સભ્ય એવા ગિલને યુક્રેનના પૂર્વ રાજકીય નેતા ઓલેદ વોલોશાયન દ્વારા આઠ પ્રસંગોમાં નિવેદનો કરવા માટે નાણા ચૂકવાયા હતા. નાથાન ગિલ વેલ્સમાં રિફોર્મ યુકે પાર્ટીનું નેતૃત્વ કરી ચૂક્યાં છે.
લૉયર રિચર્ડ લિન્કે જણાવ્યું હતું કે, ગિલે યુરોપિયન સંસદમાં અને ઓપિનિયન લેખોમાં એવા નિવેદનો આપ્યાં હતાં જેના કારણે યુક્રેનના ઘટનાક્રમમાં રશિયાને લાભ થઇ શકે. આ સમગ્ર ઘટનાક્રમ વર્ષ 2018થી 2020 વચ્ચેનો છે. 13 સપ્ટેમ્બર 2021ના રોજ માન્ચેસ્ટર એરપોર્ટ ખાતે ગિલને બ્રિટિશ કાઉન્ટરટેરરિઝમ કાયદા અંતર્ગત અટકાવાયા હતા અને ગયા સપ્તાહમાં તેમની સામે આરોપ ઘડાયા હતા. તેમને 14 માર્ચ સુધી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે.