નાદાર ટ્રાવેલ ફર્મ થોમસ કૂકના કર્મચારીઓ દ્વારા કાનૂની કાર્યવાહી

Wednesday 02nd October 2019 03:42 EDT
 

લંડનઃ ટ્રાવેલ ફર્મ થોમસ કૂકના ૧૦૦થી વધુ પૂર્વ કર્મચારીઓએ તેમની નોકરીઓ ગુમાવ્યા પછી કંપની સામે કાનૂની કાર્યવાહી આરંભી છે. કંપની નાદાર થઈ તેના થોડા દિવસ પહેલા પણ તેણે કર્મચારીઓને નોકરી પર રાખ્યા હોવાનું બહાર આવ્યું છે. કંપનીએ કર્મચારીઓને પોતાની સ્થિતિ વિશે કોઈ માહિતી આપી ન હોવાનું પણ જણાવાયું છે. કર્મચારીઓ એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ મારફત વળતર માગી રહ્યા છે. કંપનીની નાદારીના પગલે વર્કર્સને ૯૦ દિવસ સુધીનું વેતન મળી શકે છે.

નાદાર થોમસ કૂકના ૧૦૦થી વધુ પૂર્વ કર્મચારીઓએ નોકરીઓ ગુમાવ્યા પછી કંપની સામે કાનૂની કાર્યવાહી આરંભી છે. પૂર્વ કર્મચારીઓએ દાવો કર્યો છે કે કંપનીએ તેમને નોકરીમાંથી કાઢવામાં ગેરકાયદે વર્તન કર્યું છે અને એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલ સમક્ષ રજૂઆત કરાઈ છે. વકીલોએ જણાવ્યું છે કે હજારો પૂર્વ કર્મચારીઓને જંગી વળતર મળી શકે છે. છટણી કરાયેલા ઘણા વર્કર્સને ગત ત્રણ સપ્તાહનું વેતન જ મળ્યું નથી અને ઘણાએ ગુજારા માટે ચેરિટી ફૂડ વાઉચર્સનો સહારો લેવો પડ્યો છે. બીજી તરફ, સરકારે ૨૦૦ મિલિયન પાઉન્ડની મદદ સાથે હસ્તક્ષેપ ન કર્યો તેની સામે પણ રોષ પ્રવર્તી રહ્યો છે.

વર્તમાન કાયદા અનુસાર વર્કર્સની છટણી કરાય તો તેઓ પ્રોટેક્ટિવ એવોર્ડના હકદાર છે. ઓફિસે ૨૦થી વધુ લોકોને નોકરી આપવી પડે અને અસરગ્રસ્તો ૯૦ દિવસ સુધીના વેતનના હકદાર છે. જો નાદારીના કારણે કર્મારીઓની છટણી કરાય તો સરકારની ઈન્સોલ્વન્સી સર્વિસે ચુકવણી કરવાની રહે છે. જોકે, તેની મર્યાદા આઠ સપ્તાહના વેતન અને સાપ્તાહિક ૫૨૫ પાઉન્ડની રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter