નાદાર થયેલી MFS ના એડમિનિસ્ટ્રેટર નિમિષ પટેલનું રાજીનામું

Tuesday 22nd September 2026 10:59 EDT
 

લંડનઃ વિશ્વની જાણીતી બેંકો અને પ્રાઇવેટ ક્રેડિટ ફર્મ્સનું 2.6 બિલિયન પાઉન્ડનું દેવું ચૂકવવામાં નિષ્ફળ રહેલી રિયલ એસ્ટેટ ધિરાણકર્તા કંપની MFS ફેબ્રુઆરી મહિનામાં છેતરપિંડીના ગંભીર આક્ષેપો વચ્ચે નાદાર થઈ ગઈ હતી. હવે MFS ઇન્ટરનેશનલ લિમિટેડના જોઈન્ટ એડમિનિસ્ટ્રેટર નિમિષ પટેલે ક્રેડિટર્સના ભારે વિરોધ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નિમિષ પટેલ રિસ્ટ્રક્ચરિંગ ફર્મ કૂટ્સ એન્ડ બૂટ્સ સાથે સંકળાયેલા છે.

હાઇકોર્ટના જજ દ્વારા તાજેતરમાં નિમિષ પટેલના રાજીનામાને મંજૂરી આપવામાં આવી હતી. સુનાવણી દરમિયાન નોંધવામાં આવ્યું હતું કે, નિમિષ પટેલના MFS કંપની સાથેના ભૂતકાળના સંબંધોને લઈને ક્રેડિટર્સ દ્વારા ગંભીર શંકાઓ અને હિતોના ટકરાવની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

કોર્ટના જજે પણ નોંધ્યું હતું કે પટેલે અત્યંત સન્માનજનક રીતે સ્વીકાર્યું છે કે કંપનીના હિતમાં તેમનું રાજીનામું આપવું જ યોગ્ય રહેશે. નિમિષ પટેલે જણાવ્યું હતું કે, પોતાના નાણા ગુમાવનારને  એડમિનિસ્ટ્રેટર પસંદ કરવાનો અંતિમ અધિકાર છે અને હું તે નિર્ણયનું સન્માન કરું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter