નાના બાળકોને એલર્જીથી બતાવવા મગફળીનો આહાર આપવા સલાહ

Monday 09th January 2017 07:28 EST
 
 

લંડનઃ નાના બાળકોને ખતરનાક ફૂડ એલર્જીથી બચાવવા ચારથી છ મહિનાની વયથી જ પ્રોટીનથી સમૃદ્ધ મગફળી આધારિત આહાર આપવાની ભલામણ ડોક્ટરોએ કરી છે. અત્યાર સુધી ત્રણ વર્ષની વય સુધી મગફળી નહિ આપવાની સલાહ અપાતી હતી.

યુએસ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ દ્વારા સંશોધનમાં જણાયું હતું કે પ્રોટીનથી સમૃદ્ધ મગફળીનો આહાર નાની વયથી અપાતા બાળકના એલર્જિક બનવાનું પ્રમાણ નાટ્યાત્મકપણે નીચું જાય છે. આ પછી જાહેર નવી ગાઈડલાઈન્સ અનુસાર મોટા ભાગના બાળકોને નાની વયથી અથવા તો તેમની પ્રથમ વર્ષગાંઠ અગાઉથી જ મગફળી ધરાવતો આહાર આપવો જોઈએ. બ્રિટનમાં યહુદી બાળકોને નવજાત અવસ્થામાં મગફળીની પેદાશો આહારમાં અપાતી નથી ત્યારે એલર્જી થવાનો ૧૦ ગણો ઊંચો દર છે, જ્યારે ઈઝરાયેલમાં સામાન્ય રીતે સાત મહિનાની વયથી જ મગફળીની પેદાશો આહારમાં અપાય છે.

બાળકોને ખાદ્ય એલર્જીના ઊંચા, મધ્યમ અથવા નીચા જોખમને ધ્યાનમાં રાખી ચારથી છ મહિનાની વયથી જ મગફળી આધારિત આહાર અપાવો જોઈએ. ઊંચુ જોખમ ધરાવતા બાળકોને ચામજી પર ફોલ્લીઓ, એક્ઝિમા અથવા ઈંડાની એલર્જી થવાનું વધુ જોખમ રહે છે. તેમને મગફળી અપાય તે અગાઉ તપાસ કરાવી જોઈએ અને મગફળીના આહારનો પ્રથમ સ્વાદ ડોક્ટરની હાજરીમાં ચખાડવો જોઈએ. ગળામાં ભરાઈ જવાથી રૂંધામણનું જોખમ હોવાથી મગફળી આખી આપવાના બદલે બાળકને પાતળા પીનટ બટર અથવા સહેળાઈથી ગળે ઉતરે તેવા પીસેલા સ્વરૂપમાં આપવી જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter