લંડનઃ કોરોનાના ‘રુલ ઓફ સિક્સ’ નિયંત્રણમાંથી ૧૨ વર્ષથી ઓછી વયના બાળકોને બાકાત રાખવા જ્હોન્સન સરકાર પર ભારે દબાણ થઈ રહ્યું છે. એક પોલમાં ૪૧ ટકા મતદારોએ બાળકોની ક્રિસમસની ઉજવણીને બચાવવા જ્હોન્સનને અપીલ કરી છે. ટોરી બેકબેન્ચર્સ પણ આ માગણીમાં સામેલ થયા છે. જોકે, આ નીતિ સામે રોષ હોવાં છતાં, ડાઉનિંગ સ્ટ્રીટે પીછેહઠ કરવા ઈનકાર કર્યો છે.
૧૯૨૨ કમિટીના ગ્રેહામ બ્રેડીએ બાળકોની ક્રિસમસ ઉજવણીને બચાવવા વડા પ્રધાનને સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જનને અનુસરવા સલાહ આપી છે. સ્કોટલેન્ડ અને વેલ્સમાં આવા નિયંત્રણોમાંથી ૧૨ વર્ષથી ઓછી વયના બાળકોને મુક્ત રખાયા છે ત્યારે ઈંગ્લેન્ડમાં તેમને કોઈ છૂટ અપાઈ ન હોવાથી ભારે રોષ છે.
બાળકોની ક્રિસમસ બચાવવાની તરફેણ
JL Partners દ્વારા ડેઈલી મેઈલના પોલમાં ૧૦માંથી ચારથી વધુ વ્યક્તિએ ઉજવણીની મોસમમાં ગ્રાન્ડપેરન્ટ્સ તેમના પરિવારોને મળી શકે તે માટે ‘રુલ ઓફ સિક્સ’ નિયમમાં ફેરફારને ટેકો આપ્યો છે. ૪૧ ટકા મતદારે બાળકોને બાકાત રાખવાની તરફેણ કરી હતી પરંતુ, ૩૨ ટકા આની સાથે સહમત થયા ન હતા. ‘રુલ ઓફ સિક્સ’ના કારણે ત્રીજા ભાગના પરિવારોનું ક્રિસમસ ઉજવણીનું આયોજન ખોરવાઈ ગયું છે. જોકે, ૭૫ ટકાનું માનવું છે કે મોટા ભાગના લોકો સંખ્યામર્યાદાને અવગણશે. આ પોલમાં રસપ્રદ બાબતો ધ્યાને આવી હતી કે લાખો લોકો મહામારીનું બહાનું આગળ ધરીને વર્કપ્લેસ પર જવાનું ટાળે છે. સરકારની કોવિડમાર્શલ યોજના અંગે ૩૨ ટકાએ જણાવ્યું હતું કે તેમના પાડોશીઓ નિયમભંગ કરતા હોવાની શંકા જણાશે તો તેઓ આગળ માહિતી આપશે જ્યારે, ૪૯ ટકાએ આમ નહિ કરવા જણાવ્યું હતું. નિયમભંગની પેનલ્ટી કડક હોવા મુદ્દે મોટા ભાગના સહમત હતા. કુલ ૪૬ ટકા મતદારે આ ધરપકડને પાત્ર ગુનો ન હોવો જોઈએ તેમ કહ્યું હતું જ્યારે, ૪૩ ટકાએ ગુનાને ધરપકડને પાત્ર ગણાવ્યો હતો. ૭૫ ટકાએ સરકારનો સમગ્રતયા કોવિડ મેસેજ ગુંચવાડાપૂર્ણ હોવાનું જણાવ્યું હતું પરંતુ, ૧૨ ટકા મતદાર તેની સાથે અસંમત હતા.
કોરોના રેટિંગમાં પણ જ્હોન્સન સાતમા ક્રમે
ડેઈલી મેઈલના સર્વેમાં કોરોના વાઈરસ કટોકટી તેમજ ઈયુ સાથેના બ્રેક્ઝિટ કરારને તોડવાના પ્રયાસના મુદ્દે વડા પ્રધાન જ્હોન્સનની નેતાગીરીને ભારે ધક્કો વાગ્યો છે. મિનિસ્ટર્સે કોરોના વાઈરસ કટોકટી સારી રીતે હાથ ધરી હોવાનું માનનારા માત્ર ૨૮ ટકા હતા. શ્રેષ્ઠ નેતા કોણના પ્રશ્ને લેબરનેતા સર કેર સ્ટાર્મર અને બોરિસ જ્હોન્સન એકસરખા ૩૭ ટકા ટકા ધરાવે છે. ઉચ્ચ ટોરી નેતાઓના કોરોના વાઈરસ અંગે કામગીરીના રેટિંગમાં પણ જ્હોન્સન સાતમા ક્રમે ધકેલાયા છે. એક માત્ર ચાન્સેલર રિશિ સુનાક (+૪૦) રેટિંગ સાથે પ્રથમ ક્રમે છે. તેમના અન્ય કેબિનેટ સાથીઓના રેટિંગમાં ડોમિનિક રાબ (-૧૦), જેરેમી હન્ટ (-૧૧), રોબર્ટ જેનરિક (-૧૪), ગ્રાન્ટ શાપ્સ (-૧૪), મેટ હેનકોક (-૨૦), બોરિસ જ્હોન્સન (-૨૧), માઈકલ ગોવ (-૨૭), પ્રીતિ પટેલ (-૩૦) અને ગાવિન વિલિયમસન (-૩૨)નો સમાવેશ થાય છે. ૩૯ ટકા મતદારે ચાન્સેલર સુનાકની વડા પ્રધાનપદ માટે તરફેણ કરી હતી જ્યારે જ્હોન્સને ૩૧ ટકા મત મળ્યા હતા.