નાના બિઝનેસોને મોટી રાહત, વેટ રજિસ્ટ્રેશન મર્યાદા 90,000 પાઉન્ડ કરાઇ

કોવિડ મહામારી દરમિયાન અપાતી લોન સ્કીમ માર્ચ 2026 સુધી લંબાવાઇ

Tuesday 12th March 2024 16:03 EDT
 
 

લંડનઃ વેટ માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે નાના બિઝનેસની કરપાત્ર ટર્નઓવર મર્યાદા 85,000 પાઉન્ડથી વધારીને 90,000 પાઉન્ડ કરાઇ છે. જે બિઝનેસનું કરપાત્ર ટર્નઓવર 88,000 પાઉન્ડથી ઓછું હોય તેઓ વેટમાંથી ડિરજિસ્ટ્રેશન કરાવી શકશે. આ જોગવાઇનો અમલ 1 એપ્રિલ 2024થી કરાશે. ચાન્સેલર જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, કરપાત્ર ટર્નઓવર મર્યાદા વધારવાના કારણે નાના બિઝનેસના વિકાસમાં મદદ મળી રહેશે.

બજેટ પહેલાં એસોસિએશન ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સે જણાવ્યું હતું કે, આ કૃત્રિમ અવરોધના કારણે બિઝનેસોનો નફો અને ઉત્પાદકતા મર્યાદિત થઇ ગઇ હતી જેના કારણે દેશનો વિકાસ રૂંધાતો હતો. ટર્નઓવર મર્યાદામાં વધારો થવાના કારણે બ્યુરોક્રેસી પરનું દબાણ પણ ઓછું થશે. કરવેરાના વધારાના બોજને કારણે કેટલાક બિઝનેસને કિંમતોમાં વધારો કરવાની ફરજ પડી હતી જ્યારે અન્ય કેટલાક બિઝનેસ ટર્નઓવર મર્યાદા ટાળવાનો પ્રયાસ કરતાં હતાં.

ફેડરેશન ઓફ સ્મોલ બિઝનેસે સરકારના આ નિર્ણયે બિઝનેસ વિસ્તારવા ઇચ્છતા નાના વેપારધંધાને ઓક્સિજન પૂરો પાડ્યો છે. ટ્રેઝરીએ જણાવ્યું હતું કે, વેટના કારણે નાના બિઝનેસ પર બોજો વધી રહ્યો હતો તેથી હવે ટર્નઓવર મર્યાદા વધારી દેવામાં આવી છે.

બીજીતરફ સરકારે કોરોના મહામારી દરમિયાન શરૂ કરાયેલી ગ્રોથ ગેરેંટી સ્કીમ માર્ચ 2026 સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ સ્કીમ અંતર્ગત સરકાર દ્વારા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને 2 મિલિયન પાઉન્ડની લોન આપવામાં આવતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter