લંડનઃ ચાન્સેલર હિલીએ તેમના બજેટમાં આગામી વર્ષથી ફાર્મસી, રિટેલ, હોસ્પિટાલિટી સહિતના નાના વ્યવસાયો દ્વારા ચૂકવવામાં આવતા બિઝનેસ રેટ્સ માટેની મુક્તિ મર્યાદામાં વધારાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. હિલીએ પોતાના પ્રથમ બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, રિટેલ, હોસ્પિટાલિટી સહિતના નાના વ્યવસાયો માટે સ્મોલ બિઝનેસ રેટ્સ રિલીફ (SBRR)ની મર્યાદા વર્તમાન 12,000 પાઉન્ડથી વધારીને 18,000 પાઉન્ડ કરાશે. સરકારના આ નિર્ણયથી સ્થાનિક હાઇ સ્ટ્રીટ્સના વેપારને વેગ મળશે અને વધારાના 70,000 વ્યવસાયો બિઝનેસ રેટ્સના દાયરામાંથી બહાર નીકળી સંપૂર્ણ કરમુક્ત થશે.
ટ્રેઝરીના બજેટ દસ્તાવેજો અનુસાર 100% રાહત માટેની રેટેબલ વેલ્યૂની મર્યાદા 12,000 થી વધીને 18,000 પાઉન્ડ થશે. જ્યારે ટેપર્ડ રાહતની મર્યાદા 15,000 થી વધારીને 21,000 પાઉન્ડ કરાશે. આ ફેરફારો 1 એપ્રિલ 2027 થી અમલમાં આવશે.
ગૃહમાં સંબોધન કરતા ચાન્સેલર હિલીએ જણાવ્યું હતું કે, સરકાર સ્થાનિક સમુદાયોની ઓળખ સમાન બેકરી, કેફે અને હેર સેલૂન જેવા નાના વેપારોને પ્રોત્સાહિત કરવા અને તેમના રોકાણ તથા રોજગાર ક્ષમતાને વિસ્તારવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે.


