નાની વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ...

શાહી પરિવાર રંગભેદીઃ જીવવાની ઈચ્છા જ ન રહીઃ મેગનનો ઘટસ્ફોટ

Tuesday 09th March 2021 16:17 EST
 
 

લોસ એન્જલસ, લંડનઃ બ્રિટનના શાહી પરિવારના સીનિયર સભ્યોની કામગીરીમાંથી અળગાં થયેલાં સસેક્સ દંપતી - મેગન મર્કલ અને પ્રિન્સ હેરીના અમેરિકાના સૌથી પ્રખ્યાત સેલેબ્રિટી ઈન્ટરવ્યૂઅર ઓપ્રાહ વિન્ફ્રે સાથે સનસનાટીપૂર્ણ મુલાકાતે જાણે રોયલ ફેમિલી માટે ધરતીકંપ સર્જી દીધો છે. આ ઈન્ટરવ્યૂથી બ્રિટિશ શાહી પરિવારની પ્રતિષ્ઠાને ભારે ધક્કો પહોંચ્યો છે.
દંપતીએ બ્રિટિશ રોયલ ફેમિલીની લોખંડી પરદામાં રહેતી વાતો જાહેર કરવા સાથે ‘મેગ્ઝિટ’ સ્ટોરીનો પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. મેગને આંખમાં આંસુ સાથે શાહી જીવનના ભારે તણાવના પગલે પ્રથમ સગર્ભાવસ્થા દરમિયાન પોતાને જીવનનો અંત લાવવા સહિત આત્મઘાતી વિચારો આવતાં હતાં અને તેના માનસિક આરોગ્યની જાળવણીમાં મદદ કરવાની વિનંતી પર કોઈ ધ્યાન અપાયું ન હોવાનું પણ જણાવ્યું હતું. આત્મઘાતી વિચારોના પગલે મેગને હેરીને કહ્યું હતું કે પોતે જ્યાં સુધી યુકેમાં છે ત્યાં સુધી જીવવા જ માગતી ન હતી.
‘રાજપરિવાર રંગભેદી છે’
બ્રિટિશ રાજપરિવાર રંગભેદી હોવાનો જોરદાર આક્ષેપ લગાવતાં મેગને કહ્યું હતું કે પરિવારના એક સભ્યે તેમના પુત્ર આર્ચીની ત્વચાના સંભવિત ઘેરા રંગ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. આર્ચી મિશ્ર જાતિનો હોવાના કારણે જ શાહી પરિવાર દ્વારા આર્ચીને પ્રિન્સનું ટાઈટલ ન અપાયું હોવાનો પણ ઘટસ્ફોટ કર્યો હતો.
હેરી સાથે લગ્ન પહેલા તેણે ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલટનને રોવડાવી હોવાના અહેવાલોને ખોટા ગણાવી મેગને કહ્યું હતું કે હકીકત ઉલટી છે અને કેટે જ તેને રોવડાવી હતી અને પાછળથી આ બાબતે તેણે માફી પણ માગી હતી.
ક્વીનને જાણ ન કર્યાની વાત ખોટીઃ હેરી
ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રિન્સ હેરીએ તેઓ યુકે છોડી રહ્યાં હોવાની જાહેરાત સાથે ક્વીનને અંધારામાં રાખ્યા હોવાનો ઈનકાર કર્યો છે. તેણે પિતા પ્રિન્સ ચાર્લ્સ અને મોટાભાઈ પ્રિન્સ વિલિયમ સાથે અલગ માર્ગે ફંટાયેલા સંબંધોની પણ વાત કરી હતી. પિતાએ પૂરતો સપોર્ટ ન આપ્યો અને તેના ફોનનો ઉત્તર પણ વાળતા ન હતા તેમજ માતા પ્રિન્સેસ ડાયેનાના કરુણ મોતના પગલે ઈતિહાસ દોહરાઈ શકે તેવો ભય હોવાનું પણ હેરીએ સ્પષ્ટ કર્યું હતું.
આનંદની પળોમાં હેરી અને મેગને તેમનાં બીજાં સંતાનનું ઉનાળામાં આગમન થશે અને તે બાળકી-ગર્લ હોવાનું પણ ઈન્ટરવ્યૂ નિહાળી રહેલાં લાખો દર્શકો સમક્ષ જાહેર કર્યું હતું. તેમણે વિન્ડસર કેસલમાં ભવ્ય શાહી લગ્નના ત્રણ દિવસ અગાઉ જ ખાનગીમાં લગ્ન કરી લીધાં હોવાનું પણ જાહેર કર્યું હતું.
મેગને ક્વીન સાથે પ્રથમ મુલાકાત બાબતે જણાવ્યું હતું કે શરૂઆતમાં શાહી પરિવારની દરેક વ્યક્તિએ તેને સારી રીતે આવકારી હતી પરંતુ, પાછળથી તેને ‘ચૂપ’ કરી દેવાઈ હતી, તેને લન્ચ માટે બહાર જવા પર પ્રતિબંધ લગાવાયો હતો તેવા વાતાવરણમાં ભારે ગૂંગળામણ સાથે તે બંધનમાં ફસાઈ ગઈ હોવાનું પણ લાગ્યું હતું.
વિગતો ચિંતાજનક, નિરાકરણ લવાશેઃ ક્વીનની ખાતરી
 પ્રિન્સ હેરી અને મેગન દ્વારા ફેંકાયેલા ‘રંગભેદ’ના બોમ્બથી શાહી પરિવારમાં ધરતીકંપ સર્જાયો હતો અને આક્ષેપનો ઉત્તર આપવા બકિંગહામ પેલેસ પર ચોમેરથી દબાણ વધ્યું હતું. આ પછી ક્વીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે સસેક્સ દંપતીએ આટલા વર્ષોમાં ઘણું સહન કર્યું હોવાનું તેમજ પરિવારને તેનાથી દુઃખ થયાનું સ્વીકાર્યું છે. નામદાર મહારાણીના ટુંકા નિવેદનમાં સ્પષ્ટ કરાયું છે કે આર્ચી વિશે રંગભેદી ટિપ્પણી સહિતની જે વિગતો અપાઇ છે તે ચિંતાજનક છે. કેટલીક યાદો ધૂંધળી હોઇ શકે, પરંતુ મુદ્દાઓ–ેગંભીરતાથી લેવા અને પરિવારમાં ખાનગી રાહે તેનું નિરાકરણ લાવવાની ખાતરી પણ ઉચ્ચારી હતી.
અગાઉ એવા અહેવાલ હતા કે ક્વીને પેલેસના સત્તાવાર નિવેદન પર સહી કરવા ઈનકાર કર્યો છે. ટાઈમ્સના અહેવાલ મુજબ ક્વીન રોયલ ફેમિલીને કટોકટીમાં લાવી દેનારા ઈન્ટરવ્યૂ મુદ્દે નિવેદન આપવામાં વધુ સમય ઈચ્છતા હતા. ક્વીને તેમના પૌત્ર અને તેની પત્નીનો આ ઈન્ટરવ્યૂ જોયો નહિ હોવાનું કહેવાય છે પરંતુ, તેમના સહાયકોએ શાહી પરિવારની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડી શકે તેવા દાવાઓ કે આક્ષેપો વિશે ક્વીનને ચોક્કસ માહિતગાર કર્યા હશે. પ્રિન્સ અને મેગનના વિસ્ફોટક ઈન્ટરવ્યૂ પછી ‘ધ ફર્મ’માં કટોકટીનો સામનો કરવા વાતચીતોનો દોર શરૂ થઈ ગયો છે.
યુકે પૂર્વગ્રહમુક્ત, પણ...
મેગન મર્કલ મિશ્ર જાતિની છે એટલે કે તેના શરીરમાં શ્વેત (પિતા થોમસ મર્કલ) અને અશ્વેત (માતા ડોરીઆ રેગલેન્ડ)નું લોહી વહે છે. આથી, પ્રથમ સગર્ભાવસ્થા સમયે સંતાનના શરીરની ત્વચાનો રંગ કેવો ઘેરો હશે તેવો પ્રશ્ન શાહી પરિવારના એક સભ્ય દ્વારા પ્રિન્સ હેરીને કરાયો હતો. હેરી અને મેગને આ સભ્યની ઓળખ જાહેર કરી નથી. જોકે, આવી ટીપ્પણી કરનારા દાદી ક્વીન કે દાદા ડ્યૂક ઓફ એડિનબરા ન હોવાની સ્પષ્ટતા તો કરાઈ જ છે. હેરીએ જણાવ્યું હતું કે દંપતીએ બ્રિટન છોડ્યું તેની પાછળના કારણોમાં ‘રંગભેદ’ પણ એક હતું. તેણે કહ્યું હતું કે યુકે પૂર્વગ્રહોથી મુક્ત છે પરંતુ, યુકે પ્રેસ અને ખાસ કરીને ટેબ્લોઈડ્ઝ પૂર્વગ્રહયુક્ત છે.
વિવાદમાં ઘસડાવા બોરિસનો ઈનકાર
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આ વિવાદમાં ઘસડાવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. ડાઉનિંગ સ્ટ્રીટ પ્રેસ કોન્ફરન્સમાં પેલેસે આક્ષેપોની તપાસ કરવી જોઈએ કે કેમ તેવો પ્રશ્ન પૂછાયો ત્યારે જ્હોન્સને જણાવ્યું હતું કે, ‘હું સૌથી સારી બાબત એ જણાવી શકું કે હું ક્વીન પ્રત્યે અને આપણા દેશ અને સમગ્ર કોમનવેલ્થમાં એકતા રાખવાની તેમની વિશિષ્ટ ભૂમિકા પ્રત્યે આદર અને સન્માન ધરાવું છું. રોયલ ફેમિલીની અન્ય બાબતો વિશે મારે કહેવાનું કે શાહી પરિવારની બાબતો સંદર્ભે કોઈ ટીપ્પણી નહિ કરવાની મારી પ્રથામાંથી હું આજે પણ ચલિત થવા માગતો નથી.’ જોકે, કન્ઝર્વેટિવ લોર્ડ અને મિનિસ્ટર ઝાક ગોલ્ડસ્મિથે ટ્વીટમાં દાવો કર્યો હતો કે હેરી તેના પરિવારને ખુલ્લો પાડી રહ્યો છે અને મેગન જે ઈચ્છે છે તે મેગન મેળવીને જ રહે છે.

ચિલ્ડ્રન્સ મિનિસ્ટર વિકી ફોર્ડે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘આપણા સમાજમાં રંગભેદને કોઈ સ્થાન નથી.’ લેબરનેતા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે મેગન દ્વારા ઉઠાવાયેલા રેસ અને મેન્ટલ હેલ્થના મુદ્દા ‘રોયલ પરિવાર કરતાં પણ મોટા’ છે અને તેને કોરાણે મૂકાવા ન જોઈએ.

પ્રમુખ બાઈડેને મેગનની હિંમતને બિરદાવી

આ ઈન્ટરવ્યૂ મુદ્દે પ્રમુખ જો બાઈડેનના રિએક્શન માટે પૂછાતા વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ કહ્યું હતું કે મેગને માનસિક આરોગ્ય વિશે સંઘર્ષ બાબતે બોલવા નિર્ણય લીધો તેમાં ભારે હિંમત જોઈએ અને પ્રેસિડેન્ટ પણ તેમાં માને છે. જોકે, સાકીએ આ બંને ખાનગી નાગરિકો છે જેઓ પોતાની સ્ટોરી અને પોતાના સંઘર્ષો વિશે જણાવી રહ્યા છે તેમ કહેવા સાથે આ મુદ્દે વધુ પ્રતિક્રિયા આપવાનો ઈનકાર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter