લંડનઃ સ્કોટલેન્ડના ભૂતપૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જિઓનના પૂર્વ પતિએ હાઈકોર્ટમાં સ્કોટિશ નેશનલ પાર્ટી (એસએનપી)માંથી 4,00,000 પાઉન્ડની ઉચાપત કરવાનો ગુનો સ્વીકારી લીધો છે. પીટર મુરેલ જ્યારે પક્ષના ચીફ એક્ઝિક્યુટિવ હતા ત્યારે તેમણે આ ભંડોળનો ઉપયોગ વૈભવી જીવન જીવવા માટે કર્યો હતો.
પીટર મુરેલે એડિનબરો હાઈકોર્ટમાં ગુનાની કબૂલાત કર્યા બાદ તેમને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમણે સ્વીકાર્યું હતું કે આ નાણાંનો ઉપયોગ એક વૈભવી મોટરહોમ, બે મોંઘી કાર અને અન્ય લક્ઝરી ચીજવસ્તુઓ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.
એસએનપીના વર્તમાન નેતા જોન સ્વિનીએ જણાવ્યું હતું કે, એસએનપી માંથી ઉચાપત કરીને પીટર મુરેલે સમગ્ર સ્કોટલેન્ડના હજારો લોકોની આશાઓ, સપનાઓ અને આકાંક્ષાઓની ચોરી કરી છે. આ એવા લોકો હતા જેમણે વધુ સારા દેશની આશામાં વર્ષો સુધી પોતાની મહેનતના નાણાં પક્ષને આપ્યા હતા. હું આ ઘટનાથી સ્તબ્ધ બની ગયો છું.
સ્કોટિશ સ્વતંત્રતા અભિયાન માટે એકત્રિત કરાયેલા 600,000 પાઉન્ડથી વધુના ભંડોળના દુરુપયોગ અંગે પોલીસ સ્કોટલેન્ડની તપાસને કારણે પક્ષ અને નિકોલાની છબીને ભારે નુકસાન પહોંચ્યું છે. સ્ટર્જિઓને લગભગ એક દાયકા સુધી સ્કોટિશ રાજકારણમાં દબદબો રાખ્યો હતો અને પક્ષને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યો હતો. સ્ટર્જિઓને જણાવ્યું હતું કે તેમને મુરેલ દ્વારા પક્ષના ભંડોળની ઉચાપત અંગે કોઈ જાણકારી કે શંકા નહોતી. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં પીટર મુરેલને આગામી 23 જૂનના રોજ સજા સંભળાવવામાં આવશે.


