નિજ્જર હત્યાકાંડઃ બ્રિટને પણ કેનેડાના સૂરમાં સૂર પૂરાવ્યો

ભારત કેનેડા દ્વારા ચાલી રહેલી તપાસમાં સહકાર આપેઃ બ્રિટન

Tuesday 22nd October 2024 09:13 EDT
 
 

લંડનઃ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના મામલામાં કાગારોળ મચાવી રહેલા કેનેડા સાથે હવે યુકે પણ જોડાયો છે. બ્રિટિશ સરકારે કેનેડા અને ભારત વચ્ચે વધી રહેલા રાજદ્વારી તણાવ પર ચિંતા વ્યક્ત કરતાં ભારતને નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની કથિત સંજોવણી અંગે કેનેડા દ્વારા ચાલી રહેલી તપાસમાં સહકાર આપવા અપીલ કરી છે. બ્રિટિશ સરકારે જણાવ્યું હતું કે, અમને કેનેડાની જ્યુડિશિયલ સિસ્ટમમાં સંપુર્ણ વિશ્વાસ છે. કેનેડાની કાયદાકીય પ્રક્રિયામાં ભારતનો સહકાર સાચી દિશામાંનું પગલું બની રહેશે. કેનેડામાં ચાલી રહેલી સ્વતંત્ર તપાસમાં આવેલા ગંભીર વળાંકોના સંદર્ભમાં અમે કેનેડિયન સત્તાવાળાઓના સંપર્કમાં છીએ.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાના નાગરિકોને લક્ષ્યાંક બનાવવા માટે ભારત તેના રાજદ્વારીઓ અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમનો ઉપયોગ કરતો હોવાનો આરોપ મૂક્યો હતો. ટ્રુડોએ આ મામલમાં બ્રિટિશ વડાપ્રધાન કેર સ્ટાર્મર સાથે વાત કર્યા બાદ બ્રિટનની ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસના પ્રવક્તા દ્વારા ઉપરોક્ત નિવેદન જારી કરાયું હતું.

ભારત સરકારે ટ્રુડો દ્વારા મૂકાયેલા આરોપોને નકારી કાઢતાં આરોપ મૂક્યો હતો કે ટ્રુડો તેમના રાજકીય લાભ માટે ભારતીય રાજદ્વારીઓ પર વાહિયાત આરોપો મૂકી રહ્યાં છે. તેઓ કેનેડામાં રહેતા શીખ સમુદાયમાંના અલગતાવાદી તત્વોને છાવરી રહ્યાં છે. ટ્રુડોની કેબિનેટમાં એવા પણ સભ્યો છે જેઓ ભારત વિરુદ્ધ કટ્ટરવાદી અને અલગતાવાદી વિચારધારા તત્વો સાથે સંકળાયેલાં છે.

ભારતે કેનેડાના આરોપને ગંભીરતાથી લેવા જોઇએઃ અમેરિકા

બ્રિટનના સૂરમાં અમેરિકાએ પણ સૂર પૂરાવ્યો હતો. ભારતને કેનેડા દ્વારા ચાલી રહેલી તપાસમાં સહકારની અપીલ કરતાં અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યૂ મિલરે જણાવ્યું હતું કે, કેનેડા દ્વારા મૂકાયેલા આરોપ અત્યંત ગંભીર છે અને તેની યોગ્ય તપાસ થવી જોઇએ. અમે ઇચ્છીએ છીએ કે ભારત કેનેડાના આરોપને ગંભીરતાથી લે અને તપાસમાં સહકાર આપે. દુર્ભાગ્યે ભારત સરકાર તપાસમાં સહકાર આપી રહી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter