નિઝામ ફંડ કેસમાં ભારતનો પાકિસ્તાન સામે વિજયઃ ૭૨ વર્ષ પછી £૩૫ મિલિયન મળ્યા

કાનૂની ખર્ચની ૬૫ ટકા રકમ ૨.૮ મિલિયન પાઉન્ડ (આશરે ૨૬ કરોડ રુપિયા) પણ પાકિસ્તાન દ્વારા ચુકવી દેવાઈ:ઓક્ટોબર ૨૦૧૯માં ૩૫ મિલિયન પાઉન્ડની રકમ બાબતે આઠમા નિઝામના વંશજોની તરફેણમાં ચુકાદો

Wednesday 19th February 2020 04:10 EST
 
 

લંડનઃ હૈદરાબાદના પૂર્વ શાસક સાતમા નિઝામ મીર ઉસ્માન અલી ખાનના ખજાના સાથે સંકળાયેલા ફંડ કેસમાં ૭૨ વર્ષ પછી આખરે પાકિસ્તાન સામે ભારતનો વિજય થયો છે. ભારત સરકાર અને નિઝામના વંશજો -મુકરર્મ જાહ અને મુફ્ફખમ જાહે સંયુક્તપણે આ કેસ લડ્યો હતો. બ્રિટનની રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (પૂર્વ નેશનલ વેસ્ટમિન્સ્ટર બેન્ક) દ્વારા ભારતીય હાઈ કમિશનરને આશરે ૩૫ મિલિયન પાઉન્ડ (આશરે ૩૨૪ કરોડ રુપિયા)ની આ રકમ સોંપવામાં આવી છે. આ સાથે કેસ લડવાના કાનૂની ખર્ચની ૬૫ ટકા રકમ ૨.૮ મિલિયન પાઉન્ડ (આશરે ૨૬ કરોડ રુપિયા) પણ પાકિસ્તાન દ્વારા ચુકવી દેવાઈ છે.

લાંબા કાનૂની સંઘર્ષ પછી જસ્ટિસ માર્કસ સ્મિથે ઓક્ટોબર ૨૦૧૯માં બેન્કમાં રહેલી ૩૫ મિલિયન પાઉન્ડની રકમ બાબતે આઠમા નિઝામના વંશજોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. મૂળ આ રકમ ૧૦,૦૭,૪૯૦ પાઉન્ડ અને ૯ શિલિંગ પાઉન્ડ હતી, જે હૈદરાબાદ રાજ્યના શાસક નિઝામના નાણાપ્રધાન મોઈન નવાઝ જંગે પાકિસ્તાનના હાઈ કમિશનર ઈબ્રાહીમ રહીમતુલ્લાહના એકાઉન્ટમાં જમા કરાવી હતી. ભારતીય લશ્કર સામે નિઝામની સેનાએ પરાજય સ્વીકાર્યો તેના આગલા જ દિવસે લંડનની નેટવેસ્ટ બેન્કમાં ૨૦ સપ્ટેમ્બર ૧૯૪૮થી મૂકાયેલી રકમ વધીને આશરે ૩૫ મિલિયન પાઉન્ડ થઈ હતી. ભારતે ૧૯૫૪માં આ રકમ મેળવવા લંડનની કોર્ટમાં દાવો માંડ્યો હતો. પોતાની જાણ વિના રકમ ટ્રા્ન્સફર કરાઈ હોવાના દાવા સાથે નિઝામે પણ રકમ પરત માગી હતી પરંતુ, બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડ્સે બેન્ક વિરુદ્ધ કેસ અટકાવી દીધો હતો. બેન્કે ભારત, નિઝામ અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી ન થાય ત્યાં સુધી આ રકમ જાળવી રાખવા નિર્ણય લીધો હતો.

પાકિસ્તાને છ દાયકા પછી ૨૦૧૩માં આ રકમ પર દાવો કરતા કાનૂની જંગ છેડાયો હતો. તેણે દલીલ કરી હતી કે નિઝામે હૈદરાબાદનું રક્ષણ કરવા શસ્ત્રો ખરીદવા માટે આ રકમ મોકલી હતી. નિઝામે ૧૯૬૫માં ભારતને સુપરત કરી હોવાનું જણાવી ભારતે તેના પર દાવો કર્યો હતો, જેમાં નિઝામના વંશજોએ સાથ આપ્યો હતો. પ્રિન્સ મુકરર્મ જાહ હાલ તુર્કીના ઈસ્તંબુલમાં અને તેમના નાના ભાઈ મુફ્ફખમ જાહ લંડનમાં રહે છે.

આ સાથે આ રકમ મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતને ૩૨૫ કરોડ રુપિયા તો મળ્યા જ છે. આ ઉપરાંત, કેસના કાનૂની ખર્ચની ૬૫ ટકા રકમ એટલે કે ૨.૮ મિલિયન પાઉન્ડ (૨૬ કરોડ રુપિયા) પણ પાકિસ્તાને ભારતને ચૂકવવા પડ્યા છે. ભારતે ચૂકવેલી બાકીની ૩૫ ટકા રકમ પરત મેળવવા માટે પણ વાટાઘાટો ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter