નિતિશા કૌલને ભારતમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય સાર્વભૌમઃ ભારત

કૌલને જારી કરાયેલ ઓસીઆઇ કાર્ડ રદ કરવા વિશ્વ હિન્દુ પરિષદની માગ

Tuesday 05th March 2024 11:26 EST
 
 

લંડનઃ યુકે સ્થિત ભારતીય મૂળના પ્રોફેસર નિતાશા કૌલને બેંગાલુરૂ એરપોર્ટ પર ભારતમાં પ્રવેશ નહીં આપવાના વિવાદમાં જવાબ આપતાં ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, નિતિશા કૌલને એરપોર્ટ પરથી જ યુકે પરત રવાના કરવાનો નિર્ણય સાર્વભૌમ નિર્ણય હતો.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નિતિશા કૌલને શા માટે ભારતમાં પ્રવેશ ન અપાયો તેનું વર્ણન કરતાં જણાવ્યું હતું કે આ અમારો સાર્વભૌમ નિર્ણય છે. કયા વિદેશી નાગરિકને ભારતમાં પ્રવેશ આપવો કે નહીં તે નક્કી કરવાનો અમારો અધિકાર છે.

ગયા સપ્તાહમાં નિતિશા કૌલે આરોપ મૂક્યો હતો કે મને ભારતના એરપોર્ટ પર પહોંચ્યા પછી પ્રવેશ આપવાનો ઇનકાર કરી દેવાયો હતો. મને કર્ણાટકની સરકાર દ્વારા એક સેમિનાર માટે આમંત્રણ અપાયું હતું પરંતુ દિલ્હીથી આવેલા આદેશના પગલે મને ભારતમાં પ્રવેશ અપાયો નહોતો.

બીજીતરફ ભાજપના નેતાઓએ નિતાશા કૌલને આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર અને ભારત વિરોધી પ્રોપેગેન્ડા ચલાવનાર ગણાવ્યા હતા. કર્ણાટકના વિશ્વ હિન્દુ પરિષદના નેતા ગિરિશ ભારદ્વાજે કૌલને કર્ણાટક સરકાર દ્વારા અપાયેલા આમંત્રણ પર સવાલ ઉઠાવતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી નિતિશા કૌલને જારી કરાયેલ ઓસીઆઇ કાર્ડ રદ કરી દેવાની માગ કરી છે. ભારદ્વાજે આરોપ મૂક્યો હતો કે નિતિશા કૌલ બદઇરાદાભર્યા એજન્ડા સાથે અવારનવાર ભારતની મુલાકાત લે છે. તેઓ ભારતના હિતોની વિરુદ્ધ છે. સરકારે નિતિશા કૌલને કોઇપણ ઇવેન્ટમાં આમંત્રણ નહીં આપવા તમામ રાજ્ય સરકારોને આદેશ આપવો જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter