લંડનઃ બ્રિટનમાં નાઇફ ક્રાઇમ અટકાવવાના પ્રયાસરૂપે લદાયેલો નિન્જા સ્વોર્ડ પ્રતિબંધ અમલમાં આવી ગયો છે. અત્યાર સુધીમાં સરકાર સમક્ષ 1000 જેટલાં શસ્ત્ર જમા કરાવવામાં આવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક દાયકામાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં નાઇફ ક્રાઇમમાં 87 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં 54,587 નાઇફ ક્રાઇમ નોંધાયા હતા.
29 જુલાઇ 2024માં સાઉથપોર્ટ હત્યાકાંડ બાદ સરકારે ઝોમ્બી સ્ટાઇલ ચાકુ, મેચેટ્, અને નિન્જા સ્વોર્ડ પર પ્રતિબંધ લાદી દીધો હતો. તે ઉપરાંત તેનું વેચામ કરતી સોશિયલ મીડિયા કંપનીઓને પણ ભારે દંડ ફટકારવાની ચેતવણી આપી હતી.
જુલાઇ 2025માં સરકારે યુવાઓને તેમની પાસે આ પ્રકારના કોઇ શસ્ત્રો હોય તો તેમને એમનેસ્ટી બિન્સ અથવા મોબાઇલ વાનમાં જમા કરાવવા આદેશ આપ્યો હતો. સરકાર પાસે અત્યાર સુધીમાં 1000 કરતાં વધુ શસ્ત્ર જમા થયાં છે. લંડનમાં યોજાનારા નોટિંગહિલ કાર્નિવલ ખાતે પણ આ પ્રકારની મોબાઇલ વાન તહેનાત કરાશે.