લંડનઃ ઈંગ્લેન્ડમાં કોવિડ-૧૯ નિયંત્રણો હટાવાયા છે ત્યારે યુકેમાં વર્કર્સની ભારે અછત જોવા મળી છે. ફળ ઉત્પાદકો, લોરી ઓપરેટર્સ તેમજ હોટેલ્સ સહિતના ક્ષેત્રોમાં સ્ટાફની ભરતી કરવી અઘરી બની છે. નોકરીઓ સંબંધિત વેબસાઈટ્સ Adzuna અને Indeedના આંકડા મુજબ વેરહાઉસિંગ અને ટ્રાન્સપોર્ટ, કેર, હોસ્પિટાલિટી, મેન્યુફેક્ચરિંગ અને ફૂડ બનાવટો અને સર્વિસ સેક્ટર્સના એમ્પ્લોયર્સને કર્મચારી મેળવવામાં ભારે મુશ્કેલી નડી રહી છે.
રોડ હોલેજ એસોસિયેશનના જણાવ્યા અનુસાર બ્રેક્ઝિટ અને કોવિડના કારણે સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ડ્રાઈવર્સની અછત વર્તાઈ રહી છે. મધ્યમ કદના બિઝનેસની સેવાની ભારે માગ છે પરંતું, મોટા ડિસ્ટ્રિબ્યુશન કેન્દ્રોમાંથી અતિ ઠંડા સહિત તમામ પ્રકારના માલસામાનની સ્થાનિક કક્ષાએ ડિલિવરી કરવાનું લગભગ અશક્ય બની ગયું હોવાનું કહેવાય છે. લોરીઝ છે પરંતુ, ડ્રાઈવર્સ નથી. નવા કસ્ટમ અને ટ્રાવેલના નિયમોનો અવરોધ નડી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે ડ્રાઈવર્સના કામના કલાકો વધારી આપવાની દરખાસ્તો કરી છે પરંતુ, તેઓ આમ પણ વધુ સમય કામ કરે છે તેથી આનાથી સમસ્યાનો ઉકેલ નહિ આવે તેમ બિઝનેસીસનું કહેવું છે.
બીજી તરફ, ફળો ચૂંટવાની સીઝન ચાલી રહી છે ત્યારે કૃષિક્ષેત્રને પણ વર્કર્સની સમસ્યા સતાવી રહી છે. મોટા ભાગના ફળ ચૂંટનારા વર્કર્સ સ્લોવેકિયા અને બલ્ગેરિયામાંથી આવે છે. આ વર્કર્સ હવે પોતાના દેશમાં જ કાયમી નોકરી મળી રહે તેના પ્રયાસોમાં રહે છે. મહામારીના લીધે ફ્લાઈટ્સ અને કોવિડ ટેસ્ટના ખર્ચની સમસ્યા પણ નડતરરુપ છે. આ ઉપરાંત, વર્કર્સના યુકેમાં સેટલમેન્ટ દરજ્જાની અરજીઓની પ્રોસેસિંગ પ્રક્રિયાનો પણ ભારે બેકલોગ છે. બ્રેક્ઝિટ પછી ઉનાળાના મહિનાઓમાં બ્રિટન આવતા ફ્રૂટપીકર્સની સંખ્યા ઘટી છે. સોફ્ટ ફ્રૂટ ઈન્ડસ્ટ્રીને દર ઉનાળામાં ઓછામાં ઓછાં ૭૦,૦૦૦ સીઝનલ વર્કર્સની જરુર રહે છે પરંતુ, આ ઉનાળામાં ૫,૦૦૦ વર્કરની ઘટ પડી છે.
લોકડાઉન નિયંત્રણોના કારણે બિઝનેસ પ્રવાસ અને પર્યટન બંધ જ થઈ જવાથી હોસ્પિટાલિટી સેક્ટરને ભારે નુકસાન ગયું છે. ૧૯ જુલાઈથી બિઝનેસીસ પાછા ચાલવા લાગશે પણ કસ્ટમર્સની સરખામણીએ સ્ટાફની સંખ્યા ઘણી ઓછી છે. કિચન શેફ્સ અને સ્ટાફ, હાઉસકીપર્સ, બાર સ્ટાફ અને રિસેપ્શનિસ્ટ્સ તેમજ અન્ય કર્મચારીઓ મળવાનું મુશ્કેલ બની રહ્યું છે.
ઘણો સ્ટાફ ફર્લો પર ઉતારી દેવાયા પછી સંખ્યાબંધ લોકો નિશ્ચિત સમયની નોકરીઓમાં લાગી ગયા છે. લંડનમાં સ્ટાફર્ડ હોટેલ અને નોર્મા રેસ્ટોરાં તેમજ લેન્કેશાયરમાં નોર્થકોટ હોટેલ ચલાવતા ધ સ્ટાફર્ડ કલેક્શન પાસે હાલ ૨૦૦ કર્મચારી છે અને હજુ ૫૦ની જરુર છે. સામાન્ય સંજોગોમાં તેમની પાસે ૫૦૦નો સ્ટાફ રહેતો હતો પરંતુ, મહામારીમાં બિઝનેસ ઠપ થયો હતો.