લંડનઃ જો નવા નિયમો લાવવામાં આવે તો ડ્રાઈવરોએ ફરીથી 65 વર્ષની ઉંમરે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવી પડી શકે છે. સંસદની વેબસાઈટ પરની અરજીમાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધ ડ્રાઈવરોએ પૂરવાર કરવું જોઈએ કે તેઓ હજુ પણ સુરક્ષિત રીતે વાહન ચલાવી શકે છે. પિટિશન શરૂ કરનાર વ્યક્તિએ કહ્યું: "હું ઇચ્છું છું કે સરકાર 65 વર્ષની ઉંમરે ડ્રાઇવરોને તેમનું ડ્રાઇવિંગ લાયસન્સ માન્ય રાખવા માગે તો તેઓ ફરીથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપે. હું ઘણી મુસાફરી કરું છું, અને ઘણી વખત વૃદ્ધ ડ્રાઇવરોને જોઉં છું કે જેમણે ડ્રાઇવિંગ ન કરવું જોઇએ. કેટલાંક ટર્ન સિગ્નલનો દુરુપયોગ કરતાં હોય છે તો કેટલાંકને દ્રષ્ટિની સમસ્યા હોય તેમ લાગે છે. તેઓએ એમ પણ કહ્યું કે વધતી ઉંમર સાથે પ્રતિક્રિયાઓ વધુ ખરાબ થાય છે. જો પિટિશનને 10,000 સહીઓ મળે તો સરકાર જવાબ આપશે.
પરંતુ વાસ્તવમાં, તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ ફરીથી આપવાની જરૂર નથી. જ્યારે તમે લગભગ 70 વર્ષના હો, ત્યારે તમારે DVLA ને જણાવવું જરૂરી છે કે તમે હજુ પણ ડ્રાઇવ કરવા માંગો છો. ડ્રાઇવિંગ બંધ કરવા માટે કોઈ નિર્ધારિત વય નથી.

