નિરવ કેસમાં જસ્ટિસ કાટ્જુની જુબાની ‘પર્સનલ એજન્ડા’: જજ ગૂઝી

Wednesday 03rd March 2021 03:38 EST
 
 

લંડનઃ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગૂઝીએ નિરવ મોદીનું ભારતને પ્રત્યર્પણ કરવાના ચુકાદામાં ભારતમાં નાણાકીય કટોકટી તરફથી લોકોનું ધ્યાન ખસેડવા નિરવ મોદીને બલિનો બકરો બનાવાયો હોવાની સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ માર્કન્ડેય કાટ્જુની જુબાનીને અવિશ્વસનીય અને ખુલ્લા ટીકાકારના ‘પર્સનલ એજન્ડા’ તરીકે ગણાવીને ફગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે પૂર્વ જસ્ટિસ માર્કન્ડેય કાટ્જુએ ગયા વર્ષે નિરવ મોદીને બચાવનારા એક્સપર્ટ તરીકે વેસ્ટમિન્સ્ટર કોર્ટ સમક્ષ વર્ચ્યુઅલી હાજરી આપી હતી. જજ સામ ગૂઝીએ ચુકાદામાં જણાવ્યું હતું કે,‘હું જસ્ટિસ કાટ્જુના મંતવ્યને ઓછું મહત્ત્વ આપું છું. ૨૦૧૧માં નિવૃત્તિ સુધી ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટિસપદે રહ્યા હોવા છતાં, મારા મૂલ્યાંકનમાં તેમની જુબાની હેતુલક્ષી અને વિશ્વસનીય જણાઈ નથી. કોર્ટ સમક્ષ તેમની જુબાનીમાં પૂર્વ સીનીયર સાથી જજીસ પ્રત્યે નારાજગીના અંશો હતા. તેમાં પર્સનલ એજન્ડા સાથેના આખાબોલા ટીકાકારની લાક્ષણિકતા જણાતી હતી.’

જજ ગૂઝીએ ઉમેર્યું હતું કે કોર્ટમાં જુબાની જુબાની આપવાના એક દિવસ અગાઉ મીડિયા સાથે સંપર્કની કાટ્જુની વર્તણૂક અને જુબાની કાયદાના શાસનના રક્ષણ માટે આટલા ઊંચા આસને નિયુક્ત અને ભારતીય ન્યાયતંત્રમાં સેવા આપનારી વ્યક્તિ માટે અનુચિત જણાઈ હતી.

જસ્ટિસ કાટ્જુએ જુબાનીમાં જણાવ્યું હતું કે ભારત સખત આર્થિક પડતીમાં છે અને શાસક ભારતીય જનતા પાર્ટી સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરે છે પરંતુ, કેવી રીતે આમ કરવું તેની જાણ ન હોવાથી તેઓ બલિના બકરા શોધે છે અને નિરવ મોદી ભારતમાં આર્થિક કટોકટી લાવનારો બલિનો બકરો છે. તેમમે એમ પણ કહ્યું હતું કે બારતીય સુપ્રીમ કોર્ટ ભારત સરકારની આજ્ઞાકારી બની ગઈ છે.

તેમની આ રજૂઆત ફગાવતા જજ સામ ગૂઝીએ ચુકાદામાં જણાવ્યું હતું કે,‘ભારતમાં કોઈ પણ ટ્રાયલ પ્રોસેસના વાજબીપણા વિશે ટીપ્પણીઓ કરવા છતાં, તેમણે ઘણી વખત ઉલટતપાસમાં સ્વીકાર્યું હતું કે તેમણે પુરાવાઓની વિચારણા કરી નથી અને તેમના રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે તેમણે ભારત સરકારની સંપૂર્ણ વિનંતીઓનો કદી વિચાર કર્યો નથી. તેમણે ભારતમાં (પૂર્વ ચીફ જસ્ટિસીસ સહિત) ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને સુપ્રીમ કોર્ટે કારોબારી સમક્ષ શરણાગતિ સ્વીકારી હોવા અંગે સ્પષ્ટ નિવેદનો કર્યા છે. તેમણે પૂર્વ ચીફ જસ્ટિસે નિવૃત્તિ પછી રાજ્યસભામાં નિયુક્તિના બદલામાં સુપ્રીમ કોર્ટમાં કેસનો ચુકાદો આપ્યો હોવાની ટીકા કરવા છતાં, જસ્ટિસ કાટ્જુએ ખુદ તેમની નિવૃત્તિ પછી ભારત સરકાર દ્વારા પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન તરીકે નિયુક્તિ સ્વીકારી હતી.’

 કોર્ટે એમ પણ ઉમેર્યું હતું કે,‘ મીડિયા દ્વારા ટ્રાયલ અને નિરવ મોદી કેસ પર તેની અસરના ભારે ટીકાકાર હોવાં છતાં, તેમણે (કાટ્જુએ) આ કાર્યવાહીમાં તેઓ જે જુબાની આપી રહ્યા હતા તે સંદર્ભે પત્રકારોને માહિતી આપવાનો આશ્ચર્યકારક નિર્ણય લીધો હતો. આમ કરીને તેમણે પોતાનું મીડિયા વાવાઝોડું સર્જ્યું અને ટ્રાયલમાં મીડિયાનો રસ વધારી દીધો હતો.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter