નિરવ મોદી અને વિજય માલ્યા ક્યારે ભારત આવશે તે સમય જ કહેશે

Wednesday 21st April 2021 07:11 EDT
 
 

લંડનઃ નિરવ મોદીના પ્રત્યર્પણ આદેશ પર હોમ સેક્રેટરીના હસ્તાક્ષર સાથે તેને ભારતમાં લાવવાનું સરળ બની જશે. આમ છતાં, નિરવ મોદી પ્રત્યર્પણ આદેશની મંજૂરીના ૧૪ દિવસમાં યુકેની હાઈ કોર્ટમાં તેને કાનૂની પડકાર આપવાનો વિકલ્પ ધરાવે છે. તેણે હોમ સેક્રેટરી અને ડિસ્ટ્રિક્ટ જજના આદેશ સામે હાઈ કોર્ટમાં અપીલ કરવાની પરવાનગી મેળવવી પડશે. જો મંજૂરી મળે અને હાઈ કોર્ટમાં તેની અરજી દાખલ કરવા દેવાય રખાય તો લંડન હાઈકોર્ટની એડમિનિસ્ટ્રેટિવ ડિવિઝન દ્વારા સુનાવણી કરાશે.

આ પ્રક્રિયા લિકર બેરન વિજય માલ્યાના કેસમાં બની રહ્યું છે તેમ મહિનાઓ અથવા વર્ષો લાંબી ચાલી શકે છે. વિજય માલ્યા સામે ફેબ્રુઆરી ૨૦૧૯માં પ્રત્યર્પણ આદેશ પર સહી થવા છતાં તેણે આદેશને કાનૂની પડકાર કર્યો હતો અને આજ દિન સુધી તેને ભારત લાવી શકાયો નથી. બેન્કો સાથે છેતરપિંડીનો અન્ય હાઈ પ્રોફાઈલ આરોપી લિકર બેરન વિજય માલ્યા અપીલો પર અપીલો કરીને બ્રિટન છોડી રહ્યો નથી તે રીતે નિરવ મોદીને પણ ભારત લાવવામાં મહિનાઓ લાગી શકે છે. નિરવ મોદીનું પ્રતિનિધિત્વ કરતા ઝૂલ્ફીકાર મેમણે જણાવ્યું હતું કે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટના આદેશને હાઈ કોર્ટમાં પડકારાશે. સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના તપાસકારોને વિશ્વાસ છે કે માલ્યાની માફક મોદીની અપીલને પણ હાઈ કોર્ટ ફગાવી દેશે.

ભારતીય બેન્કો પાસેથી લોન સ્વરુપે નાણા લઈ બ્રિટન નાસી આવનારા કૌભાંડી લિકર બેરન વિજ્ય માલ્યા પછી નિરવ મોદી બીજો હાઈ પ્રોફાઈલ અપરાધી છે. ટ્રાયલ કોર્ટે માલ્યાના પ્રત્યર્પણને મંજૂરી આપી હતી. તેના પ્રત્યર્પણ વિરુદ્ધની અપીલમાં એપ્રિલ ૨૦૨૦માં તેની હાર થઈ હતી તેમજ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની પરવાનગી પણ અપાઈ ન હતી. એમ પણ કહેવાય છે કે વિજય માલ્યાએ યુકેમાં રાજ્યાશ્રય-એસાઈલમ માટે અરજી કરી છે જેના પરિણામે, તેના પ્રત્યર્પણની પ્રક્રિયાનો અંત આવ્યો નથી. યુકે સરકારે જણાવ્યું છે કે ‘ગુપ્ત કાનૂની મુદ્દાઓ’ના કારણોસર તેનું પ્રત્યર્પણ અટવાયું છે. બ્રિટિશ સત્તાવાળા કેટલા સમયમાં નિર્ણય લેશે તે કહેવું મુશ્કેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter