લંડનઃ પંજાબ નેશનલ બેંકની સાથે બે અબજ ડોલર (રુપિયા ૧૧,૦૦૦ કરોડથી વધુ)ની છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં ભાગેડુ હીરા વેપારી નિરવ મોદીની વિરૂદ્ધ બ્રિટનમાં ચાલી રહેલા પ્રત્યાર્પણના કેસમાં ચુકાદો એક ડિસેમ્બર પછી આપવામાં આવશે. લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ૨૭ ઓગસ્ટ ગુરુવારે કરાયેલી સુનાવણી દરમિયાન ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગૂઝી આ કેસમાં સાતથી ૧૧ સપ્ટેમ્બર સુધી બીજા તબક્કાની સુનાવણી માટે સંમત થયા હતા.
સપ્ટેમ્બરમાં થનારી સુનાવણીમાં ૪૯ વર્ષીય નિરવ મોદીની વિરૂદ્ધ પ્રાથમિક કેસ દાખલ કરવા અંગેની દલીલો પૂર્ણ કરી લેવામાં આવશે અને આ દરમિયાન પ્રત્યર્પણની અપીલ અંગે પણ વિચાર કરવામાં આવશે. ભારતીય સત્તાવાળાઓએ પ્રત્યર્પણની અપીલ કરી છે અને આ વર્ષની શરૂઆતમાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે આ અપીલને પ્રમાણિત કરી હતી. આ કેસમાં પુરાવાઓ ગાયબ કરવા અને સાક્ષીઓને ધમકી આપવાનો પણ આરોપ છે.
કોર્ટે ત્રીજી નવેમ્બરે તેની સમક્ષ રજૂ કરાયેલા પૂરાવાઓને માન્યતાના મુદ્દે વધારાની સુનાવણી પણ નક્કી કરી છે. આ પછી, એક ડિસેમ્બરે બંને પક્ષો અંતિમ દલીલ કરશે. જેના કારણે આ કેસમાં અંતિમ નિર્ણય એક ડિસેમ્બર પછી જ આવવાની શક્યતા છે. ગુરુવારની સુનાવણી દરમિયાન નિરવ મોદીના વકીલોએ ભારતમાં તેમના એક સાક્ષી વિરૂદ્ધ રાજકીય પૂર્વગ્રહના આરોપો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મોદીના બેરિસ્ટર ક્લેર મોન્ટેગોમેરીએ જસ્ટિસ ગૂઝીને જણાવ્યું હતું કે મે મહિનામાં પ્રત્યર્પણ ટ્રાયલના પ્રથમ તબક્કામાં મુંબઈ અને અલ્લાહાબાદ હાઈ કોર્ટ્સના પૂર્વ ન્યાયમૂર્તિ અભય થિપ્સેએ ભારતીય કાયદામાં ‘ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ’ના ખયાલ વિશે સાક્ષીનું નિવેદન આપ્યા પછી તેમના પર ભારે ટીકાઓ થઈ છે અને તેમના પર રાજકીય પૂર્વગ્રહનો આક્ષેપ પણ લગાવાયો હતો. જસ્ટિસ થિપ્સેએ વીડિયોલિન્ક મારફત ભારત સરકારના કેસમાં કાયદાકીય ખામી વિશે નિષ્ણાત અભિપ્રાય આપ્યો હતો.