નિરવ મોદી કેસમાં મહત્ત્વની દલીલો અને તારણો

Wednesday 03rd March 2021 04:31 EST
 

લંડનઃ પંજાબ નેશનલ બેન્ક સાથે આશરે ૧૪,૦૦૦ કરોડ રુપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં ભાગેડુ બિઝનેસમેન નિરવ મોદીને પુરાવાઓના આધારે ભારતમાં પ્રત્યર્પણ કરવાનો ચુકાદો બ્રિટિશ કોર્ટે આપ્યો છે. આ કેસમાં કેટલીક મહત્ત્વની બાબતો આ મુજબની છે.

• જજ ગૂઝીએ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે,‘ નિરવ મોદી કાનૂની વ્યવસાયમાં હોવાનું હું માનતો નથી. કોઈ વાસ્તવિક લેણદેણ જોવા મળી નથી અને આ બેઈમાનીની પ્રક્રિયા હોવાનો મને વિશ્વાસ થયો છે. જે રીતે લેટર ઓફ અંડરટેકિંગ મેળવાયા તેનાથી અપણે તે નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ કે નિરવ મોદી અને અન્ય લોકો છેતરપિંડી કરી રહ્યા હતાં.’

• જજે વધુમાં કહ્યું કે,‘આમાંથી ઘણી બાબતો ભારતમાં મુકદ્દમાનો મામલો છે અને તેને દોષિત ઠરાવવા પૂરતા પૂરાવા હોવા બાબતે હું સંતુષ્ટ છું. આ પ્રથ દૃષ્ટિએ મની લોન્ડરિંગનો મામલો છે.’ નિરવ મોદીને વીડિયો કોન્ફરન્સ મારફત કોર્ટમાં હાજર કરાયો હતો. જજે કહ્યું હતું કે ભારત પાસેથી તેમને ૧૬ પુરાવા મળ્યા છે અને તેઓ ભારત સરકારની દલીલોનો સ્વીકાર કરે છે.

• જજે નિરવ મોદીના વકીલ દ્વારા કોરોના મહામારી દરમિયાન નિરવની માનસિક હાલત ખરાબ થયાની દલીલને ફગાવી હતી. તેમણે ભારતીય જેલોની ખરાબ હાલત વિશેની દલીલો પણ સ્વીકારી ન હતી. જજે કહ્યું હતું કે,‘મને સંતોષ છે કે ભારતમાં નિરવ મોદીનું પ્રત્યર્પણ માનવ અધિકારોના પાલન અનુસારનું છે. નિરવ મોદીને પ્રત્યર્પણ થકી ભારત મોકલાશે તો તેને ન્યાય મહિ મળે તે બાબતની કોઈ સાબિતી નથી.’

• બેરિસ્ટર ક્લેર મોન્ટેગોમેરીના વડપણ હેઠળ નિરવ મોદીના બચાવપક્ષે આ સમગ્ર મામલો કોમર્શિયલ વિવાદ હોવાનો, તેમનું કોઈ કાર્ય કાયદા બહારનું નથી તેમજ કોઈ પ્રકારની છેતરપિંડી નહિ કરાયોનો દાવો કર્યો હતો. CPSના બેરિસ્ટર હેલન માલ્કોમે દલીલ કરી હતી કે નિરવ મોદીએ પોન્ઝી જેવી સ્કીમ ચલાવી હતી જેમાં જૂના દેવાં ચુકવવા નવા ગેરકાનૂની ગેરંટીપત્રોનો ઉપયોગ કરાયો હતો.

• ગયા વર્ષે અને વર્તમાન વર્ષની શરુઆતમાં નિરવ મોદીના પ્રત્યર્પણની સુનાવણીમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે બંને પક્ષોની વિસ્તૃત દલીલો સાંભળી હતી. બચાવપક્ષે નિરવના ખરાબ માનસિક સ્વાસ્થ્ય સંદર્ભે પ્રત્યર્પણ અધિનિયમ ૨૦૦૩ સેક્શન ૯૧ લાગુ પાડવા સંબંધે દલીલો કરી હતી. આ જોગવાઈનો ઉપયોગ હાલમાં જ બ્રિટનમાં વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાન્જેના યુએસને પ્રત્યર્પણને અટકાવવા કરાયો હતો.

• નિરવ મોદી સંબંધિત કાનૂની લડાઈ બ્રિટનમાં હાઈ પ્રોફાઈલ ભારતીય આર્થિક અપરાધીઓના પ્રત્યર્પણ મામલામાં એક છે. કિંગફિશર એરલાઈન્સના પૂર્વ માલિક અને લિકર બેરન વિજય માલ્યા ભારતને પ્રત્યર્પણ મુદ્દે ગુપ્ત કાનૂની કાર્યવાહી બાબતે જમાનત પર છે. શસ્ત્રોના ડીલર સંજય ભંડારીના પ્રત્યર્પણ મુદ્દે આગામી એપ્રિલમાં સુનાવણી થવાની છે. ક્રિકેટ સટ્ટાબાજ સંજીવ ચાવલા સામે ભારતમાં કેસ ચલાવવા તેનું ફેબ્રુઆરી ૨૦૨૦માં પ્રત્યર્પણ કરાયું હતું. ભારત-બ્રિટન વચ્ચે ૧૯૯૨માં પ્રત્યર્પણ સંધિ પછી આ પ્રત્યર્પણનો પ્રથમ કિસ્સો હતો.

અગાઉ, ગુજરાતમાં ગોધરા રમખાણોના સંદર્ભે સમીરભાઈ વિનુભાઈ પટેલનું ઓક્ટોબર ૨૦૧૬માં ભારતને પ્રત્યર્પણ કરાયું હતું. આ બાબતે કોઈ વાંધો કે વિરોધ ઉઠાવાયો ન હતો કે યુકેની વિવિધ કોર્ટ્સમાં અનેક પ્રકારની અપીલો પણ કરાઈ ન હોવાથી પ્રત્યર્પણમાં કોઈ અડચણ આવી ન હતી.

• નિરવ મોદીની સૌ પહેલા પ્રત્યર્પણ વોરન્ટના આધારે ૧૯ માર્ચ, ૨૦૧૯ના દિવસે ધરપકડ કરાઈ હતી. મોદી નાસી જવાનું જોખમ હોવાથી તેને વોન્ડ્ઝવર્થ જેલમાંથી વીડિયો લિન્ક મારફત કોર્ટ સમક્ષ રજૂ કરાતો હતો. તેની અસંખ્ય જામીન અરજીઓ ફગાવી દેવાઈ હતી. હવે તેણે ભારતમાં સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા મૂકાયેલા છેતરપિંડી અને મની લોન્ડરિંગ, પુરાવાઓ સાથે છેડછાડ અને સાક્ષીઓને ધમકીઓ સહિતવા કેસીસ અંતર્ગત કાર્યવાહીનો સામનો કરવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter