નિરવ મોદી જામીન માટે હાઈ કોર્ટના શરણેઃ ૧૧ જૂને થનારી સુનાવણી

વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કોઈ રાહત નહિઃ ૨૭ જૂન સુધી રિમાન્ડ લંબાવાયા

Wednesday 05th June 2019 04:17 EDT
 
 

લંડનઃ પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા ૧૩,૭૦૦ કરોડ (૧.૮ બિલિયન ડોલર)ની છેતરપિંડી અને મની લોન્ડરિંગના અપરાધી ભાગેડું હીરા ઉદ્યોગપતિ નિરવ મોદીએ જામીન માટે હાઈ કોર્ટમાં અરજી કરી હતી અને તેની સુનાવણી ૧૧ જૂને યોજાશે. અગાઉ તેમને ૩૦ મે, ગુરુવારે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા હતા. જોકે, તેઓ જામીન મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા અને તેમને ૨૭ જૂન સુધી રિમાન્ડ લંબાવી વોન્ડ્સવર્થ જેલમાં રાખવાનો આદેશ અપાયો હતો. અગાઉ પણ નિરવની જામીન અરજી ત્રણ વાર ફગાવાઈ આવી છે. ભારત સરકારની એજન્સીઓ તેના પ્રત્યાર્પણના પ્રયાસ કરી રહી છે ત્યારે જજ એમ્મા અર્બુથ્નોટે નિરવ મોદીના પ્રત્યાર્પણને મંજૂરી અપાય તો તેને ભારતની કઈ જેલમાં રાખવામાં આવશે તેની જાણ ૧૪ દિવસમાં કરવાનું ભારતને જણાવ્યું છે.

નિરવ મોદીના બેરિસ્ટર કલેર મોન્ટગોમેરીએ જણાવ્યું છે કે નિરવ મોદીને માનવ અધિકારોનો ભંગ થતો ન હોય એવી જેલમાં રાખવામાં આવે તેની અમે માગણી કરી છે. જો તેમને વિજય માલ્યા માટે દર્શાવાયેલી આર્થર રોડ જેલની કોટડીમાં ન રખાય તો કોર્ટ દ્વારા નિયુક્ત સ્વતંત્ર જેલ મુલાકાતની માગણી કરાશે. ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલા પુરાવા અંગે ચીફ મેજિસ્ટ્રેટે જણાવ્યું છે કે આ વખતે રજૂ કરાયેલા પુરાવા અગાઉ કરતા સારા છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ બ્રિટિશ જજે પ્રત્યાર્પણના કેસોમાં ભારત દ્વારા રજૂ કરાતા પુરાવાઓની ટીકા કરી હતી કારણકે કેટલાક પુરાવા તો હાથથી લખાયેલાં હતાં.

આ કેસની આગામી સુનાવણી ૨૭ જૂને વીડિયોલિંક દ્વારા કરવામાં આવશે. ચીફ મેજિસ્ટ્રેટ અર્બુથ્નોટે જણાવ્યું હતું કે તેઓ આ કેસમાં છ સપ્તાહમાં ઓપનિંગ નોટ્સ જોવાં માગે છે. અગાઉ, ભારતીય સત્તાવાળાઓ વતી ક્રાઉન પ્રોસીક્યુટર્સે જણાવ્યું હતું કે ચાર સપ્તાહમાં નોટ્સ તૈયાર કરવી મુશ્કેલ છે. કેસ મેનેજમેન્ટની વધુ સુનાવણી ૨૯ જુલાઈ નિશ્ચિત કરાઈ છે જ્યારે સંપૂર્ણ પ્રત્યાર્પણ સુનાવણીની તારીખ આપી શકાય તેવો નિર્દેશ પણ જજે આપ્યો હતો. મોદીના વકીલોએ કહ્યું હતું કે ડિફેન્સ કેસ તૈયાર કરતા તેમને છ મહિનાનો સમય લાગશે.

નિરવ મોદી ૧૯ માર્ચે સેન્ટ્રલ લંડનની મેટ્રો બેન્ક બ્રાન્ચમાં બેન્ક એકાઉન્ટ ખોલાવવા ગયો હતો ત્યાંથી તેની ધરપકડ કરાઈ હતી. નિરવના ધારાશાસ્ત્રી ક્લેર મોન્ટગોમેરીએ અરજી કરતી હતી કે વોન્ડ્સવર્થ જેલની સ્થિતિ રહેવા લાયક ન હોવાથી નિરવ જામીન માટે કોર્ટની તમામ શરતો માનવા તૈયાર છે.

જજ એમ્મા અર્બુથ્નોટે પીએનબી છેતરપિંડીને ગંભીર ગણાવતાં કહ્યું હતું કે આ મોટા ફ્રોડનો મામલો છે, જેનાથી ભારતીય બેન્કને નુકસાન થયું છે. શરતી જામીનથી નિરવના મુદ્દે ભારત સરકારની ચિંતાનો અંત આવશે તે બાબતે તેઓ સંતુષ્ટ નથી. ગત વર્ષે જાન્યુઆરીમાં પીએનબી ગોટાળાનો ખુલાસો થયો તે અગાઉ જ નિરવ મોદી ભારત છોડી લંડન અને ન્યૂયોર્ક ભાગી ગયો હતો. તેણે પીએનબીની મુંબઈસ્થિત બ્રેડી હાઉસ બ્રાંચના અધિકારીઓની સાંઠગાંઠમાં બનાવટી લેટર ઓફ અંડરટેકિંગ્સ (એલઓયુ) જારી કરાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter