નિરવ મોદી ભાગેડુ આર્થિક અપરાધી જાહેરઃ રિમાન્ડ લંબાવાયા

Wednesday 11th December 2019 03:19 EST
 
 

લંડન, મુંબઈઃ બ્રિટિશ કોર્ટે પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે બે બિલિયન ડોલર (રુપિયા ૧૪,૦૦૦ કરોડથી વધુ)ની છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં હીરાના ભાગેડુ વેપારી નિરવ મોદીના રિમાન્ડ બીજી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી લંબાવ્યા છે. તેને આ દિવસે સુનાવણી માટે વિડીયો લિંકથી હાજર કરાશે. નિરવ મોદી સામેના પ્રત્યાર્પણ કેસની સુનાવણી મે ૨૦૨૦માં શરૂ કરવામાં આવશે. દરમિયાન, મુંબઈની સ્પેશિયલ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ભલામણને આધારે આ કૌભાંડના આરોપી નિરવ મોદીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કર્યો હતો. હવે કોર્ટ દ્વારા મોદીની સંપત્તિ જપ્ત કરવાના મામલે કાર્યવાહી હાથ ધરાશે.

આ કૌભાંડ બહાર આવે તે પહેલા જ મુખ્ય આરોપીઓ નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી દેશ છોડીને ભાગી ગયા હતા. સ્પેશિયલ PMLA કોર્ટનાં જજ વી સી બારડે નીરવ મોદીને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હતો. નિરવ મોદીએ પોતાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવાની ઈડીની માગને ફગાવવા કરેલી અપીલ કોર્ટે માન્ય રાખી ન હતી. આ ઉપરાંત, નિરવની પત્ની એમી, તેનો ભાઈ વિશાલ પણ મુખ્ય આરોપી છે. તમામ આરોપીએ બેન્કના અધિકારીઓ સાથે સાઠગાંઠ રચીને પીએનબીને કરોડોનું નુકસાન કર્યુ હતું.

ફ્યુજિટિવ ઈકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ હેઠળ કોઈની મંજૂરી વિના ભાગેડુ આર્થિક અપરાધીની મિલકતો જપ્ત કરી શકાય છે અને વેચી શકાય છે. જે વ્યક્તિએ રૂ. ૧૦૦ કરોડ કે તેથી વધુ રકમનું કૌભાંડ કર્યું હોય અને આર્થિક અપરાધમાં સામેલ હોય તેમજ દેશ છોડીને ભાગી જાય તો તેને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરી શકાય છે. અગાઉ, કિંગફિશરના માલિક અને શરાબના ઉત્પાદક વિજય માલ્યાને ફ્યુજિટિવ ઈકોનોમિક ઓફેન્ડર એટલે કે ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરાયા હતા.

નિરવ મોદી માર્ચમાં લંડનની શેરીઓમાં ફરતો જણાયા પછી તેની ધરપકડ કરીને વોન્ડ્સવર્થ જેલમાં રખાયો છે. તેને ભારતમાં લાવવા પ્રત્યાર્પણનો કેસ ચલાવાઈ રહ્યો છે. મોદીને દર ૨૮ દિવસે થતી નિયમિત સુનાવણી માટે લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયા હતા. ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથ્નોટે ગયા મહિને પણ ૪૮ વર્ષીય નિરવ મોદીની જામીન અરજી ફગાવી હતી. લંડનની કોર્ટે અગાઉ ૫ વખત તેની જામીન અરજી ફગાવી છે.

કૌભાંડનો વાસ્તવિક આંકડો રુપિયા ૨૫,૦૦૦ કરોડ

પીએનબી કૌભાંડના બે વર્ષ બાદ બેન્કના ફોરેન્સિક ઓડિટનો રિપોર્ટ જાહેર કરાયો છે. રિપોર્ટ અનુસાર પીએનબી કૌભાંડ ધાર્યા કરતાં બમણું છે. અગાઉ મોદીએ રુપિયા ૧૪,૦૦૦ કરોડની છેતરપિંડી કર્યાનું કહેવાયું હતું પરંતુ, હવે આ આંકડો રુપિયા ૨૫,૦૦૦ કરોડનો થવા પહોંચ્યો છે.

સીબીઆઇમાં ફરિયાદ બાદ પીએનબીએ ફેબ્રુઆરી ૨૦૧૮માં બેલ્જિયમના ફોરેન્સિક ઓડિટર બીડીઓને તપાસ સોંપી હતી. બીડીઓએ જૂન ૨૦૧૮ સુધીની માહિતી ફંફોસતા શોધી કાઢયું હતું કે, બેન્ક દ્વારા નિરવ મોદી ગ્રૂપની કંપનીઓને રુપિયા ૨૮,૦૦૦ કરોડના ૧૫૬૧ લેટર્સ ઓફ અંડરટેકિંગ (એલઓયુ) જારી કરાયા હતા. જેમાંથી રુપિયા ૨૫,૦૦૦ કરોડના ૧૩૮૧ એલઓયુમાં ગેરરીતિ આચરાઈ હતી. ઓડિટરે શોધી કાઢયું છે કે, એલઓયુ જારી કરાયા તે ૨૩ નિકાસકાર પૈકી ૨૧ નિકાસકાર પર નિરવ મોદીનું વર્ચસ્વ હતું. રુપિયા ૬,૦૦૦ કરોડના મૂલ્યના ૧૯૩ એલઓયુનો બેન્કને પુનઃચુકવણી કરવા માટે દુરુપયોગ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter