નિરવ મોદી ૧૭ ઓક્ટોબર સુધી જેલમાં

Wednesday 25th September 2019 04:33 EDT
 

લંડનઃ ભારતીય બેન્ક સાથે છેતરપીંડી અને મની લોન્ડરિંગ કેસમાં હીરાના ભાગેડુ વેપારી નિરવ મોદીને ૧૭ ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ પર રાખવાનો આદેશ અપાયો હતો. પંજાબ નેશનલ બેન્ક સાથે જ બે બિલિયન ડોલરની છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં ભારતને નિરવ મોદીની તલાશ છે. તેને રિમાન્ડની સુનાવણી માટે લંડનની જેલમાંથી વીડિયો લિંક દ્વારા વેસ્ટમિસ્ટર કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો.

નિરવ મોદી સામે ૨૦૨૦ના ૧૧થી ૧૫ મે દરમિયાન ખટલો ચાલવાની ધારણા છે. જજ ડેવિડ રોબિન્સને મોદીને જણાવ્યું હતું કે આ કેસમાં કંઈ ખાસ જણાતું નથી અને આગામી વર્ષે ૧૧થી ૧૫મે દરમિયાન પાંચ દિવસ સોંપણીને લગતા કેસની સુનાવણી હાથ ધરવા કોર્ટ કાર્ય કરી રહી છે. સંક્ષિપ્ત સુનાવણી દરમિયાન કોર્ટમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈના અધિકારીઓની ટીમ ઉપસ્થિત રહી હતી.

ભારત સરકાર દ્વારા રજૂ કરાયેલા આરોપો અંગે સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા સોંપણીના વોરંટની અમલબજવણી કરાતા માર્ચમાં નિરવ મોદીની ધરપકડ કરાયા પછી તેને ઇંગ્લેન્ડની ગીચ ગણાતી વોન્ડ્સવર્થ જેલમાં રખાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter