નિરવ મોદીએ સાક્ષીઓને મારી નાખવાની ધમકીઓ આપીઃ પ્રત્યર્પણ સુનાવણી શરુ

Tuesday 12th May 2020 13:39 EDT
 
 

લંડનઃ ભારતની પંજાબ નેશનલ બેન્ક સાથે ૧.૫ બિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારા ૪૯ વર્ષીય મોસ્ટ વોન્ટેડ અપરાધી અને હીરાના વેપારી નિરવ મોદીએ ઈન્ટરનેશનલ પોન્ઝી સ્કીમના સાક્ષીઓને મારી નાખવાની ધમકી આપી હોવાની રજૂઆત વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ૧૧ મે, સોમવારે કરાઈ હતી. ભારતમાં પ્રત્યર્પણ કેસનો સામનો કરી રહેલો નિરવ મોદી ગત ૧૪ મહિનાથી વોન્ડ્ઝવર્થ જેલમાં છે અને વીડિયો લિન્ક મારફત તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. તેના પ્રત્યર્પણનું ભાવિ નિશ્ચિત કરનારી પાંચમાંથી પહેલી સુનાવણી શરુ કરાઈ છે.

જ્વેલર નિરવ મોદીએ બેન્ક અધિકારીઓ સાથે સાંઠગાંઠ આચરી બેન્ક સાથે મોટી છેતરપીંડી આચરી હતી અને દેશ છોડી બ્રિટન ભાગી આવ્યો હતો. તેણે ગત વર્ષની ૧૯ માર્ચે સેન્ટ્રલ લંડનના હોલબોર્નમાં મેટ્રો બેન્કમાં ખાતુ ખોલાવવા પ્રયાસ કર્યો ત્યારે બેન્કના કર્મચારીએ ઓળખી કાઢતા તેની ધરપકડ કરાઈ હતી. તે સેન્ટ્રલ લંડનના સેન્ટર પોઈન્ટ ટાવરમાં પેન્ટહાઉસ ફ્લેટમાં માસિક ૧૭,૦૦૦ પાઉન્ડના ભાડાંથી રહેતો હોવાનું બહાર આવ્યું હતું. ભારતીય સત્તાવાળાઓ દ્વારા તેના બેન્ક એકાઉન્ટ્સ સ્થગિત કરાયા તેમજ તેની ધરપકડ માટે ઈન્ટરપોલની રેડ નોટિસ જારી કરાયા છતાં તે કેપિટલમાં નવો ડાયમન્ડ બિઝનેસ ચલાવી રહ્યો હતો.

ભારત સરકાર વતી હેલન માલ્કોમ QCએ કોર્ટને જણાવ્યું હતું કે બિઝનેસીસ દ્વારા સસ્તા દરે વિદેશી સામાનની આયાત માટે લેવાતી લોન્સના ખોટા મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગથી છેતરપીંડી આચરાઈ હતી. તેણે ૨૦૧૧-૧૮ના ગાળામાં મોટી રકમો મેળવી હતી. મિસ માલ્કોમે જણાવ્યું હતું કે નિરવ મોદી હલકી કક્ષાના ડાયમન્ડ ખરીદી તેને જ્વેલરી પર ચોંટાડતો હતો જેથી આંતરરાષ્ટ્રીય મનીલોન્ડરિંગ સ્કીમના ભાગરુપે ઊંચી કિંમતે બજારમાં પુનઃ વેચાણ કરી શકાય.

 નિરવ મોદીએ હોંગ કોંગથી મોતીની ખરીદી સામે નિકાસકારોને ચુકવવા કામમાં લેવાય છે તેવા ઓઠાં હેઠળ કથિતપણે પંજાબ નેશનલ બેન્કના ભ્રષ્ટ કર્મચારીઓને MOUઓ પર સહીઓ કરવા દબાણ કર્યું હતું. જોકે, આ નાણા ‘પોન્ઝી સ્કીમ ઓફ બોરોઈંગ’માં થયેલાં અગાઉના દેવાંની ચૂકવણીમાં તેના વ્યાપારી સામ્રાજ્યના અન્ય બિઝનેસીસમાં ફાળવી દેવાયા હતા. પોતાને દસ્તાવેજી પેપરવર્કથી દૂર રાખવા તેણે કંપનીઓમાં નામના રહેલા ડાયરેક્ટર્સનો ઉપયોગ કર્યો હોવાનું પણ કોર્ટને જણાવાયું હતું. મિસ માલ્કોમે જણાવ્યું હતું હતું કે બેન્કને ૨૦૧૮માં આ સ્કીમની જાણ થઈ હતી. મોદીને આક્ષેપોની જાણ થતા તેણે પોતાના ભાઈ સાથે મળી પોન્ઝી સ્કીમના ચાવીરુપ સાક્ષીઓને મોતની ધમકીઓ પણ આપી હતી.

નિરવ મોદી જ્વેલરી બ્રાન્ડ ફાયરસ્ટાર ડાયમન્ડની માલિકી ધરાવે છે અને ફોર્બસ અનુસાર ૨૦૧૭માં તે ૧.૭૩ બિલિયન પાઉન્ડની સંપત્તિનો માલિક હતો. નિરવે મોડેલ રોઝી હટિંગ્ટન વ્હીટલી અને ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા સહિત સેલેબ્રિટીઝને જ્વેલરી પૂરી પાડી છે.

નિરવ મોદીના પ્રત્યર્પણ કેસની સુનાવણી ચાલુ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter