નિરવ મોદીના પ્રત્યર્પણ કેસની સુનાવણી સપ્ટેમ્બર સુધી લંબાવાઈઃ ભારતીય જજની જુબાનીનો વિવાદ

Sunday 17th May 2020 09:10 EDT
 
 

લંડનઃ ભારતમાં પંજાબ નેશનલ બેન્ક સાથે બે બિલિયન ડોલરની છેતરપીંડી અને મનીલોન્ડરિંગ કેસના મોસ્ટ વોન્ટેડ ભાગેડુ આર્થિક અપરાધી અને ડાયમન્ડ કિંગ નિરવ મોદીના પ્રત્યર્પણ કેસની સુનાવણી હવે ૭ સપ્ટેમ્બર સુધી લંબાવી દેવાઈ છે. કોરોના મહામારીનો ભય રહ્યો નહિ હોય તો નિરવ મોદી સપ્ટેમ્બરમાં જાતે કોર્ટમાં આવી શકશે. દરમિયાન, નિરવ મોદીના પ્રત્યર્પણ સુનાવણી કેસમાં બોમ્બે અને અલાહાબાદ હાઇ કોર્ટના પૂર્વ જજ અને હાલ કોંગ્રેસમાં સામેલ અભય થિપ્સેની જુબાનીએ ભારે વિવાદ સર્જ્યો છે. પૂર્વ જજ થિપ્સે નિરવ મોદીની તરફે સાક્ષી બન્યા છે.

કોર્ટમાં વોન્ડ્સવર્થ જેલથી વીડિયો લિન્કથી ૧૧મેથી ચાર દિવસની આંશિક પ્રત્યર્પણ સુનાવણી પછી જજે સાત સપ્ટેમ્બરથી વધુ સુનાવણી કરવા જાહેર કર્યું છે. જજે નિરવ મોદીને કહ્યું હતું કે સપ્ટેમ્બર સુધીમાં જેલમાંથી અવરજવર પર અંકુશ સમાપ્ત થઈ શકે છે અને તમે જાતે કોર્ટમાં હાજર રહી શકો તેવી આશા છે. બીજી તરફ, લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગૂજીએ વોન્ડ્સવર્થ જેલથી વીડિયો લિન્ક દ્વારા ૨૮ દિવસના રિમાન્ડની સુનાવણી માટે ૧૧ જૂનની તારીખ નિર્ધારિત કરી છે.

પૂર્વ જજ અભ્ય થિપ્સેની જુબાનીનો વિવાદ

નિરવ મોદીના પ્રત્યર્પણ સુનાવણી કેસમાં બોમ્બે અને અલ્હાબાદ હાઇ કોર્ટના પૂર્વ જજ અભય થિપ્સેની જુબાનીએ ભારે વિવાદ સર્જ્યો છે. ઉલ્લેખનીય છે કે અભય થિપ્સે ૨૦૧૮મા કોંગ્રેસમાં સામેલ થયા હતા. આ જુબાનીથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપોની ઝડી વરસી રહી છે.

પૂર્વ હાઈ કોર્ટ જસ્ટિસ થિપ્સેએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાક્ષીમાં લંડનની હાઈ કોર્ટને કહ્યું હતું કે CBI દ્વારા નિરવ મોદી પર લગાવાયેલા આરોપ ભારતીય કાયદાની અંતર્ગત ટકી શકે તેમ નથી. ચેસ ગ્રાન્ડમાસ્ટર પ્રવીણ થિપ્સેના ભાઇ અભય થિપ્સે એ કહ્યું કે ભારતીય કાયદા પ્રમાણે જ્યાં સુધી કોઇની સાથે છેતરપીંડી ના થાય ત્યાં સુધી છેતરપીંડી કહેવાશે નહીં. પૂર્વ જસ્ટિસ થિપ્સેએ નિરવના બચાવમાં કહ્યું કે, ‘જો લેટર ઓફ અંડરટેકિંગ (LOU)  જાહેર થવાથી કોઈની સાથે છેતરપીંડી થઈ નથી ત્યારે કોઈ  કોર્પોરેટ બોડી સાથે છેતરપીંડીનો સવાલ જ નથી ઉઠતો. બેન્ક અધિકારીઓને LOU જાહેર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે, પણ તેને પ્રોપર્ટી ન કહી શકાય. એટલા માટે આ કેસમાં છેતરપિંડી ના માની શકાય.’ ઉલ્લેખનીય છે છે જજ અભય થિપ્સેએ જ ૨૦૧૫માં અભિનેતા સલમાન ખાનને જામીન આપ્યા હતા.

ભારતે મની લોન્ડરિંગ મુદ્દે વધુ પુરાવા આપ્યા

કોર્ટમાં નિરવ મોદીના પ્રત્યર્પણ કેસની સુનાવણીમાં મોદીના વકીલે ભારત પાસે મની લોન્ડરિંગના કેસ ચલાવવા માટે પુરતા પુરાવા ન હોવાનો દાવો કર્યો હતો. આ સાથે નિરવની માનસિક સ્થિતિ સારી ન હોવાથી ભારતીય જેલમાં યોગ્ય સારવાર નહિ થાય તેવી દલીલ પણ કરાઈ હતી. ભારતે વધારે પુરાવા રજૂ કરવા જોઈએ તેવી અરજી મોદીની અરજીને કોર્ટે માન્ય રાખ્યા પછી ભારત વતી કેસ રજૂ કરતી ધ ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસે મની લોન્ડરિંગ મુદ્દે નવેસરથી વધારે મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. બચાવ પક્ષે દસ્તાવેજ વિલંબથી જમા કરાવવા પર વાંધો દર્શાવી તેને ખૂબ પરેશાનીભર્યું અને અત્યંત વિવાદાસ્પદ પગલું ગણાવ્યું હતું.

ડિસ્ટ્રિક્ટ જજ સેમુઅલ ગૂજીએ દસ્તાવેજ જમા કરાવવામાં વિલંબ બદલ ચિંતા વ્યકત કરી પરંતુ, અરજી પર વિચાર કરવા માટે સહમતિ દર્શાવી હતી. આ દસ્તાવેજોમાં મોટાભાગના હીરાના વેપારી સાથે સંકળાયેલી કંપનીઓ સાથે જોડાયેલા બેન્કના દસ્તાવેજ છે. તેમણે કહ્યું કે સંતુલિત વલણ અપનાવતા પુરાવા રજૂ કરવાની મંજૂરી આપી રહ્યા છે પરંતુ તેનું વિશ્લેષ્ણ કરવા માટે સમય આપવો પડશે. તેનાથી પ્રત્યર્પણ કેસમાં સુનવણીમાં વધુ વિલંબ થઇ શકે છે.

નિરવ મોદીની માનસિક સ્થિતિ સારી ન હોવાનો દાવો

વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં સુનાવણી દરમિયાન નિરવ મોદીના વકીલે તેમના અસીલની માનસિક સ્થિતિ ગંભીર હોવાની આશ્ચર્યજનક દલીલ કરી હતી. પંજાબ નેશનલ બેન્ક સાથે છેતરપીંડીનો આરોપી નિરવ લંડનની વોન્ડ્સવર્થ જેલમાં કેદ છે. પ્રત્યર્પણથી બચવા નિરવ મોદીના વકીલે મંગળવારે એવી દલીલ કરી હતી કે નિરવ મોદીની માનસિક સ્થિતિ ખુબ જ ગંભીર છે. ભારત સરકાર તરફથી જેલની સ્થિતિ યોગ્ય હોવાનું આશ્વાસન અપર્યાપ્ત છે. ભારતની આર્થર રોડ જેલમાં તેની માનસિક બીમારીની સારવાર મુશ્કેલ છે એટલે પ્રત્યર્પણની પરવાનગી આપવી અયોગ્ય છે. અગાઉ ભારતે નિરવ મોદીને આર્થર રોડ જેલમાં રાખવા માટે કરાયેલી વ્યવસ્થાનો રીપોર્ટ બ્રિટિશ કોર્ટને આપ્યો હતો. મુંબઇની જેલમાં સૌથી જૂની અને સૌથી મોટી બેરેક નંબર ૧૨ તેના માટે તૈયાર કરાઈ હોવાની જાણકારી પણ ભારતે આપી દીધી છે.

ભારતીય તરફથી બ્રિટેનની ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ (સીપીએસ) દલીલો કરી રહી છે સીપીએસની બેરિસ્ટર હેલન માલ્કોમે વીડિયો લિન્ક દ્વારા કોર્ટને રજૂઆતમાં જણાવ્યું કે, મોદીના પંજાબ નેશનલ બેન્ક સાથે છેતરપીંડી થકી તમામ ધન હાંસલ કર્યું છે. આ કેસમાં સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ  ફરિયાદ નોંધાવી હતી. નિરવ મોદીની ગત વર્ષે માર્ચ મહિનામાં ધરપકડ કરાયા પછી અત્યાર સુધીમાં ૫ વખત તેની જામીન અરજી નકારવામાં આવી છે. ભારત તરફથી મુંબઇની આર્થર રોડ જેલમાં તેને મોકલવાની વ્યવસ્થા કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter