નિરવ મોદીના પ્રત્યર્પણ કેસમાં માનસિક આરોગ્ય મુદ્દે સુનાવણીનો હાઈ કોર્ટમાં આરંભ

Wednesday 15th December 2021 06:24 EST
 
 

લંડનઃ પંજાબ નેશનલ બેન્ક સાથે અંદાજે ૨ બિલિયન ડોલરની લોન છેતરપિંડી અને મનીલોન્ડરિંગ કેસમાં સંડાવાયેલા ડાયમન્ડ બિઝનેસમેન નિરવ મોદીના ભારતમાં પ્રત્યર્પણ અંગે માનસિક આરોગ્ય મુદ્દે અપીલ પર લંડન હાઈ કોર્ટમાં મંગળવાર સુનાવણી શરૂ કરાઈ છે. નિરવ મોદી માર્ચ ૨૦૧૯માં લંડન ખાતે ધરપકડ કરાયા પછી સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડ્ઝવર્થ પ્રિઝનના સળિયા પાછળ છે.

લોર્ડ જસ્ટિસ જેરેમી સ્ટુઅર્ટ-સ્મિથ અને જસ્ટિસ રોબર્ટ જયની બેન્ચે રાયલ કોર્ટ કોર્ટ્સ ઓફ જસ્ટિસ ખાતે સુનાવણી આરંભી હતી જેમાં પ્રત્યર્પણની તરફેણમાં ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગૂઝના ફેબ્રુઆરીના ચુકાદામાં ડાયમન્ડ મર્ચન્ટ દ્વારા આત્મહત્યાના ગંભીર જોખમના મુદ્દાને નજરઅંદાજ કરાયો હતો કે કેમ તેનો નિર્ણય લેવામાં આવશે.

કોર્ટૉ દ્વારા ૧૩ નવેમ્બરે ભારતીય સત્તાવાળાઓએ આપેલી વધારાની ખાતરીઓ સાંભળી હતી જેમાં જો નિરવનું મુંબઈ પ્રત્યર્પણ કરવામાં આવે તો સ્પેશિયાલિસ્ટ મેડિકલ સારસંભાળ અને હાથવગી એમ્બ્યુલન્સ રાખવાની અગાઉની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરાયો હતો. નિરવ મોદી વતી એડવર્ડ ફિટ્ઝરાલ્ડ QCએ દલીલો શરૂ કરતા નિરવને આત્મહત્યાનું ભારે જોખમ છે અને મુંબઈમાં તેની હાલત વધુ ખરાબ થશે તેમ જણાવ્યું હતું. નિરવને પ્રત્યર્પણ પછી રખાવાનો છે તે આર્થર રોડ પરની મુંબઈ સેન્ટ્રલ જેલની ૧૨ નંબરની બેરેકમાં તબીબી સંભાળની ભારત સરકારની ખાતરી નિરવની માનસિક હાલતના સંદર્ભે પૂરતી નહિ હોવાની દલીલ કરાઈ હતી.

મંમગળવારની આ સુનાવણી ઓગસ્ટમાં હાઈ કોર્ટના જસ્ટિસ માર્ટિન ચેમ્બરલેઈનના ચુકાદાને પગલે કરાઈ છે જેમાં નિરવ મોદીના તીવ્ર ડિપ્રેશન અને આપઘાતના ઊંચા જોખમની દલીલો સંપૂર્ણ અપીલ સુનાવણીમાં કરવાનો સ્વીકાર કરાયો હતો. ભારતીય સત્તાવાળા વતી પબ્લિક પ્રોસિક્યુશન સર્વિસના બેરિસ્ટર હેલન માલ્કોમ QC દ્વારા હાઈ કોર્ટમાં રજૂઆત થી રહી છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના અધિકારીઓનું જૂથ આ કેસ માટે લંડન આવી પહોંચ્યું છે.

જો નિરવ હાઈ કોર્ટમાં સુનાવણી હેઠળની અપીલ જીતી જશે તો તેનું પ્રત્યર્પણ ભારતને કરી શકાશે નહિ સિવાય કે ભારત સરકાર ચુકાદા સામે જાહેર મહત્ત્વના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાની પરવાનગી મેળવવામાં સફળ રહે. જો નિરવ આ અપીલ હારી જશે તો તે પણ હાઈ કોર્ટના ચુકાદાના ૧૪ દિવસની અંદર સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલમાં જઈ શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter