લંડનઃ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે ૧.૮ બિલિયન ડોલર (રૂ. ૧૪,૩૫૬ કરોડ)ની છેતરપિંડી કરી ભાગી જનારા હીરા અને જ્વેલરીના ૪૯ વર્ષીય બિઝનેસમેન નિરવ મોદીના પ્રત્યર્પણની બીજા તબક્કાની ટ્રાયલનો સાત સપ્ટેમ્બરથી લંડનની કોર્ટમાં ફરી આરંભ થયો છે. કોરોના લોકડાઉન નિયંત્રણોના કારણે મોદીને વોન્ડ્ઝવર્થ જેલમાંથી વીડિયો કોન્ફરન્સ મારફત વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયો હતો. જસ્ટિસ સેમ્યુઅલ ગૂઝીએ નિરવ મોદીના સાક્ષી અને મુંબઈ હાઈકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ અભ્ય થિપ્સેની જુબાનીને ગુપ્ત રાખવાની માગણી ફગાવી દેતા મોદીને પહેલો ધક્કો પહોંચ્યો હતો. પાંચ દિવસની સુનાવણી શુક્રવારે પૂર્ણ થવાની ધારણા છે.
સાક્ષીની જુબાની ગુપ્ત રાખવા ઈનકાર
નિરવ મોદીના વકીલ ક્લેર મોન્ટેગોમેરીએ જસ્ટિસ ગૂઝી સમક્ષ અભય થિપ્સેનું નિવેદન ગુપ્તપણે લેવા અથવા તેના પર મીડિયા રિપોર્ટિંગને પ્રતિબંધિત કરવા માગણી મૂકી હતી જેથી ગત જુબાનીની માફક ભારતમાં તેમના પર આક્ષેપોની ઝડી વરસે નહિ. થિપ્સેએ પણ આ બાબતે ચિંતા દર્શાવી હતી. જોકે, જસ્ટિસ ગૂઝીએ આગામી જૂબાનીને ગુપ્ત રાખવામાં કે રિપોર્ટિંગ પર પ્રતિબંધ લગાવવામાં કોઈ ઔચિત્ય ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું. પૂર્વ ન્યાયમૂર્તિ અભ્ય થિપ્સેએ ૧૩ મેએ વીડિયોકોલના માધ્યમથી કોર્ટને જણાવ્યું હતું કે નિરવ મોદી વિરુદ્ધ ભારત સરકારના આરોપો ભારતીય અદાલતોમાં પણ ટકી શકે તેમ નથી. આ મુદ્દે ભારતના કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે થિપ્સેએ કશું સમજ્યા વિના જ પ્રતિક્રિયા વ્યક્ત કરી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
નિરવ મોદીનું માનસિક સ્વાસ્થ્ય કથળ્યું
નિરવ મોદીની ટીમે મંગળવારે આક્ષેપ લગાવ્યો હતો કે આ કેસને રાજકીય સ્વરુપ અપાયું હોવાથી નિરવ મોદીને ભારતમાં યોગ્ય ટ્રાયલ મળવાની શક્યતા નથી અને ભારતીય જેલોમાં અપૂરતી તબીબી સવલતોના કારણે આત્મહત્યાનું જોખમ વધે તેમ છે. સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડ્ઝવર્થ જેલમાં નિરવ મોદીનું માનસિક સ્વાસ્થ્ય કથળ્યું હોવાનું પણ કોર્ટને જણાવાયું હતું. કોરોના વાઈરસ નિયંત્રણોના કારણે તેને ઈનહાઉસ કાઉન્સેલિંગ સવલતો મળતી નથી તેમજ પરિવાર સાથેનો સંપર્ક ઘણો મર્યાદિત છે. તેને જુલાઈમાં માત્ર ૨૫ મિનિટ જ કોટડીમાંથી બહાર રહેવા દેવાતો હતો. મોદીના કાઉન્સેલ મોન્ટેગોમેરીએ કહ્યું હતું કે તે ભારે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો છે. તેને યોગ્ય સારવાર નહિ મળે તે હોસ્પિટલમાં ખસેડવો પડે તેવી હાલત છે. ભારતની જેલોમાં મનોચિકિત્સાની મદદ તદ્દન અપૂરતી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.
જસ્ટિસ સેમ્યુઅલ ગૂઝીએ મે મહિનામાં પ્રત્યર્પણ ટ્રાયલની પ્રથમ સુનાવણી કરી ત્યારે ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ (સીપીએસ)એ મોદી સામે મની લોન્ડરિંગ અને છેતરપિંડીના કેસની પ્રાઈમા ફેસી કેસ સ્થાપિત કરવા માગ કરી હતી. ભારત સરકારે વધારાના પુરાવાઓ રજૂ કર્યા પછી આ કેસની આગામી સુનાવણીઓમાં દલીલો પૂરી કરવામાં આવશે તેમ મનાય છે. ત્રીજી નવેમ્બરે વધારાની સુનાવણીમાં જજ તેમની સમક્ષ મૂકાયેલા પુરાવાઓ તપાસશે. પહેલી ડિસેમ્બરે બંને પક્ષો દ્વારા આખરી નિવેદનો કરાશે. મોદીના પ્રત્યર્પણ અને મોદી ભારતીય કોર્ટોને જવાબદાર છે કે નહિ તેનો ચુકાદો પહેલી ડિસેમ્બર પછી જ આવશે.
પીએનબી સાથે ફ્રોડ આચરનારા નિરવ મોદીની ગયા વર્ષે માર્ચમાં લંડનમાં ધરપકડ થઈ હતી ત્યારથી તે લંડનની વોન્ડ્ઝવર્થ જેલમાં કેદ છે. નિરવ મોદી સામે તેની કંપનીઓ ડાયમંડ્સ આર યુ, સોલાર એક્સપોર્ટ્સ અને સ્ટેલર ડાયમંડ્સ મારફત પીએનબી દ્વારા ઓફર કરવામાં આવતી ક્રેડિટ ફેસિલિટીનો દુરુપયોગ કરી છેતરપિંડી કરવાનો આરોપ છે. નિરવ મોદીએ છેલ્લા એક વર્ષમાં જામીન મેળવવાના અનેક પ્રયાસ કર્યા છે પરંતુ, પ્રત્યેક વખતે તેની અરજી ફગાવી દેવાઈ છે.
કોર્ટ ભારતીય અધિકારીઓ દ્વારા વધારાની પ્રત્યર્પણ વિનંતીને પણ ધ્યાનમાં લેશે, જેને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ દ્વારા પ્રમાણિત કરાઈ છે. આ અરજીમાં મોદી દ્વારા પુરાવાઓ નષ્ટ અને ચેડાં કરવા, સાક્ષીઓને ધમકાવવા કે જાનથી મારી નાખવાની ધમકીના આરોપો પણ સામેલ કરવામાં આવ્યા છે.