લંડનઃ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે શુક્રવાર, ૯ ઓક્ટોબરે વીડિયો લિન્ક સુનાવણીમાં પંજાબ નેશનલ બેન્ક સાથે બે બિલિયન ડોલરની છેતરપિંડી તેમજ મનીલોન્ડરિંગ કેસના ૪૯ વર્ષીય આરોપી ભાગેડુ જ્વેલર અને હીરાના વેપારી નિરવ મોદીના રિમાન્ડ વધારી દીધા હતા. હવે ૩ નવેમ્બરે નિરવ મોદીના ભારતને પ્રત્યપર્ણના કેસની સુનાવણીમાં વીડિયો લિન્ક દ્વારા હાજર કરાશે. ગયા વર્ષે માર્ચમાં ધરપકડ કરાયેલા મોદીને હાલ દક્ષિણ-પશ્ચિમ લંડનની વોન્ડ્ઝવર્થ જેલમાં રખાયો છે.
ડિસ્ટ્રિક્ટ જજ કરીમ ઈજ્ઝતે જણાવ્યું હતું કે તેઓ આ સુનાવણીને અંશતઃ સાંભળવામાં આવેલા પ્રત્યર્પણ કેસની ૩ નવેમ્બરની સુનાવણી સુધી મુલતવી રાખે છે. હવેની સુનાવણીમાં ભારત દ્વારા મૂકાયેલા પુરાવાઓની સ્વીકાર્યતા સંદર્ભે દલીલો કરાશે. પ્રત્યર્પણ કેસની ઓછામાં ઓછી એક અને આખરી સુનાવણી ડિસેમ્બર મહિનામાં અથવા આગામી વર્ષની શરુઆતમાં થઈ શકે છે જેમાં, બંને પક્ષ અંતિમ દલીલો કરશે. આ પછી ચુકાદાની તારીખ જાહેર થઈ શકે છે.
ગત મહિને પાંચ દિવસની સુનાવણીમાં જસ્ટિસ સેમ્યુઅલ ગૂઝીએ ભારતીય એજન્સીઓ સીબીઆઈ અને ઈડી દ્વારા કરાયેલી પ્રત્યર્પણની માગણીની તરફેણ અને વિરોધમાં દલીલો સાંભળી હતી. ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસે ભારત સત્તાવાળા વતી રજૂઆતો કરી હતી. મોદીએ સીબીઆઈના કેસમાં સાક્ષીઓને ધાકધમકી તેમજ પૂરાવાઓ સાથે ચેડાં કરવાના વધારાના આરોપ બાબતે કોર્ટમાં વીડિયો દર્શાવ્યા હતા. ભારત સરકારે મોદીના પ્રત્યર્પણના સંજોગોમાં ભારતીય જેલોમાં આરોગ્ય સંભાળની પૂરતી વ્યવસ્થા હોવાની ખાતરી પણ આપી હતી.
બચાવપક્ષે નિરવ મોદીના ડિપ્રેશનના મુદ્દે જામીન મેળવવા અરજી કરી હતી. નિરવને લાગે છે કે ભારતમાં તેની ટ્રાયલમાં નિષ્પક્ષ સુનાવણી નહિ થાય. તેના વકીલોએ ભારતીય જેલોમાં અપૂરતી આરોગ્ય સંભાળનો મુદ્દો આગળ ધરી જણાવ્યું હતું કે ત્યાં રહેનારાઓને ‘આત્મહત્યાના જોખમ’નો સામનો કરવો પડે છે.