નિરવ મોદીના રિમાન્ડ ૨૫ જુલાઇ સુધી લંબાયા

નિરવ મોદી ૧૯ માર્ચથી વોન્ડ્સવર્થ જેલમાં બંધઃ આગામી કેસ મેનેજમેન્ટ સુનાવણીની તારીખ ૨૯ જુલાઈઃ નિરવ અને તેની બહેન પૂર્વી મોદીનાં ચાર સ્વિસ ખાતા સ્થગિત

Tuesday 02nd July 2019 09:08 EDT
 
 

લંડનઃ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના જજ જોનાથન રાડવેએ બે બિલિયન ડોલરના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં ભારતમાં વોન્ટેડ હીરાના ૪૮ વર્ષીય ઉદ્યોગપતિ નિરવ મોદીના રિમાન્ડ ૨૫ જુલાઇ સુધી વધાર્યા છે. પ્રત્યાર્પણ કાર્યવાહીમાં આગામી કેસ મેનેજમેન્ટ સુનાવણીની તારીખ ૨૯ જુલાઈ નિશ્ચિત થઈ હતી. ૧૯ માર્ચથી દક્ષિણ પશ્ચિમ લંડનની વોન્ડ્સવર્થ જેલમાં બંધ નિરવ મોદી વીડિયો લિન્કથી ટુંકી સુનાવણીમાં ગુરુવાર ૨૭ જૂને કોર્ટ સમક્ષ હાજર થયા હતા. દરમિયાન, નિરવ અને તેની બહેન પૂર્વી મોદીનાં ચાર સ્વિસ ખાતા સ્થગિત કરી દેવાયા છે. આ ખાતાઓમાં રુપિયા ૨૮૩.૧૬ કરોડની રકમ છે, જે પીએનબી કૌભાંડમાંથી આવી હોવાનો ઈડીનો દાવો છે.

આ મહિનાના આરંભે લંડનસ્થિત રોયલ કોર્ટ ઓફ જસ્ટિસે તેમની ચોથી જામીન અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ ઈન્ગ્રીડ સિમલરે ચુકાદામાં જણાવ્યું હતું કે અરજદાર નિરવ મોદી પાસે નોંધપાત્ર નાણાકીય સ્રોત સાથે ભાગી છૂટવાના માર્ગો હોવાથી તેઓ ફરી શરણે આવે તેવી નહિવત્ શક્યતા છે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટની ચિંતાને દોહરાવતા તેમણે કહ્યું હતું કે સાક્ષીઓની જુબાની સાથે હસ્તક્ષેપ અને પુરાવાઓમાં ચેડાં થઈ શકે તેવી સંભાવના હજુ છે.

બેરિસ્ટર જેસિકા જોન્સની આગેવાનીમાં મોદીની કાનૂની ટીમે ભારત સરકાર વતી ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસે સબમિટ કરેલા ૫૦૦૦ પાનાના દસ્તાવેજી સેટ અંગે કોર્ટનું ધ્યાન દોર્યું હતું. નિરવ મોદીને તે વાંચી કાનૂની ટીમને સૂચના આપવા ઈન્ટરનેટની સુવિધા વિનાનું લેપટોપ આપવાની વિનંતી કરી હતી. કોર્ટે યોગ્ય સુવિધા અપાય તેમ કહી શકે પરંતુ, વધુ સૂચના આપી ન શકાય તેમ કહ્યું હતું.

યુકેના કાયદા હેઠળ મોદીને દર ચાર સપ્તાહે કોર્ટ સમક્ષ રજૂ કરવાના રહે છે. હવેની તારીખ ૨૫ જુલાઈ છે. ભારત પાસે મોદી વિરુદ્ધ પ્રથમ દર્શનીય કેસ સ્પષ્ટ કરી પ્રાથમિક સ્થિતિ નિવેદન માટે ૧૧ જુલાઈ સુધીનો સમય છે. આગામી કેસ મેનેજમેન્ટ સુનાવણીની તારીખ ૨૯ જુલાઈ છે જ્યારે પ્રત્યાર્પણ કાર્યવાહી માટે સમયપત્રક જાહેર થવાની શક્યતા છે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ૩૦ મેએ પ્રથમ કેસ મેનેજમેન્ટ સુનાવણીમાં જજ એમ્મા આર્બુથ્નોટે નિરવ મોદીને ભારતની કઈ જેલમાં રાખવામાં આવશે તેની પૂછપરછ કરી હતી. ગુરુવારની રિમાન્ડ સુનાવણીમાં આ મુદ્દો ઉઠાવાયો ન હતો.

નિરવ અને તેની બહેન પૂર્વીના ચાર સ્વિસ ખાતા ફ્રીઝ

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા ૧૩,૦૦૦ કરોડથી વધુની છેતરપિંડી આચરી વિદેશ નાસી છૂટેલા ડાયમંડ મર્ચન્ટ નિરવ મોદીની મુશ્કેલીઓ વધી છે. સ્વિટ્ઝરલેન્ડની સરકારે ભારતની વિનંતી સ્વીકારી ગુરુવારે નિરવ મોદી અને તેની બહેન પૂર્વી મોદીના સ્વિસ બેન્કોમાંના ચાર ખાતા સ્થગિત કરી દીધાં છે. નિરવે પંજાબ નેશનલ બેન્કમાંથી રૂપિયા ૨૮૩ કરોડ સ્વિસ બેન્કોમાં ટ્રાન્સફર કર્યાનું પગેરું મળી આવતાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઈડી)એ સ્વિસ સરકારને ચાર મહિના પહેલાં નિરવના સ્વિસ ખાતાં સ્થગિત કરી દેવાની વિનંતી મોકલી હતી. સ્થગિત ખાતાંઓમાં નિરવ મોદી અને તેમની બહેનના ચાર ખાતાં છે, જેમાં જમા રકમ છેતરપિંડી આચરીને મેળવવામાં આવી હોવાનું સ્વિસ સરકારને જણાવાયું હતું. ઈડીના દાવા અનુસાર નિરવ મોદીએ નાણાં સ્વિસ બેન્કમાં સીધા જમા કરાવ્યા ન હતા. નાણા પહેલાં દુબઈ અને ત્યાંથી હોંગકોંગના બેન્ક ખાતાઓમાં જમા કરાયા પછી જ સ્વિસ બેન્કોમાં જમા કરાવાયા હતા.

સત્તાવાર સૂત્રો અનુસાર જેલમાં બંધ નિરવ મોદીએ પોતાના ખાતામાં ૩,૭૪,૧૧,૫૯૬ કરોડ ડોલર અને બહેન પૂર્વી મોદીના ખાતામાં ૨૭,૩૮,૧૩૬ પાઉન્ડ જમા કરાવ્યા હતાં. તેમના બંનેના ખાતામાં જમા કુલ રકમ ૨૮૩.૧૬ કરોડ રૂપિયા થાય છે. ઇડી હવે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ બેંક ખાતાઓને ટાંચમાં લેવાની પ્રક્રિયા આરંભશે. ઇડીએ દાખલ કરેલી ચાર્જશીટમાં નિરવ મોદી પર વિદેશમાં નિરવ અને પરિવારજનોના અંકુશ હેઠળની ડમી કંપનીઓને ૬૪૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો આરોપ મૂક્યો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter