નિરવ મોદીની કસ્ટડી લંબાવાઈ

Wednesday 08th January 2020 01:43 EST
 

લંડનઃ પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં બીજી જાન્યુઆરી ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરાયો હતો. તેની ન્યાયિક કસ્ટડી ૩૦ જાન્યુઆરી સુધી લંબાવાઈ છે. મોદી ૧૯ માર્ચ ૨૦૧૯થી લંડનની વોન્ડ્સવર્થ પ્રિઝનમાં છે. તેણે દર ૨૮ દિવસે કોર્ટ સમક્ષ હાજર થવાનું રહે છે. ઉલ્લેખનીય છે કે જામીન મેળવવાના તેના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.

પંજાબ નેશનલ બેન્કની સાથે ૧૩,૦૦૦ કરોડ રૂપિયા (અંદાજે બે બિલિયન ડોલર)ની લોન છેતરપિંડીના કેસમાં ભારતમાં વોન્ટેડ નિરવ મોદીના પ્રત્યાર્પણનો કેસ બ્રિટિશ કોર્ટમાં છે અને તેની સુનાવણી ૧૧મેથી શરૂ કરાશે. નિરવે નવેમ્બરમાં અદાલત સમક્ષ ધમકી આપી હતી કે તેને ભારત પ્રત્યાર્પણ કરાશે તો તે આત્મહત્યા કરી લેશે. તેના વકીલોએ તેમના ક્લાયન્ટ પર જેલમાં ત્રણ વખત હુમલો કરાયો હતો અને તે ભારે ડિપ્રેશનમાં હોવાની પણ દલીલ કરી હતી.

મુંબઇસ્થિત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ કોર્ટે પાંચ ડિસેમ્બરે નિરવને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કર્યો હોવાથી તેની સંપત્તિઓ જપ્ત કરી શકાશે. ઇડીએ નિરવની ૧૨૦૦-૧૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે, જે હવે પંજાબ નેશનલ બેન્કને સોંપી દેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter