નિરવ મોદીની જેલકસ્ટડી લંબાવાઈઃ પાંચ સપ્ટેમ્બરથી પ્રત્યર્પણ સુનાવણી

Tuesday 16th June 2020 02:43 EDT
 
 

 લંડનઃ વેસ્ટમિન્સ્ટર કોર્ટે હીરાના ભાગેડુ બિઝનેસમેન અને પંજાબ નેશનલ બેન્ક સાથે લગભગ બે અબજ ડોલર (રુપિયા ૧૫,૦૦૦ કરોડ)ની છેતરપિંડી આચરનારા નિરવ મોદીની  કસ્ટડી આગામી ૯ જુલાઈ સુધી લંબાવવા આદેશ આપ્યો છે. નિરવ મોદી લોન કૌભાંડ અને મનીલોન્ડરિંગના આરોપોમાં બ્રિટનથી ભારતને પ્રત્યર્પણ કેસનો સામનો કરી રહ્યા છે જેની સુનાવણી ૭ સપ્ટેમ્બરથી શરુ થવાની છે.

બેન્ક અધિકારીઓ સાથે સાંઠગાંઠથી ફ્રોડ અને મની લોન્ડરિંગના કેસમાં આરોપી નિરવ મોદી ગયા વર્ષના માર્ચમાં ધરપકડ કરાયા પછી મે મહિનાથી સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડ્ઝવર્થ જેલમાં કેદ છે. મોદીને દર ૨૮ દિવસની કાયદાકીય પ્રક્રિયા હેઠળ રિમાન્ડ સુનાવણી માટે વીડિયો લિંક દ્વારા કોર્ટમાં રજૂ કરાય છે. આ પ્રક્રિયા હેઠળ કોર્ટે તેની કસ્ટડી ૯ જુલાઈ સુધી લંબાવી હતી.

ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સેમ્યુઅલ ગુઝીએ નિરવ મોદીને કહ્યું હતું કે, ‘તમારી પ્રત્યર્પણ પ્રક્રિયા સંદર્ભે ૭ સપ્ટેમ્બરની આગામી તબક્કાની સુનાવણી પહેલા તમને આ પ્રકારે જ વીડિયો લિંક દ્વારા કોર્ટમાં રજૂ કરાશે.’ આ દરમિયાન, નિરવ મોદીએ કોર્ટ સમક્ષ પોતાનું નામ અને રાષ્ટ્રીયતા જાહેર કરી હતી અને સુનાવણી દરમિયાન તે કાગળ પર કંઈક લખતા જણાયા હતા. મેજિસ્ટ્રેટ ગુઝીએ ગયા મહિને કોરોના લોકડાઉન નિયંત્રણો હેઠળ પ્રત્યર્પણ પ્રક્રિયાના પ્રથમ તબક્કાની આંશિક સુનાવણી હાથ ધરી હતી. બીજા તબક્કાની પાંચ દિવસની સુનાવણી ૭ સપ્ટેમ્બરથી શરુ કરાશે. ૧૪ મેની પ્રથમ સુનાવણીના અંતે મેજિસ્ટ્રેટે કહ્યું હતું કે,‘ મિ. મોદી, આપણે સપ્ટેમ્બર સુધી પહોંચીએ ત્યાં સુધીમાં જેલમાંથી હેરફેર પરના લોકડાઉન નિયમો હળવા થાય અને પ્રક્રિયામાં તમે ખુદ કોર્ટમાં હાજર રહી શકો તેવી આશા રાખું છું.’

ગત સુનાવણીમાં ભારત સરકારે વધુ દસ્તાવેજો રજૂ કરવા સમય માગતા જજે પરવાનગી આપી સુનાવણીને મુલતવી રાખી હતી. નિરવ સામે પુરાવાઓમાં છેડછાડ કરવાનો તેમજ સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકીનો પણ આરોપ છે. મોદીના વકીલે ડાયમન્ડ મર્ચન્ટ મોદીને ભારતને ન સોંપવાની તરફેણમાં દલીલો કરી હતી કે મુંબઈની આર્થર રોડ જેલની સ્થિતિ અંગે ભારત સરકારે આપેલી ખાતરીઓ અપૂરતી છે. નિરવનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી અને જેલમાં તેની સારવાર કરવી મુશ્કેલ છે. મુંબઈની સૌથી જૂની અને સૌથી મોટી જેલનો ૧૨ નંબરનો બેરેક તેના માટે તૈયાર કરવામાં આવ્યો છે જેની માહિતી પણ કોર્ટને અપાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter