નિરવ મોદીની પાંચમી જામીન અરજી ફગાવાઈ

Wednesday 11th March 2020 05:13 EDT
 
 

લંડનઃ યુકેની હાઈ કોર્ટે ભારતના ભાગેડૂ નિરવ મોદીની જામીન અરજી પાંચમી વખત ફગાવી છે. છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસમાં ભારત સરકારે બ્રિટિશ સરકાર પાસે તેનું પ્રત્યાર્પણની મા્ગણી કરી છે. નિરવ મોદી ભારતમાં પ્રત્યાર્પણ સામે લડી રહ્યો છે. આથી જામીન પર છૂટવા વલખાં મારી રહ્યો છે.

૪૯ વર્ષનો નિરવ મોદી ભારતીય બેન્કો સાથે કરોડોનું કૌભાંડ આચરીને દેશ છોડીને ભાગી ગયા પછી તેને ગયા માર્ચમાં લંડનમાંથી પકડવામાં આવ્યો હતો અને મે મહિનામાં તેની સામે પ્રત્યાર્પણ કેસની કામગીરી હાથ ધરી હતી.

નિરવ મોદીએ આ અગાઉ ૩ વખત જામીન અરજી કરી હતી. જામીન પર છૂટવા માટે તેણે ૨૦ લાખ પાઉન્ડની સિક્યુરિટીના ઓફર પણ કરી હતી. આ પછી ચોથી વખત તેણે સિક્યુરિટીની રકમ બમણી કરીને ૪ મિલિયન પાઉન્ડ કરી હતી. તે દેશ છોડીને ભાગી જશે તેવી ભીતિને પગલે તેની તમામ જામીન અરજીઓ ફગાવવામાં આવી હતી.

ગયા માર્ચમાં તેની ધરપકડ કરાયા પછી તેને લંડનની વોન્ડ્સવર્થ જેલમાં કેદ કરવામાં આવ્યો છે. પાંચમી અરજીમાં નીરવ મોદીએ એકદમ કડક જામીનની શરતોનું પાલન કરવા તૈયારી દર્શાવી હતી. જેમાં નજરકેદ અને ૨૪ કલાક તેની પર સતત દેખરેખ રાખવાનો સમાવેશ થાય છે. જો કે ઇંગ્લેન્ડ અને વેલ્સની કોર્ટે તેની આ અરજી ફગાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter