નિરવ મોદીની પાંચમી જામીન અરજી રદ

Wednesday 13th November 2019 02:18 EST
 
 

લંડનઃ ભારતના સૌથી મોટા ગણાયેલા ૧૩,૫૦૦ કરોડ રુપિયાના પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ અને મનીલોન્ડરિંગના આરોપી અને હીરાના વેપારી નિરવ મોદીની પાંચમી જામીન અરજી લંડનની કોર્ટે બુધવાર છઠ્ઠી નવેમ્બરે ફગાવી દીધી છે. આગામી મે મહિનામાં તેની પ્રત્યાર્પણ ટ્રાયલ ચાલવાની છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટમિન્સ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા જામીન નહિ અપાયા પછી લગભગ ૭ મહિનાથી લંડનની વાન્ડ્સવર્થ જેલમાં રહેલા નિરવ મોદીએ કહ્યું હતું કે તેના માટે ભારતને પ્રત્યાર્પણ કરવા આદેશ અપાશે તો તે આત્મહત્યા કરી લેશે.

મીડિયાના અહેવાલો મુજબ નિરવે જેલમાં તેના પર ત્રણ વખત હુમલો થયો હોવાની વાત પણ કહી છે. ભારત સરકાર વતી રજૂઆત કરતા ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસિસ (CPS)ના વકીલ જેમ્સ લેવિસે કહ્યું હતું કે નિરવના નિવેદનથી તેની ભાગી જવાની ઈચ્છા પ્રગટ થાય છે. મોદીએ ૨૦ લાખ પાઉન્ડના જાતજામીનની રકમ વધારી ૪૦ લાખ પાઉન્ડ કરવાની રજૂઆત કરી હતી. જોકે, ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથ્નોટે સિક્યુરિટીની રકમ વધારવાથી આરોપી મોદી નાસી નહિ જાય તેની કોઈ ગેરન્ટી નથી કારણકે કોઈના પર સતત ૨૪ કલાક નજર રાખવી અશક્ય છે તેમ જણાવી જામીન અરજી નકારી કાઢી હતી. આગામી સુનાવણી ચોથી ડિસેમ્બરે યોજાશે.

બ્લુ સ્વેટરમાં સજ્જ અને ક્લીન શેવ્ડ નિરવ મોદી અગાઉ કરતાં વધુ તંદુરસ્ત જણાયો હતો. તેણે લંડનની હાઈ કોર્ટમાં ૩૦મી ઓક્ટોબરે ચોથી વખત જામીન માટે અરજી દાખલ કરી હતી. બેચેની અને ડિપ્રેશનની સ્થિતિ હોવાના દાવા સાથેની અરજી યુકે હાઈ કોર્ટે પણ નકારી હતી. અગાઉ તેની કાનૂની ટીમે નિરવને ઈલેક્ટ્રોનિક ટેગ તેમજ અન્ય નિયંત્રણો સાથે લંડનના વેસ્ટ એન્ડમાં આવેલા વૈભવી સેન્ટરપોઈન્ટ એપાર્ટમેન્ટમાં નજરકેદ રાખવાની ઓફર કરી હતી જેને પણ કોર્ટે ફગાવી દીધી હતી. ભારતની અપીલને આધારે પ્રત્યાર્પણ વોરન્ટના પગલે પોલીસ દ્વારા લંડનના હોલ્બોર્ન વિસ્તારમાંથી ૧૯ માર્ચે નિરવ મોદીની ધરપકડ કરાયા પછી તેને વોન્ડ્સવર્થ જેલમાં રખાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter