નિરવ મોદીનું પ્રત્યર્પણઃ ૨૫ ફેબ્રુઆરીએ ફેંસલો

Tuesday 12th January 2021 13:59 EST
 
 

લંડનઃ પંજાબ નેશનલ બેંકના ૧૩,૦૦૦ કરોડ રૂપિયા (૨ બિલિયન ડોલર)ની છેતરપિંડી, મનીલોન્ડરિંગ અને ફ્રોડના કેસમાં વોન્ટેડ હીરાના બિઝનેસમેન નિરવ મોદીનું બ્રિટનમાંથી ભારતમાં પ્રત્યર્પણ થશે કે નહિ તે અંગે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ ૨૫ ફેબ્રુઆરીએ ચુકાદો આપશે. લંડનમાં ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગોઝે આ માહિતી આપી હતી. લંડનની કોર્ટમાં ભારતીય એજન્સીઓ વતી કેસ લડતી ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે (સીપીએસ) જજને જણાવ્યું હતું કે નિરવ મોદી પોન્ઝી સ્કીમ જેવી યોજના શરૂ કરવા તરફ આગળ વધી રહ્યો હતો.

યુકેની કોર્ટમાં ૮ જાન્યુઆરીએ સુનાવણી પૂર્ણ કરાઈ હતી. કોર્ટને જણાવાયું હતું કે નિરવ મોદીએ તેની ત્રણ પેઢીઓ ડાયમન્ડ્સ આર અસ, સોલાર એક્સપોર્ટ્સ અને સ્ટેલર ડાયમન્ડ્સનો ઉપયોગ કરી પંજાબ નેશનલ બેન્ક સાથે છેતરપિંડી આચરી હતી. મોદીએ સાક્ષીઓને તેના વિરુદ્ધ જુબાની આપવા મુદ્દે મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.

નિરવ મોદીના કાઉન્સેલ ક્લેર મોન્ટેગોમેરીએ જણાવ્યું હતું કે મોદીની માનસિક હાલત સામે કામ પાર પાડવા મુંબઈની આર્થર રોડ જેલમાં કોઈ વ્યવસ્થા નથી. આથી તે આપઘાત કરે તેનું જોખમ વધી જાય છે. ઉત્તરમાં ભારતીય સત્તાવાળાએ જણાવ્યું હતું કે આર્થર રોડ જેલમાં આરોગ્ય સંબંધિત કોઈ પણ સમસ્યા હલ કરવાની ક્ષમતા ધરાવે છે અને ત્રણ હોસ્પિટલો નજીકમાં જ છે. જેલની ૧૨ નંબરની બેરેક નિરવ મોદી માટે તૈયાર રખાઈ છે. મોન્ટેગોમેરીએ જણાવ્યું હતું કે,‘ અસાન્જે (વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાન્જે) કેસની માફક જ– મોદીની માનસિક હાલત અને ભારતમાં જેલની વ્યવસ્થાઓના સંદર્ભમાં તેને મળી શકતી સારવાર - મુદ્દાઓ દેખીતી રીતે સ્પષ્ટ છે.’

ઉલ્લેખનીય છે કે ૧૯ માર્ચ, ૨૦૧૯ના રોજ નિરવ મોદીની લંડનમાં ધરપકડ કરાયા પછી હાલ વોન્ડ્ઝવર્થ જેલમાં રખાયેલા નિરવ મોદીને દર ૨૮ દિવસે વીડિયોલિંકથી કોર્ટમાં હાજર કરવામાં આવે છે. હવે પાંચ ફેબ્રુઆરીએ તેને જજ સમક્ષ રજૂ કરાશે. કરોડો રૂપિયાનું પીએનબી કૌભાંડ બહાર આવે તે પહેલા જ નિરવ મોદી ભારત છોડીને જતો રહ્યો હતો. કૌભાંડ સપાટી પર આવ્યા પછી અને લંડનમાં હોવાની જાણ થયા પછી ભારત સરકાર નિરવ મોદીને ભારત લાવવાના સતત પ્રયત્નો કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter