નિરવ મોદીને ભારતમાં ન્યાય નહિ મળેઃ પૂર્વ જસ્ટિસ કાટ્જુની વિવાદાસ્પદ જુબાની

Tuesday 15th September 2020 13:50 EDT
 
 

લંડનઃ પંજાબ નેશનલ બેંકના ૧૪,૦૦૦ કરોડના કૌભાંડમાં ફરાર હીરા-જ્વેલરી બિઝનેસમેન નિરવ મોદીનું ભારતને પ્રત્યર્પણ કરવામાં આવશે તો તેને નિષ્પક્ષ ન્યાય નહિ મળે તેવી જુબાની આપીને ભારતની સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ માર્કન્ડેય કાટ્જુએ નવો વિવાદ ખડો કર્યો છે. વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં નિરવ મોદી પ્રત્યર્પણ કેસમાં પાંચ દિવસની સુનાવણીનો આરંભ ૭ સપ્ટેમ્બરથી થયો હતો. આ તબક્કે નિરવ મોદી સામે ભારતમાં ટ્રાયલ માટે પ્રથમ દર્શનીય કેસ બને છે કે નહિ તેનો નિર્ણય લેવાવાનો છે.

સુનાવણીના છેલ્લા દિવસ ૧૧ સપ્ટેમ્બર શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણીમાં બચાવપક્ષ તરફથી હાજર રહેલા પૂર્વ જસ્ટિસ માર્કન્ડેય કાટ્જુએ તેઓ જેનો હિસ્સો રહી ચૂક્યા છે તેવા ભારતના ન્યાયતંત્ર સામે જ આંગળી ઉઠાવી હતી. તેમણે ન્યાયમૂર્તિ સેમ્યુઅલ ગૂઝી સમક્ષ નવી દિલ્હીથી ૧૩૦ મિનિટની વીડિયો જુબાનીમાં કહ્યું હતું કે ‘ભારતમાં ન્યાયિક વ્યવસ્થા ધ્વસ્ત થઈ ગયેલી છે તેમજ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) જેવી તપાસ એજન્સીઓ રાજકીય નેતાઓના ઈશારે કામ કરી રહી છે.’ તેમણે સુપ્રીમ કોર્ટે ૨૦૧૩માં સીબીઆઈને ‘પાંજરે પુરાયેલા પોપટ’ સાથે સરખાવ્યાની પણ યાદ અપાવી હતી.

જસ્ટિસ કાટ્જુએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ સીબીઆઈ અને ઈડી દ્વારા નિરવ મોદી સામે મૂકાયેલા નાણાકીય અપરાધોના આરોપો બાબતે કશું કહી શકે તેમ નથી કારણકે તેઓ વિગતોથી માહિતગાર નથી. આમ છતાં, તેમણે વર્તમાન સંજોગોમાં નિરવને નિષ્પક્ષ ટ્રાયલ નહિ મળે તેનું પુનરાવર્તન કર્યું હતું. જસ્ટિસ કાટ્જુએ પોતાની દલીલોના સમર્થનમાં ૨૦૧૯માં પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાની બેન્ચના અયોધ્યા ચુકાદા સહિત અને કેસ અને મુદ્દા ઉપરાંત, નિવૃત્તિ પછી જજીસની નિયુક્તિઓ, મીડિયા ટ્રાયલ અને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના મુદ્દા પણ રજૂ કર્યા હતા. પૂર્વ ચીફ જસ્ટિસ ગોગોઈને રાજ્યસભામાં સ્થાન અપાયું છે. ભારતના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સમાં નિરવ મોદીનો ‘અપરાધી’ તરીકે ઉલ્લેખ કર્યા બાબતે જસ્ટિસ કાટ્જુએ કહ્યું હતું કે ભારત સરકારે નિરવ મોદી અપરાધી હોવાનું નિશ્ચિત કરી લીધું છે. કાયદાપ્રધાન આમ કહે ત્યારે નિષ્પક્ષ ટ્રાયલની આશા કેવી રીતે રાખી શકાય તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો.

કાટ્જુએ ભારત અને નાઝી શાસન હેઠળના જર્મની વચ્ચે સરખામણી પણ કરી હતી. નાઝી જર્મનીમાં યહુદીઓ પર દોષારોપણ કરાતું હતું તેમ દેશની આર્થિક સમસ્યાઓ માટે દોષિત ઠરાવવા ‘વર્તમાન સરકારને  અન્ય મુદ્દાઓ તરફથી પ્રજાનું ધ્યાન અન્યત્ર વાળવા બલિનો બકરો જોઈએ છે અને તેમને નિરવ મળી ગયો છે. બધા મિનિસ્ટર્સે મોદીને અપરાધી જાહેર કરી દીધો છે અને કોર્ટ્સ પણ તેમનું જ કહ્યું કરશે. મને ખાતરી છે કે તેને ભારતમાં વાજબી ટ્રાયલ નહિ મળે. કોઈ વકીલ તેનો કેસ હાથમાં નહિ લે’

જસ્ટિસ કાટ્જુ ઉલટતપાસમાં ઉશ્કેરાયા

ભારત વતી હાજર રહેલાં બેરિસ્ટર હેલન માલ્કોમે જસ્ટિસ કાટ્જુને ભારતમાં તેમના કોર્ટ એપીયરન્સ બાબતે ગુરુવારે ભારતીય મીડિયાને સંબોધન કરવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. હાઈ પ્રોફાઈલ કેસ બાબતે સ્વપ્રચાર કરવાની આતુરતા સાથે તેને કોઈ સંબંધ ખરો કે કેમ તે પૂછ્યું હતું. માલ્કોમે ‘અકુદરતી’ સજાતીય સંબંધો, સિંગલ મહિલાને માનસિક સમસ્યાઓ નડે છે અને ‘૯૦ ટકા ભારતીયો મૂર્ખ છે’ સહિત કાટ્જુની ભૂતકાળમાં પ્રસિદ્ધ ટીપ્પણીઓ પણ વાંચી સંભળાવી હતી. એક સમયે ઉશ્કેરાયેલા કાટ્જુએ કહ્યું હતું હતું કે,‘હું ઈંગ્લિશ સાહિત્ય વિશે તમારા કરતા વધુ જાણું છું.’ આ તબક્કે માલ્કોમે કહ્યું હતું કે,‘હું અવિવેક દાખવવા ઈચ્છતી નથી પરંતુ, એ શક્ય છે કે તમે આવા હાઈ પ્રોફાઈલ કેસમાં માધ્યમો સુધી પહોંચવા કોઈ પણ અવિચારી ટીપ્પણી કરે તેવા સેલ્ફ-પબ્લિસિસ્ટ છો. તમારા પુરાવાઓના ઉપયોગ બાબતે નિર્ણય કરવાનું અન્યોને હસ્તક છે.’ કાટ્જુએ જણાવ્યું હતું કે તેઓ અંગત મિથ્યાભિમાન અથવા બડાશથી પ્રેરિત હોવાના માલ્કમના આક્ષેપો યોગ્ય નથી.

નિવૃત્તિ પછીની નિમણૂકો લાલચ હોવાના અને તેનાથી જજીસમાં ભ્રષ્ટાચાર ફેલાયાના કાટ્જુના ભારપૂર્વકના નિવેદન મુદ્દે બેરિસ્ટર માલ્કોમે કાટ્જુની નિવૃત્તિ પછી પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેનપદે નિયુક્તિ અંગે પ્રશ્ન કર્યો હતો. કાટ્જુએ તેમની નિમણૂક સરકારી નિયુક્તિ ન હોવાનું કહ્યું હતું. માલ્કોમે વળતો પ્રહાર કર્યો હતો કે,‘ તો, લોઅર-હાઉસના સ્પીકર, ઉપલા ગૃહના ચેરમેન (ભારતના ઉપરાષ્ટ્રપતિ) અને પ્રેસ કાઉન્સિલના સભ્યની બનેલી ત્રણ સભ્યોની એપોઈન્ટમેન્ટ કમિટી સંપૂર્ણપણે બીનરાજકીય છે અને તેને સરકાર સાથે કશું લાગતુંવળગતું નથી.’

નિરવ મોદી માટે આર્થર રોડ જેલ યોગ્ય

ભારત તરફથી રજૂઆત કરી રહેલા ક્રાઉન પ્રોસિક્યુશન  દ્વારા કોર્ટને જણાવાયું હતું કે ભારતીય બેન્કો સાથે ફ્રોડ આચરી વિદેશ ભાગી ગયેલા હીરાના વેપારી નિરવ મોદીને રાખવા મુંબઇની આર્થર રોડ જેલની બરાક નંબર ૧૨ યોગ્ય રહેશે. નિરવ કોઇ પણ ભોગે પોતાને ભારતને સોંપવામાં ન આવે એ માટે મરણિયા પ્રયાસો કરી રહ્યો છે અને પ્રત્યર્પણથી બચવા નાટક કરી રહ્યો હોવાની છાપ પડતી હતી. મોદીના વકીલે  ક્લેર મોન્ટેગોમેરીએ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે નિરવની માનસિક હાલત બરાબર નથી. તે ભારે ડિપ્રેશનમાં છે અને આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યો છે. તેને જેલમાં એકલો રાખવામાં આવે તો તેની માનસિક સ્થિતિ વધુ વણસી શકે છે.

તેમણે કોર્ટને એમ પણ જણાવ્યું હતું કે અત્યારે દુનિયાભરમાં કોરોનાનો ચેપ પ્રસર્યો છે ત્યારે નિરવને પૂરતી સગવડો વિનાની આર્થર રોડ જેલમાં  રખાય તો તેની જિંદગી પર ગંભીર જોખમ સર્જાઇ શકે છે. ગયા વર્ષના સપ્ટેમ્બરથી આ વર્ષે ઓગષ્ટ સુધીના ગાળામાં નિરવની માનસિક સ્થિતિનો ચાર વખત અભ્યાસ કરી ચૂકેલા વરિષ્ઠ ફોરેન્સિક સાઇકિયાટ્રીસ્ટ ડોક્ટર એન્ડ્રયુ ફોસ્ટરે કોર્ટને કહ્યું હતું કે નિરવની માનસિક સ્થિતિ બગડે તો એ આત્મહત્યા કરવા સુધી જઇ શકે છે.

આ કેસમાં આગામી સુનાવણી ત્રીજી નવેમ્બરે યોજાશે અને આખરી નિવેદનો પહેલી ડિસેમ્બરની સુનાવણીમાં રજૂ કરાશે. નિરવ મોદીના પ્રત્યર્પણ અંગે ચુકાદો ડિસેમ્બર અથવા આગામી વર્ષે આવી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter