નિરવ મોદીને માનસિક સ્વાસ્થ્ય મુદ્દે અપીલની રાહતઃ ભારતને પ્રત્યર્પણ કેસમાં ફટકો

Wednesday 11th August 2021 05:27 EDT
 
 

લંડનઃ પંજાબ નેશનલ બેન્ક (PNB) સાથે આશરે ૨ બિલિયન ડોલરની છેતરપિંડી અને મનીલોન્ડરિંગ કેસમાં સંડોવાયેલા ભાગેડુ ડાયમંડ મર્ચન્ટ નિરવ મોદીનાં પ્રત્યર્પણના મામલે ભારતને ૯ ઓગસ્ટ, સોમવારે મોટો ફટકો પડયો છે. લંડન હાઈ કોર્ટે નિરવ મોદીને ભારતને પ્રત્યર્પણના આદેશ સામે અપીલ કરવાની મંજૂરી આપી છે. નિરવના ભારે હતાશાના કારણે માનસિક સ્વાસ્થ્ય અને આત્મઘાતી માનસિકતાની દલીલને હાઇ કોર્ટના જસ્ટિસ માર્ટિન ચેમ્બરલેઈને સ્વીકારી હતી અને તેના આધારે ભારતમાં પ્રત્યર્પણ સામે અપીલ કરવાની મંજૂરી આપી હતી. મોદીના વકીલોની મુખ્ય દલીલ એ રહી હતી કે નિરવ માનસિક રીતે અસ્વસ્થ હેવાથી મુંબઈની આર્થર રોડ જેલમાં તેની આત્મહત્યાની આશંકા વધી જશે.

જસ્ટિસ માર્ટિન ચેમ્બરલેઈને કોવિડ-૧૯ નિયંત્રણો હેઠળ પોતાના વર્ચ્યુઅલ ચુકાદામાં જણાવ્યું હતું કે નિરવ મોદીના વકીલો દ્વારા તેના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યાની આશંકાના સંદર્ભે દર્શાવાયેલી ચિંતા સુનાવણીમાં ચર્ચા-દલીલો માટે યોગ્ય મુદ્દો છે. મુંબઈની આર્થર રોડ જેલમાં આત્મહત્યાના પ્રયાસોને સફળતાપૂર્વક રોકવાના પૂરતાં પગલાંની ક્ષમતા પણ આ સુનાવણીમાં આવરી લેવાશે. જસ્ટિસે જણાવ્યું હતું કે મારી સામે એક પ્રશ્ન છે કે શું આ આધારો સંદર્ભે અરજદારનો કેસ તાર્કિક  દલીલોને યોગ્ય છે કે કેમ અને હું તેમ માનું છું. હું આધાર ૩ અને ૪ સંદર્ભે અપીલ કરવાની પરવાનગી આપું છું. આ સિવાય અપીલના અન્ય તમામ મુદ્દા નકારી કઢાયા હતા. ઉલ્લેખનીય છે કે આધાર ૩ અને ૪ યુરોપિયન કન્વેન્શન ઓફ હ્યુમન રાઈટ્સ (ECHR)ના આર્ટિકલ ૩ અથવા જીવવા, આઝાદી અને સલામતીના અધિકાર સંબંધિત છે તેમજ યુકેના ક્રિમિનલ જસ્ટિસ એક્ટ ૨૦૦૩ના સેક્શન ૯૧ અન્વયે સ્વાસ્થ્યની યોગ્યતા સંબંધિત અપીલના છે.

જજે નોંધ્યું હતું કે ‘આ કેસમાં બંને ભૂમિકા-આધાર પર કરાયેલી દલીલો મુખ્યત્વે અરજદાર નિરવ મોદીની માનસિક અસ્વસ્થતા પર આધાર રાખે છે. આ મુદ્દાઓના આધારે દલીલો કરવાને હું અટકાવીશ નહિ. જોકે, મને લાગે છે કે અરજદાર (નિરવ મોદી) ના ભારે ડિપ્રેશન, આત્મહત્યાના ભારે જોખમ તેમજ આર્થ રોડ જેલમાં આત્મહત્યાના પ્રયાસોને સફળતાપૂર્વક અટકાવવાની ક્ષમતા સાથેના પૂરતાં પગલાંને ધ્યાનમાં લઈને અગાઉના જજ તેમણે આપેલા ચુકાદામાં ખોટા હતા કે કેમ તેના પર ખાસ ફોકસ કરાવું જોઈએ.’

ડો. એન્ડ્રયુ ફોરેસ્ટરના રિપોર્ટનો ઉલ્લેખ

નિરવ મોદીના વકીલોએ ફોરેન્સિક મનોચિકિત્સક ડો. એન્ડ્રયુ ફોરેસ્ટરના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો હતો. ડો. ફોરેસ્ટરે ૨૭ ઓગસ્ટ, ૨૦૨૦ના રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું હતું કે નિરવ મોદીને તાત્કાલિક તો નહિ પરંતુ, આગળ જતા આત્મહત્યાનું જોખમ વધી જવાની શક્યતા રહે છે. વકીલોએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ મહામારીના કારણે હેલ્થ સિસ્ટમને ભારે અસર પહોંચી છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ દ્વારા નિરવ મોદીના પ્રત્યાર્પણ આદેશ પર કરાયેલા હસ્તાક્ષર મુદ્દે વકીલોએ દલીલ કરી હતી કે તેમણે ભારત સરકારની ખાતરી કે આશ્વાસન પર વિશ્વાસ કરવો જોઈએ નહિ.

કૌભાંડી અને ભાગેડુ નિરવ મોદીને ભારતીય એજન્સીઓની અરજીના આધારે બ્રિટિશ કોર્ટે તેનું ભારતમાં પ્રત્યાર્પણ કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશ ઉપર બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલે એપ્રિલ મહિનામાં હસ્તાક્ષર પણ કરી દીધા હતા. નિરવ મોદીએ આ આદેશને હાઇકોર્ટમાં પડકારવા માટે યુકેની હાઈકોર્ટમાં અરજી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાયદાકીય પ્રક્રિયાના કારણે ૧૯ માર્ચ ૨૦૧૯માં ધરપકડ પછી સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડ્ઝવર્થ જેલમાં કેદ નિરવ મોદીને ભારત જવામાંથી બચવા માટે વધુ થોડા મહિનાનો સમય મળી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter