નિરવ મોદીને વધુ એક ફટકોઃ બહેન અને બનેવી પંજાબ બેન્ક કૌભાંડમાં તાજના સાક્ષી

Wednesday 20th January 2021 09:28 EST
 
 

લંડન, મુંબઈઃ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે રૂ. ૧૩,૫૦૦ કરોડની છેતરપિંડીના કેસમાં મુખ્ય આરોપી અને હીરાના ભાગેડુ વેપારી નિરવ મોદીની નાની બહેન પૂર્વી મહેતા (બેલ્જિયન નાગરિકત્વ) અને તેમના પતિ મયંક મહેતા (બ્રિટિશ નાગરિકત્વ) તાજના સાક્ષી બની ગયાં છે. ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અનુસાર નિરવે તેની બહેન પૂર્વી મારફત આશરે રૂ. ૧૨૦૧.૧૮ કરોડ અન્યત્ર વાળ્યા હતા અને પૂર્વી મની લોન્ડરિંગમાં સક્રિય રીતે સહભાગી થઈ હતી.

મહેતા દંપતી નિરવ મોદીના કારણે થયેલી બદનામી અને નુકસાનીથી ત્રાસી ગયા હોવાનું કહેવાય છે. મહેતા દંપતીએ નવેમ્બરમાં તેમના વકીલ થકી મુંબઈમાં વિશેષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટમાં માફી માટે અરજી કરી મોદી સામે કેસમાં તાજના સાક્ષી બનાવવાની વિનંતી કરી હતી. સીબીઆઈ કોર્ટના વિશેષ જજ વી સી બર્ડેએ અરજી સ્વીકારી દંપતી કોર્ટ સમક્ષ નિવેદન નોંધાવી શકે તે માટે તેમના ભારત આગમનનો માર્ગ મોકળો કરવા તપાસકારી સંસ્થાને નિર્દેશ આપ્યા છે.

મહેતા દંપતીએ એક અલગ અરજીમાં માફી માગી જણાવ્યું છે કે તેઓ મુખ્ય આરોપી નથી અને નિરવ સામે કેસમાં તેમની ભૂમિકા ખૂબ જ મર્યાદિત હતી. તેમણે વધુમાં જણાવ્યું છે કે નિરવ સાથે નિકટવર્તી સંબંધના લીધે તેઓ નિરવ અને તેના કાર્યો અને લેણદેણ વિશે પૂરતા અને મહત્ત્વપૂર્ણ પુરાવા, માહિતી, સાબિતીઓ અને સુસંગત દસ્તાવેજો કોર્ટને આપી શકે એમ છે.

ઈડીનો દાવો છે કે પૂર્વી દુબઈ અને હોંગ કોંગસ્થિત કંપનીઓમાં ડાયરેક્ટર છે અને તેણે છેતરપિંડીના માધ્યમ થકી નિરવ દ્વારા મેળવવામાં આવેલું ભંડોળ પ્રાપ્ત કર્યું છે. પૂર્વીએ આ લેણદેણ વિશે પોતે અજાણ હોવાની દલીલ કરી છે. નિયુક્ત કોર્ટમાં ઈડી દ્વારા નિરવની મિલકતોની જપ્તી માટે અરજીની સુનાવણીમાં પૂર્વીએ જવાબમાં દાવો કર્યો છે કે કથિત ગુનાની પ્રાપ્તિઓ સાથે તેને કોઈ લેવાદેવા નથી.

ઈડીએ પણ જણાવ્યું છે કે આ ઘટનાના સૂત્રધારને સજા કરાવવા, દેશવિદેશમાં તેની ગુનાની સંપત્તિ ઓળખીને ટાંચ મારવા અને આ સંપત્તિ ભારતમાં લાવવા માટે તાજના સાક્ષી તરીકે અરજદારો મદદરૂપ થઈ શકે છે. પૂર્વી અને મયંક મહેતાએ નિરવ મોદીના ન્યૂ યોર્કના બે ફ્લેટ (૨૨૦ કરોડ), લંડનમાં ૧ ફ્લેટ (૬૨ કરોડ) અને મુંબઈના ૧ ફ્લેટ (૧૯.૫ કરોડ), બે સ્વિસ બેન્ક એકાઉન્ટ (૨૭૦ કરોડ) અને મુંબઈના એક બેન્ક એકાઉન્ટ (૧.૯૨ કરોડ) સહિત ૫૭૯ કરોડ રુપિયાની સંપત્તિ જપ્ત કરવામાં મદદ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter