નિરવ મોદીનો નવો દાવઃ આર્થર રોડની જેલમાં કોરોનાનો ચેપ લાગી જવાનો ભય

Tuesday 27th July 2021 15:46 EDT
 
 

લંડનઃ ભારતની પંજાબ નેશનલ બેન્ક (PNB)ના બે બિલિયન ડોલર (આશરે રુપિયા ૧૩,૫૦૦ કરોડ)ના છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ નિરવ મોદીએ ભારતને પ્રત્યર્પણ થતું અટકાવવા મુંબઈની આર્થર રોડ જેલમાં કોવિડ-૧૯નો ચેપ લાગવાનો ડર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત, તે આત્મહત્યા કરી લેશે તેવી દહેશત પણ તેના વકીલોએ દર્શાવી છે. જસ્ટિસ માર્ટિન ચેમ્બરલેઇન થોડા સપ્તાહમાં ચુકાદો આપી શકે છે. જો આ અપીલ પણ નિષ્ફળ જાય તો પણ નિરવ મોદી પાસે હજુ ઘણા કાનૂની વિકલ્પો રહેલા છે.

માર્ચ ૨૦૧૯માં ધરપકડ પછી સાઉથ વેસ્ટ લંડનની વોન્ડ્સવર્થ જેલમાં રખાયેલા નિરવ મોદીના વકીલોએ ૨૧ જુલાઈ, બુધવારે લંડન હાઇકોર્ટમાં મૌખિક અપીલની સુનાવણીમાં એવી દલીલો કરી હતી કે મોદીની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખતા પ્રત્યર્પણ તેના માટે જોખમી સાબિત થઈ શકે છે. જસ્ટિસ માર્ટિન ચેમ્બરલેઇન સમક્ષ રીન્યુઅલ અરજીની સુનાવણીમાં વકીલોએ એમ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે આ સંજોગો તેને આત્મહત્યા તરફ દોરી જઈ શકે છે. નિરવના બેરિસ્ટર એડવર્ડ ફિટ્ઝરેલ્ડે દલીલ કરી હતી કે ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગૂઝીએ ફેબ્રુઆરીમાં પ્રત્યર્પણના આદેશમાં મોદીને આત્મહત્યા તરફ દોરી જઈ શકે તેવા માનસિક તણાવની સ્થિતિને ધ્યાનમાં લીધી જ નથી. જજે અરજદારની માનસિક સ્થિતિમાં કશું કહેવાપણુ નથી અને ભારત પરત ફરવા સાથે અરજદારની સ્થિતિ સુધરશે તેવા ખોટાં તારણો દર્શાવ્યા છે.

નિરવ મોદીના વકીલો ફોરેન્સિક સાઇકિયાટ્રિસ્ટ ડો. એન્ડ્ર્યુ ફોરેસ્ટરના અભિપ્રાયો પર આધાર રાખે છે. ડો. ફોરેસ્ટરે અગાઉ, લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં ૨૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ રિપોર્ટ આપતા નિરવ તાત્કાલિક નહિ પરંતુ, ગમે ત્યારે આત્મહત્યા કરી લે તેવી સંભાવના વધારે હોવાનો અભિપ્રાય દર્શાવ્યો હતો. વકીલોએ આ ઉપરાંત હવે કોવિડ-૧૯નું કારણ પણ દર્શાવ્યું છે, જેના લીધે તેના આરોગ્ય પર વિપરીત અસર પડી શકે છે. એક સમયના બિલિયોનેર ડાયમન્ડ-જ્વેલરી બિઝનેસમેન મોદીએ ભારતમાં તેની સામે યોગ્ય કાનૂની કાર્યવાહી નહિ થાય તેવી દલીલો પણ કરી છે.

ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગૂઝીના ચુકાદાના પગલે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે નિરવ મોદીના પ્રત્યર્પણ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. નિરવ મોદીએ જજના ચુકાદા અને હોમ સેક્રેટરીના આદેશને પડકારવાની મંજૂરી માગતી અરજીને પરવાનગી આપવા બાબતે મૌખિક સુનાવણી ચાલી રહી છે. હોમ સેક્રેટરીના આદેશ બાબતે મોદીના વકીલ ફિટ્ઝિરાલ્ડે દલીલ કરી હતી કે નિરવ મોદીને ભારત મોકલવાથી તેની આત્મઘાતી લાગણીઓ વકરશે, તેને અપૂરતી આરોગ્યસંભાળ ધરાવતી ભારતીય જેલમાં રખાશે, જ્યાં કોવિડ-૧૯નો ખતરો વધુ હોઈ શકે છે. ભારતની જેલની સ્થિતિ વિશે અમને કશી જાણકારી નથી. હોમ સેક્રેટરીએ ભારત સરકારની ખાતરીઓ પર આધાર રાખવો જોઈએ નહિ.

ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલી ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ (CPS)ના વકીલોએ દલીલો કરી છે કે નિરવ મોદીને અગાઉના ચુકાદાઓ વિરુદ્ધ અરજી કરવા દેવાને કોઈ કારણ નથી અને પરવાનગી માગતી આ અરજી ફગાવી દેવી જોઈએ. નિરવ મોદી વિરુદ્ધ છેતરપિંડીથી પંજાબ નેશનલ બેન્કના લેટર ઓફ અંડરટેકિંગ (LOU) મેળવી કૌભાંડ આચરવાનો અને છેતરપિંડીના નાણાના મની લોન્ડરિંગનો કેસ સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter