લંડનઃ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ભારતની પંજાબ નેશનલ બેન્ક (PNB) સાથે રૂપિયા ૧૩,૦૦૦ કરોડ (૧.૩૦૧ બિલિયન પાઉન્ડ) છેતરપીંડી, ફ્રોડ અને મની લોન્ડરિંગના કેસમાં ડાયમન્ડના ભાગેડુ વેપારી નિરવ મોદીને ૨૫ ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર સોંપ્યા છે. નિરવ મોદી સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડ્ઝવર્થ જેલમાંથી વીડિયોલિન્ક મારફત કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા. નિરવ મોદીનો પ્રત્યર્પણ ચુકાદો ૨૫ ફેબ્રુઆરીએ જાહેર કરાવાનો છે.
વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ એન્ગસ હેમિલ્ટને આરોપી મોદીને માહિતી આપી હતી કે ચુકાદાના દિવસે તેને ફરી વીડિઓલિન્ક મારફત રજૂ કરાશે. PNB કેસમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોસર ભારતીય કોર્ટ્સમાં જવાબ આપવા ૪૯ વર્ષના જવેલર્સને મોકલી શકાય કે નહિ તે મુદ્દે ચુકાદો અપાશે. ગત મહિને ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગૂઝીએ કેસની આખરી દલીલો દરમિયાન ચુકાદા માટે ટાઈમલાઈન નિશ્ચિત કરી હતી.
કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે નિરવ મોદી પોન્ઝી જેવી સ્કીમ ચલાવવા માટે જવાબદાર હતો જેનાથી PNB સાથે ગંભીર છેતરપિંડી આચરાઈ હતી. ભારતીય સત્તાવાળા તરફથી દલીલો કરતી ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસે (CPS) ફ્રોડ, મની લોન્ડરિંગ અને સાક્ષીઓને ધમકી આપી ન્યાયના માર્ગને અવરોધવાના પ્રયાસો થકી પ્રાઈમા ફેસી કેસ મજબૂત બનાવવા પર ધ્યાન આપ્યું છે. બેરિસ્ટર હેલન માલ્કોમે જણાવ્યું હતું કે બિલિયન્સ ડોલર્સની ક્રેડિટ માટે ગેરકાયદે લેટર્સ ઓફ અંડરટેકિંગ મેળવવા મોદીએ તેની ત્રણ પાર્ટનરશિપ કંપનીઓ - Diamonds R Us, સોલાર એક્સપોર્ટ અને સ્ટેલર ડાયમન્ડ્સનો ઉપયોગ કર્યો હતો. આ કોઈ વેપારી વિવાદ નથી પરંતુ, પોન્ઝી જેવી સ્કીમ હતી જ્યાં નવા લેટર્સ ઓફ અંડરટેકિંગથી જૂનાની ચૂકવણી કરાતી હતી.
જજે મોદીની ખરાબ માનસિક હાલતના કારણે એક્સ્ટ્રાડિશન એક્ટ ૨૦૦૩ની સેક્શન ૯૧ હેઠળ પ્રત્યર્પણ શક્ય અને અશક્ય હોવા બાબતે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. તાજેતરમાં વીકિલિક્સના સ્થાપક જુલીઅન અસાન્જેની માનસિક હાલત ખરાબ હોવાથી તેની આત્મહત્યાનું જોખમ ભારે હોવાની દલીલ કરાઈ હતી અને યુકેથી અમેરિકાને તેનું પ્રત્યર્પણ કરાયું ન હતું. મોદી માર્ચ ૨૦૧૯થી જેલમાં છે ત્યારે તેના તીવ્ર ડિપેશન અને આપઘાતનું જોખમને પણ તેને છોડી મૂકવાના કારણો તરીકે આગળ ધરાયા છે. આના વિરોધમાં CPS દ્વારા મોદીના મેડિકલ રિપોર્ટના સ્વતંત્ર મૂલ્યાંકનની માગણી કરાઈ છે.