નિરાશ્રીત તરીકે યુકે આવેલા આહલુવાલિયા લંડનમાં માઇગ્રેશન મ્યુઝિયમ તૈયાર કરશે

હાલ લેવિશેમ શોપિંગ સેન્ટરમાં આવેલા મ્યુઝિયમને ખસેડવા સામે સ્થાનિકોનો વિરોધ

Tuesday 21st February 2023 13:28 EST
 
 

લંડન

યુકેમાં નિરાશ્રીત તરીકે આવી સફળ પ્રોપર્ટી ડેવલપર તરીકે સફળતા હાંસલ કરનાર અબજોપતિ સુખપાલસિંહ આહલુવાલિયા લંડનમાં કરોડો પાઉન્ડના ખર્ચે માઇગ્રેશન મ્યુઝિયમનું નિર્માણ કરશે. હાલ આ મ્યુઝિયમ 20 માળના લેવિશેમ શોપિંગ સેન્ટરના 3 માળમાં આવેલું છે. આહલુવાલિયા આ સ્થાને વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ તૈયાર કરવા માગે છે. દર વર્ષે દોઢ લાખ જેટલા મુલાકાતીઓ આ મ્યુઝિયમની મુલાકાત લે છે. લંડન શહેરના સત્તાવાળાઓ લાંબા સમયથી લંડનને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલ પ્લાનિંગ કમિટી દ્વારા આહલુવાલિયાના પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે. વી એન્ડ ફાસ્ટના ડિરેક્ટર ડો. ગસ કેસલી-હેફોર્ડ સહિતના લોકો તેનું સમર્થન કરી રહ્યાં છે જ્યારે લોર્ડ મેયર નિકોલસ લિઓન્સ અને કેટલાક સ્થાનિક રહેવાસી તેનો વિરોધ કરે છે.

ઇદી અમીનના અત્યાચારોમાંથી બચીને બાળપણમાં યુગાન્ડાથી યુકેમાં નિરાશ્રીત તરીકે આવેલા આહલુવાલિયાએ 2011માં તેમની કંપની ડોમિનસની સ્થાપના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 65 ક્રચેડ ફ્રાયર્સ ડેવલપમેન્ટ ખાતે મ્યુઝિયમને ખસેડવાથી તેનું ભાવી સુરક્ષિત થશે. આ માટે 15 મિલિયન પાઉન્ડની જરૂર છે અને આહલુવાલિયાએ પાંચ લાખ પાઉન્ડની સહાય જાહેર કરી છે.

આહલુવાલિયાના પુત્ર જય કહે છે કે માઇગ્રેશન અને માઇગ્રન્ટ અંગે ઘણી નકારાત્મકતા પ્રવર્તી રહી છે ત્યારે માઇગ્રેશનનું અન્ય પાસુ વર્ણવવામાં આ મ્યુઝિયમ દ્વારા મદદ મળી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter