નિવૃત્તિમાં વાર્ષિક £૨૬,૦૦૦નો ખર્ચ દંપતી માટે પૂરતો ગણાય

Tuesday 22nd June 2021 15:58 EDT
 

લંડનઃ રજાઓ, થોડાં ડ્રિન્ક્સ અને કેટલાક શોખને માણવા ઈચ્છતા દંપતી માટે નિવૃત્તિમાં વાર્ષિક ૨૬,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કરવાનો થાય તેમ Which? દ્વારા સંશોધનમાં જણાયું છે. અભ્યાસ અનુસાર આવશ્યક ચીજવસ્તુઓના ખર્ચ માટે વાર્ષિક ૧૮,૦૦૦ પાઉન્ડ પૂરતાં થઈ રહેશે પરંતુ, આરામથી રહેવું હોય તો વધુ નાણા જરુરી બને છે. એક દંપતી માટે રજાઓ, શોખ-હોબીઝ અને આલ્કોહોલની મોજ સાથે આરામદાયક નિવૃત્ત જીવન ગાળવા વાર્ષિક ૨૬,૦૦૦ પાઉન્ડનો ખર્ચ જરુરી બને છે.

કન્ઝ્યુમર મેગેઝિન Which?નો અભ્યાસ જણાવે છે કે દંપતીની આવશ્યક ચીજવસ્તુઓનો ખર્ચ ૧૮,૦૦૦ પાઉન્ડમાં આવરી લેવાય પરંતુ, વાર્ષિક વધારાના ૮,૦૦૦ પાઉન્ડ બહાર ભોજન લેવા તેમજ ટુંકી મુદતની યુરોપિયન રજાઓ ગાળવાના ખર્ચમાં મદદરુપ થશે. જો, હેલ્થ ક્લબ મેમ્બરશિપ, લાંબા સમયની રજાઓ માણવા તેમજ દર પાંચ વર્ષે નવી કાર લેવાની ઈર્ચ્છા હોય તો વાર્ષિક ૪૧,૦૦૦ પાઉન્ડની જરુર રહેશે.

એક વ્યક્તિને લક્ષમાં રાખી Which?ની ગણતરી દર્શાવે છે કે ૧૩,૦૦૦ પાઉન્ડમાં પાયાની જરુરિયાતો સંતોષી શકાય, ૧૯,૦૦૦ પાઉન્ડમાં આરામદાયક નિવૃત્તિ અને વધુ વૈભવી ચીજવસ્તુઓ સાથે વાર્ષિક ૩૧,૦૦૦ પાઉન્ડ પૂરતાં થઈ રહેશે.

Which?ના અભ્યાસમાં ફેબ્રુઆરીમાં લગભગ ૭,૦૦૦ નિવૃત્ત લોકોને આવરી લેવાયા હતા. તેમાં જણાયું હતું કે સરેરાશ જોઈએ તો, દંપતીઓને પેન્શન ડ્રોડાઉનના ઉપયોગ થકી વાર્ષિક ૨૬,૦૦૦ પાઉન્ડની આવક મેળવવા તેમના સરકારી પેન્શન પોટ ઉપરાંત, આશરે ૧૫૫,૦૦૦ પાઉન્ડની જરુર પડશે અથવા સંયુક્ત લાઈફ એન્યુઈટી થકી ૨૬૫,૦૦૦ પાઉન્ડની  જરુર રહેશે. આ જ પ્રમાણે એક વ્યક્તિના પરિવાર માટે પેન્શન ડ્રોડાઉનના ઉપયોગ થકી વાર્ષિક ૧૯,૦૦૦ પાઉન્ડની આવક મેળવવા તેમના સરકારી પેન્શન પોટ ઉપરાંત, આશરે ૧૯૨,૨૯૦ પાઉન્ડની જરુર પડશે અથવા એન્યુઈટી થકી ૩૦૫,૭૧૦ પાઉન્ડની  જરુર રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter