લંડનઃ બિઝનેસમાં વધતા જતા ખર્ચાની સમસ્યાનો સામનો કરી રહેલા જ્હોન લૂઈ અને વેઈટરોસના માલિકોએ પ્રથમ ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિશ કણકીવાલાની નિમણૂક કરી છે. હોવિસ એન્ડ બર્ગરના પૂર્વ એક્ઝિક્યુટિવ નિશ કણકીવાલા હાલ જ્હોન લૂઈ પાર્ટનરશિપના નોન- એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે અને તેઓ 27 માર્ચથી નવી કામગીરી સંભાળી લેશે.
કણકીવાલા એપ્રિલ 2021માં જ્હોન લૂઈ પાર્ટનરશિપના બોર્ડમાં જોડાયા હતા. કણકીવાલાએ જણાવ્યું હતું કે,‘હું પાર્ટનરશિપને કસ્ટમર્સ ચાહતા હોય અને અમારા પાર્ટનર્સ સાચવતા હોય તેવા આધુનિક બિઝનેસ તરીકેના રુપાંતરમાં આનાથી સંપૂર્ણ ભૂમિકા ભજવવા ઉત્સુક છું.’ સ્ટાફની માલિકીની આ પાર્ટનરશિપ બીજી સંપૂર્ણ વર્ષની ખોટ જાહેર કરવાની ત્યારે કણકીવાલાની આ નિયુક્તિ કરાઈ છે. પાર્ટનરશિપના કર્મચારીઓ ત્રણ વર્ષમાં બીજી વખત તેમનું વાર્ષિક બોનસ ગુમાવે તેવી ધારણા છે. ગ્રૂપને ગયા વર્ષે 181 મિલિયન પાઉન્ડનો નફો થયો હતો જ્યારે આ વર્ષે વેઈટરોસ સુપરમાર્કેટ્સની મુશ્કેલીઓના કારણે ટેક્સ પહેલાની 50 મિલિયન પાઉન્ડની ખોટ જાહેર કરાવાની શક્યતા છે.
નિશ કણકીવાલા ગ્લોબલ બ્રાન્ડ્સ સાથે કામ કરવાનો અનુભવ ધરાવે છે પરંતુ, રીટેઈલ ક્ષેત્રનો પ્રત્યક્ષ અનુભવ નથી. ભારતના મુંબઈમાં જન્મેલા નિશ યુકેમાં સ્થળાંતર કરી ગયા હતા અને ઈસ્ટ લંડનના વોલ્ધેમ્સ્ટોની શાળામાં અભ્યાસ કર્યો હતો. તેમણે યુનિવર્સિટી એફ લંડન ખાતે કેમિકલ એન્જિનીઅરીંગનો અભ્યાસ કર્યો છે. તેમણે યુનિલિવરમાં ગ્રેજ્યુએટ ટ્રેઈની તરીકે કારકિર્દીની શરૂઆત કર્યા પછી નેધરલેન્ડ્સ, ફ્રાન્સ અને યુએસમાં કામ કર્યું હતું.
તેમણે યુરોપ અને આફ્રિકામાં પેપ્સીકોના સોફ્ટ ડ્રિન્ક્સ બિઝનેસના પ્રેસિડેન્ટ, બર્ગર કિંગના ઈન્ટરનેશનલ બિઝનેસના પ્રેસિડેન્ટ અને પછી બ્રેડ બ્રાન્ડ હોવિસ સાથે કામ કર્યું હતું. તેઓ 2014થી તેના ચેરમેન અને તે પછી ચીફ એક્ઝિક્યુટિવ રહ્યા હતા. પ્રાઈવેટ ઈક્વિટી ગ્રૂપ એન્ડલેસને 2020માં તેના વેચાણની વાટાઘાટો પછી તેમણે પદત્યાગ કર્યો હતો.


