લંડનઃ યુકેમાં રાજ્યાશ્રય માટે જેમની અરજીઓ નકારી કઢાઇ હોય તેવા ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલવા માટે દરેકને 3000 પાઉન્ડ આપવાની યોજના સરકાર તૈયાર કરી રહી છે. સરકાર નિરાશ્રિતોના બેકલોગને ઘટાડવા માટે આ યોજના પર વિચારણા કરી રહી છે. રવાન્ડા સાથે થયેલો નવો કરાર રાજ્યાશ્રય વાંચ્છુઓને બળજબરીથી પૂર્વઆફ્રિકાના દેશમાં મોકલી દેવાની સ્થગિત થયેલી યોજના કરતાં અલગ છે.
સરકારની નવી યોજના તેની હાલની નીતિનું પ્રતિબિંબ છે. સરકાર ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને બ્રિટન છોડીને તેમના વતનના દેશમાં જવા માટે આર્થિક સહાય આપવા ઓફર કરી રહી છે પરંતુ નવી યોજના અંતર્ગત જે લોકો રવાન્ડામાં રહેવા તૈયાર થશે તેમને આ રકમ ચૂકવાશે.
બ્રિટનમાં એવા હજારો રાજ્યાશ્રય વાંચ્છુ છે જેમની રાજ્યાશ્રય માટેની અરજીઓ નકારી કઢાઇ છે. પરંતુ તેમને બ્રિટનની બહાર મોકલીશકાતા નથી કારણ કે યુદ્ધગ્રસ્ત અથવા તો માનવ અધિકારનો નબળો રેકોર્ડ ધરાવતા દેશોના નિરાશ્રિતોને પરત મોકલવાની સરકારને પરવાનગી નથી.
હોલિનરેકે જણાવ્યું હતું કે, 3000 પાઉન્ડ ઘણી મોટી રકમ છે પરંતુ રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ ગયેલા લોકોને યુકેમાં રાખવા માટે થતા ખર્ચની સામે તે રકમ કંઇ નથી.
હાઉસ ઓફ લોર્ડ્સે રવાન્ડા બિલમાં કરેલા સુધારા કોમન્સે ફગાવ્યાં
યુકેમાં રાજ્યાશ્રય મેળવવા ઇચ્છતા માઇગ્રન્ટ્સને રવાન્ડા મોકલી આપવા માટેના રવાન્ડા બિલમાં હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા સૂચવાયેલા સુધારા હાઉસ ઓફ કોમન્સે ફગાવી દીધાં છે. હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા બિલમાં 10 સુધારા સૂચવાયાં હતાં. હવે ફરી એકવાર મુસદ્દા ખરડો હાઉસ ઓફ લોર્ડ્સને મોકલી અપાશે. બુધવારે હાઉસ ઓફ લોર્ડ્સ દ્વારા ફરી એકવાર ખરડામાં સુધારા પર વિચારણા કરાશે.