લંડનઃ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા નિર્મિત અને 'નિસડન મંદિર' તરીકે વિશ્વભરમાં લોકપ્રિય, લંડન BAPS સ્વામિનારાયણ મંદિરના દર્શને છેલ્લા ત્રીસ વર્ષોમાં દેશ-વિદેશના કરોડો લોકો પધારી ચૂક્યા છે. સામાન્ય નાગરિકોથી લઈને અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોનો સમાવેશ આ મુલાકાતીઓમાં થાય છે. આ મંદિરની દિવ્ય આભા દરેક દર્શનાર્થીના હૃદય પર એક અમીટ છાપ છોડવા માટે જાણીતી છે. હાલમાં, દિવાળી અને હિન્દુ નૂતન વર્ષના ઉત્સવમય માહોલમાં અને મંદિરના 30 વર્ષ પૂર્ણ થવાના અવસરે બ્રિટનના મહારાજા ચાર્લ્સ તૃતીય અને તેમના પત્ની મહારાણી કેમિલા નિસડન મંદિરના દર્શનાર્થે પધાર્યા હતા.
આ અવસર પર, લંડન BAPS સ્વામિનારાયણ મંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટીઓએ શાહી પરિવારનું સ્વાગત કર્યું હતું. પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ તરીકે અગાઉ મુલાકાતો લીધા બાદ, રાજા અને રાણી તરીકે આ તેમની પ્રથમ મુલાકાત હતી. શાહી પરિવારે મંદિરની અગાઉ પણ અનેક મુલાકાતો લીધી છે, જે BAPS હિન્દુ સમુદાય સાથેના તેમના લાંબા અને સ્નેહપૂર્ણ સંબંધોને સ્પષ્ટપણે દર્શાવે છે.
શાહી દંપતીએ તેમની યાત્રા દરમિયાન મંદિરના સ્વયંસેવકો અને ભક્ત સમુદાય સાથે મુલાકાત કરીને મંદિર દ્વારા થતા સેવા કાર્યો વિશે માહિતી મેળવી. આ સેવા કાર્યોમાં ધ ફેલિક્સ પ્રોજેક્ટ સાથે મંદિરની લાંબા સમયથી ચાલતી ભાગીદારી પણ સામેલ છે. આ લંડન સ્થિત એક ચેરિટી સંસ્થા છે જે નબળા વર્ગના લોકોને ભોજન પૂરું પાડવાનું કામ કરે છે. આ સેવા કાર્ય કિંગ ચાર્લ્સના કોરોનેશન ફૂડ પ્રોજેક્ટનો પણ એક અભિન્ન ભાગ છે.
લંડન મંદિરના મુખ્ય કાર્યવાહક સંત યોગવિવેકદાસ સ્વામીએ જણાવ્યું, “આ ઐતિહાસિક અવસર પર ભક્ત સમુદાય રાજવી દંપતીનું નિસડન મંદિરમાં સ્વાગત કરતાં આનંદ અનુભવી રહ્યો છે. તેઓની મિત્રતા અને મંદિરના સામાજિક સેવાકાર્યોમાં સતત રસ લેવા બદલ અમે તેઓનો ખૂબ આભાર વ્યકત કરીએ છીએ.
પેરિસ મંદિર (2026) વિશે જાણકારી મેળવી
મુલાકાત દરમિયાન, શાહી દંપતીને પેરિસમાં સપ્ટેમ્બર, 2026માં ઉદ્ઘાટન થનારા BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર (જે ફ્રાન્સનું પહેલું પરંપરાગત હિન્દુ મંદિર હશે) વિશે માહિતી મળી, અને તેમણે મંદિર નિર્માણ પ્રોજેક્ટ ટીમના મુખ્ય સભ્યો સાથે પણ મુલાકાત કરી.
મહંત સ્વામીએ વીડિયો સંદેશના માધ્યમથી આપ્યા આશીર્વાદ
વિશ્વવ્યાપી BAPS સંસ્થાના આધ્યાત્મિક પ્રમુખ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે, ભારતથી એક વીડિયો સંદેશ દ્વારા શાહી પરિવારને પ્રાર્થના અને આશીર્વાદ પાઠવતા કહ્યું કે, 'શાહી પરિવારની હાજરી તમારી જાહેર સેવાના દાયકાઓ દરમિયાન, આસ્થાને મહત્ત્વ આપવા અને ધર્મો વચ્ચે સદ્ભાવનાને પ્રોત્સાહન આપવાનું પ્રમાણ છે. મહંત સ્વામી મહારાજે કિંગ ચાર્લ્સને વ્યક્તિગત પત્ર લખીને સંપૂર્ણ યુકેની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પણ આશીર્વાદ આપ્યા. અંતે, શાહી દંપતીએ મંદિરની સામાજિક અને આધ્યાત્મિક સેવા પ્રવૃત્તિઓમાં યોગદાન આપતા સ્વયંસેવકોની ભક્તિ અને સેવાને બિરદાવીને વિદાય લીધી હતી.
બ્રિટિશ રાજપરિવાર અને BAPS સંસ્થાના સંબંધો
કિંગ ચાર્લ્સ તૃતીય (તત્કાલીન પ્રિન્સ ઓફ વેલ્સ) અને ક્વીન કેમિલા (તત્કાલીન ડચેસ ઓફ કોર્નવોલ)નો BAPS સંસ્થાના સેવા કાર્યો સાથેનો સંબંધ લાંબો છે. તેમણે વર્ષ 1996માં કિંગ ચાર્લ્સે નિસડન મંદિરના ઉદ્ઘાટન પછી તરત જ તેની પ્રથમ મુલાકાત લીધી.
નિસડન મંદિરનું બ્રિટિશ સમાજમાં વિશિષ્ટ યોગદાન
૧૯૯૫માં તેના ઉદ્ઘાટન બાદ, નિસડન મંદિર આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત એવું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સ્થાન બની ગયું છે. શ્રદ્ધા, સેવા અને ભારતીય સંસ્કૃતિના અજોડ પ્રતીક સમું, વિશ્વભરના લાખો મુલાકાતીઓ અને ભક્તોનું સ્વાગત કરતું આ મંદિર - બાળ અને યુવા વિકાસ, વરિષ્ઠ નાગરિકોની સંભાળ, આરોગ્ય અને માનવતાવાદી રાહત જેવા અનેક સેવાકાર્યો દ્વારા બ્રિટિશ સમાજમાં સતત વિશિષ્ટ યોગદાન આપી રહ્યું છે.
કિંગ ચાર્લ્સનો નિસડન મંદિર સાથેનો ઘરોબો
- ૧૯૯૬: મંદિરના ઉદ્ઘાટન પછી તરત જ, કિંગ ચાર્લ્સે (પ્રિન્સ ઓફ વેલ્સ તરીકે) નિસડન મંદિરની પ્રથમ મુલાકાત લીધી.
- ૧૯૯૭: કિંગ ચાર્લ્સે સેન્ટ જેમ્સ પેલેસ ખાતે મંદિરના પ્રેરક અને સર્જક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું સ્વાગત કર્યું.
- ૨૦૦૧: ગુજરાતમાં આવેલા ભૂકંપ બાદ અસરગ્રસ્તોની સહાય માટેના રાહત કાર્યોને બિરદાવવા અને સમર્થન આપવા માટે કિંગ ચાર્લ્સે મંદિરની મુલાકાત લીધી હતી.
- ૨૦૦૫: લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે 'મિસ્ટિક ઇન્ડિયા'ની રોયલ વર્લ્ડ ચેરિટી પ્રીમિયરમાં કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ હાજરી આપી હતી.
- ૨૦૦૭ અને ૨૦૦૯: કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ ૨૦૦૭માં નીસડન મંદિર ખાતે દિવાળીની ઉજવણીમાં અને ૨૦૦૯માં હોળી પર્વ નિમિત્તે મુલાકાત લીધી હતી.
- ૨૦૧૩: ભારતની મુલાકાત દરમિયાન કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ નવી દિલ્હી સ્થિત સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી.
- ૨૦૧૬: પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દેહવિલય બાદ કિંગ ચાર્લ્સે શોક સંદેશ પાઠવ્યો હતો.
- ૨૦૨૦: નિસડન મંદિરની ૨૫મી વર્ષગાંઠના અવસરે કિંગ ચાર્લ્સે વીડિયો સંદેશ મોકલ્યો હતો.
- ૨૦૨૨: પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના અવસરે કિંગ ચાર્લ્સે વિશેષ સંદેશ પાઠવ્યો હતો.
- ૨૦૨૩: બી.એ.પી.એસ. યુકેના ચેરમેન શ્રી જીતુભાઈ પટેલે રાજવી દંપતીના રાજ્યાભિષેક સમારોહમાં હિન્દુ ધર્મના પ્રતિનિધિ તરીકે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે હાજરી આપી હતી.


